સાંપ ગયા ને લીસોટા રહી ગયા… રાજ્યના કૃષિ-બાગાયતી ક્ષેત્રને અધધ એક હજાર કરોડનું નુકસાન, જગતાંતને આટલી સહાયનો અંદાજ

એક તરફ વાયરસ… બીજી તરફ વાવાઝોડું… કોવિડ-19ની બીજી લહેર હજુ સમી નથી ત્યાં તાઉતે વાવાઝોડાંએ તાંડવ મચાવી દીધું છે. વાવાઝોડું તો ગયું પણ વેરણછેરણ કરતું ગયું છે. એમાં પણ ખાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને ભારે નુકસાન પહોંચ્યું છે. 90%થી વધુ ઉભા પાકનો સર્વવિનાશ થઈ ગયો છે. સરકાર દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં ખુલાસો થયો છે કે ગુજરાતના કૃષિ અને બાગાયતી ક્ષેત્રને વાવાઝોડાને કારણે અધધ… 1,085 કરોડનું નુકસાન નીવડ્યું છે.
કૃષિ અને બાગાયતને થયેલા મોટાભાગના નુકસાનની વાત કરીએ તો ખાસ સૌરાષ્ટ્રના ચાર જિલ્લા ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં થયું છે. જોકે, અન્ય જિલ્લાઓમાં પણ નોંધપાત્ર નુકસાન થયું છે. જો કે, સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કૃષિ અને બાગાયતને થયેલા નુકસાનનો વિગતવાર સર્વે હજુ ચાલુ છે. તેમ છતાં, હાલના અંદાજ પ્રમાણે બાગાયત ક્ષેત્રને રૂપિયા 710 કરોડનું જ્યારે કૃષિ ક્ષેત્રને રૂપિયા 375 કરોડનું નુકસાન થયું છે.

તાઉતેએ તારાજી સર્જી જગતાતને પડ્યા પર પાટુ માર્યુ છે. ઉલ્લેખનીય છે કે, અતિભારે પવન સાથેના વરસાદે ચોતરફ તહસ નહસ કરી દીધું છે. આંબાઓ પરથી કેરીઓ ખરી પડી છે. તો કપાસ, ઉનાળુ પાક પલળીને સત્યનાશ થઈ ગયો છે. સૌથી વધુ નુકસાન થયેલા પાકમાં કેરી, નાળિયેર, કેળા અને શાકભાજીનો સમાવેશ છે. પપૈયા, સપોટા, ખજૂર અને ફળોના પાકને પણ નુકસાન થયું છે. 1 લાખ હેક્ટરમાં બગીચાના પાકને નુકસાન થયું છે. સરકારી આંકડા મુજબ બાજરી, લીલા ચણા, કાળા ચણા અને તલ જેવા પાકને અંદાજે 375 કરોડનું નુકસાન થયું છે.

 

વાવાઝોડું આવીને ગયું પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોને ઘણા વર્ષો પાછળ ધકેલી દીધા છે. એમાં પણ ખેતરો વરસાદી પાણીમાં ડૂબતા ખેડૂતો પર આભ તૂટ્યા જેવી સ્થિતિ ઊભી થઈ છે. પરંતુ આમાંથી જગતાતને ઉગારી આંશિક રાહત આપવા સરકારે સહાય પેકેજ જારી કરશે. જો કે કેન્દ્ર સરકાર તરફથી રાજ્યને 1 હજાર કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી અસરગ્રસ્તોને રૂપિયા 50 હજાર તો મૃત્યુ પામનારના પરિવારને રૂપિયા 2 લાખની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે એક અંદાજ પ્રમાણે રાજ્ય સરકાર બાગાયતી પાક માટે 103 કરોડ રૂપિયા વળતર તરીકે અને કૃષિ માટે આશરે 73 કરોડના સહાય ભંડોળની જાહેરાત કરવામાં આવે તેવી ધારણા છે.

                        ક્યાં જિલ્લાને કેટલી સહાય ચૂકવાશે ??

– રૂપાણી સરકાર રૂપિયા 103 કરોડનું રાહત પેકેજ જાહેર કરે તેવી ધારણાં

-મુખ્ય ચાર જિલ્લા (જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર) માટે રૂપિયા 89 કરોડ ફાળવાય તેવી શકયતા

બાકીના જિલ્લાઓને રૂપિયા 14.4 કરોડ ફાળવાય તેવી ધારણાં

  • ગીર સોમનાથ રૂ. 39.7 કરોડ
  • જૂનાગઢ રૂ. 22.4 કરોડ
  • ભાવનગર રૂ. 13.9 કરોડ
  • અમરેલી રૂ. 12.6 કરોડ
  • ઉલ્લેખનીય છે કે, તાઉતે વાવઝોડાને કારણે ખેતી, બાગાયતી ઉપરાંત વીજ વિભાગને પણ મોટાભાગે નુકસાન પહોંચ્યું છે. રાજ્યભરમાં આશરે 49 હજાર કરતા પણ વધુ વીજપોલ ધરાશાયી થઇ ગયા હતા. તેના કારણે 5831 ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો. વીજ વિભાગની સાથે એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ અલંગને પણ અધધ…80 કરોડનું નુકસાન થયું છે.