Abtak Media Google News

પ્રજ્ઞેશ સુચક, ચિરાગકુમાર પટેલ સહિતના જજોએ ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી

ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છ જજોની નિમણૂંક કરવામાં આવી છે તેને પડકારતા સૌરાષ્ટ્રના છ જજોએ હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી અને જણાવ્યું હતું કે, તેમને બઢતી અને હાયર કેડરમાં સ્થાન આપવામાં આવે જે અન્વયે ગુજરાત હાઈકોર્ટના બેંચમાં કાર્યરત એક્ટિંગ ચિફ જસ્ટીસ અનંત દવે અને જસ્ટીસ બિરન વૈષ્નવ આ પીટીશન અંગેની સુનાવણી હાથ ધરશે.

છ જજો કે જેઓ સિવિલ જજ, જુનીયર ડિવિઝન સૌરાષ્ટ્ર વિસ્તારમાં કાર્ય કરી રહ્યાં છે તેવા પ્રજ્ઞેશ સુચક, ચિરાગકુમાર પટેલ, રોહિતકુમાર લીંબાચીયા, કપીલ ગોહેલ, હિના બ્રહ્મભટ્ટ અને નિરવ પટેલે પીટીશન ફાઈલ કરતા માંગણી કરી હતી કે, તેમને સિવિલ જજ સિનીયર ડિવિઝનમાં બઢતી આપવામાં આવે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ૧૨૩ જગ્યાઓ સિવિલ જજ, સીનીયર ડિવિઝનની ખાલી પડેલી છે અને તેઓ તેમાં લાયક હોવા છતાં તેઓને સ્થાન આપવામાં આવ્યું નથી. તેમના દ્વારા ન્યાયીક પ્રણાલીમાં ૫ વર્ષ સેવા કરી છે ત્યારે તેમના નામોને ધ્યાન ન આપવાનું શું કારણ છે તે સમજવામાં આવતું નથી. જેના કારણે તેમને બઢતી આપવામાં આવે તે હેતુસર ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી છે.

૨૦૧૨માં જજ તરીકે નિયુકત થયા બાદ ૨૦૧૭ સુધીમાં તેમના દ્વારા ૫ વર્ષ કાર્યકાળના પુરા કરવામાં આવ્યા હતા જે સુચવે છે કે તે સિવિલ જજ સીનીયર ડિવિઝનમાં તેઓ સક્ષમ છે પરંતુ કોઈને કોઈ કારણોસર તેમની અવગણના કરવામાં આવી હોય તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે ગુજરાત સ્ટેટ જયુડીશ્યલ સર્વિસ રૂલ ૨૦૧૫ના રૂલ ૬ પ્રમાણે તેઓએ પ્રશ્ન પણ ઉદભવીત કર્યો છે કે તેમનું નામ શું કામે ગણતરીમાં લેવામાં આવ્યુ ન હતું. તેઓએ જણાવ્યું હતું કે, આ ભેદભાવ કરવા પાછળનું કારણ શું છે કારણ કે, ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયના કારણે તેમની કારકિર્દીને પણ અસર પડશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને તેમનું ચયન ન કરવા પાછળનું એવું કોઈ યોગ્ય કે મજબૂત કારણ હજુ સુધી સામે આવ્યું નથી જેના વિરોધમાં સૌરાષ્ટ્રના છ જજો દ્વારા હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.