Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અધ્યક્ષતામાં ગુજરાત આઈલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી – GIDA બેઠક મળી

ટાપુઓ પર પ્રવાસન, ખેતી, મત્સ્યોદ્યોગ, સુરક્ષા જેવા મુદ્દાઓ ધ્યાને રાખી GIDB એક માસમાં પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરાવશે

ગુજરાતના દરિયાકાંઠા નજીક આવેલા ૧૪૪ જેટલા ટાપુઓના વિકાસ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં અધ્યક્ષતામાં રાજ્ય સરકારે ગુજરાત આઈલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી – GIDAની રચના કરના કરી છે. જેની મંગળવારે યોજાયેલી પ્રથમ બેઠકમાં રાજ્યનાં ૧૪૪ બેટ પૈકી ૨૩ મોટા ટાપુ જે પ૦ હેક્ટર વિસ્તારથી મોટા છે, તેનો પ્રથમ તબક્કે વિકાસ કરવાનો નિર્ણય રૂપાણી સરકારે લીધો છે. ગુજરાત સરકારનું તંત્ર ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડને રાજ્યના ગૃહ વિભાગ સાથે સંકલન કરી પ્રોજેક્ટ હાથ ધરવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૂચન કર્યુ છે.

આ ટાપુઓમાં પ્રવાસન વિકસાવવાની તકો છે કે કેમ, મત્સ્યોદ્યોગ કે ખેતીની તકો છે કે કેમ, સલામતીના દૃષ્ટિકોણથી તેની વ્યૂહાત્મક અગત્યતા, ટાપુઓમાં પહોંચવા માટે એપ્રોચ રસ્તા તથા બોટ સુવિધા માનવ વસતી જેવી વિવિધ બાબતો પ્રાથમિક સર્વેક્ષણમાં આવરી લેવાશે અને ત્યારબાદ કઈ રીતે વૈયક્તિક ટાપુનો વિકાસ કરવો તેનો નિર્ણય રૂપાણી સરકાર લેશે.

રાજ્યને અડીને આવેલા દરિયાઈ ટાપુઓની સુરક્ષા અને ત્યાની પ્રવાસન પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવાના બેવડા ઉદ્દેશ્યથી રૂપાણી સરકારે ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બોર્ડ – GIDBએ ગુજરાતની નજીક આવેલા ટાપુઓને વિકસાવવા માટે પ્રિ-ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કર્યો છે. ગુજરાત સરકાર અને GIDA આઈલેન્ડ ટૂરિઝમ માટે પ્રથમ તબક્કામાં દ્વારકા નાજીલ આવેલો બેટ દ્વારકા ટાપુ, જામનગર નજીક આવેલો પિરોટન ટાપુ, ભરૂચ નજીક આવેલો આલિયા બેટ ટાપુ તથા જાફરાબાદ નજીક આવેલો શિયાલ બેટ ટાપુઓનો વિકાસ કરશે. આ ટાપુઓ પર પ્રવાસન, ખેતી, મત્સ્યોદ્યોગ, સુરક્ષા જેવા મુદ્દાઓની પણ ચકાસણી કરવામાં આવશે.

ગુજરાતના દરિયાકિનારે આવેલા આઈલેન્ડને આંદામાન અને નિકોબારની જેમ જામનગર, દ્વારકા, ભરૂચ પાસેનાં બેટ પિરોટન, બેટ દ્વારકા, આલિયા બેટ, શિયાલ બેટ ટાપુઓ વિકસાવવાનો રૂપાણી સરકારનો પ્લાન છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત આઈલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી- GIDA રચના બાદ રાજ્યનાં દરિયા કિનારે આવેલા કુદરતી ટાપુઓનો અમૂલ્ય ખજાનો પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું મન બનાવી લીધું છે.

આ ટાપુઓ પર પ્રવાસીઓને આકર્ષવા માટે હોટલ્સ, દરિયાની રમતો, મનોરંજનના સાધનો, એડવેન્ચર સહિતની સુવિધાઓ પ્રાપ્ય બનાવવામાં આવશે જેથી ગુજરાતના પ્રવાસીઓને હરવા-ફરવા ગુજરાત બહાર નહીં જવું પડે ઉપરાંત સરકારને પણ આ પ્રકારનાં એક્સલ્યુસિવ આઈલેન્ડ વિકસાવી અઢળક કમાણી થશે. ગુજરાતનાં દરિયા કિનારે માત્ર ટાપુઓ છે તેવું નથી. કેટલીક નદીઓની વચ્ચે પણ આઈલેન્ડ જેવી ખૂબસુરત જગ્યાઓ છે. ગુજરાત સરકાર આવા આઈલેન્ડનો વિકાસ કરવા પણ વિચારશીલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.