Abtak Media Google News

આધુનિક યુગ ટેકનોલોજીનો છે. દરેક વ્યક્તિ સામાજિક હોય, કે ન હોય, પરંતુ સોશિયલ થવા ઇચ્છે છે. અન્ય શબ્દોમાં કહીએ તો વ્યક્તિ ખુદને સોશિયલ મીડિયા વગર અધૂરી સમજે છે. આજે સોશિયલ મીડિયા દુનિયાભરના લોકો સાથે જોડાવાનું એક મહત્ત્વપૂર્ણ સાધન બની ગયું છે અને તેણે વિશ્વના સંચારને એક નવી દિશા આપી છે.

સોશિયલ મીડિયા આજે લોકો માટે સકારાત્મક અને નકારાત્મક બંને દૃષ્ટિથી હથિયારનું કામ કરે છે. સોશિયલ મીડિયા એ લોકોનો અવાજ બન્યો છે, જે સમાજની મુખ્યધારાથી અલગ છે અને જેના અવાજને દબાવવામાં આવે છે. સોશિયલ મીડિયા કેટલાય વેપારીઓ માટે વેપારના એક સારા સાધનના રૂપમાં કાર્ય કરી રહ્યુ છે, તેનાથી કેટલાય પ્રકારના રોજગારના અવસર પણ ઊભા થયા છે. જેનો લાભ લઇને લોકોને પોતાની રોજીરોટી કમાવવાનો અવસર પ્રાપ્ત થયો છે.

વર્તમાન સમયમાં સામાન્ય નાગરિકોની વચ્ચે જાગૃતિ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો પ્રયોગ વ્યાપક સ્તરે થઇ રહ્યો છે. સરકારી સંસ્થાઓ અને વિભાગોએ પણ પોતાના સોશિયલ મીડિયા ખાતાં બનાવ્યાં છે, જ્યાંથી સંબંધિત જાણકારીઓને પ્રસારિત કરીને લોકોને સમયે-સમયે જાગૃત કરી શકાય છે. તેનાથી સૌથી મોટો લાભ એ થયો છે કે પ્રશાસન અને જનતાની વચ્ચે જે અપ્રત્યક્ષ અંતર હતુ, તેમાં કડી બનવાનું કામ સોશિયલ મીડિયાએ કર્યુ છે.

હવે સોશિયલ મીડિયા માહિતીનું કેન્દ્ર બની ગયું છે. કેટલાય સંશોધનોમાં સામે આવ્યું છે કે દુનિયાભરમાં મોટાભાગના લોકો રોજિંદી માહિતી કે સમાચારો સોશિયલ મીડિયાનાં માધ્યમથી પ્રાપ્ત કરે છે. ભારત જેવા રાષ્ટ્રની વાત કરીએ તો સોશિયલ મીડિયા એક વરદાન પણ છે અને ઘણા માપદંડોમાં તે સમસ્યાઓનું ઉત્પાદક પણ બની ગયું છે. દેશમાં સોશિયલ મીડિયાએ સમાજમાં અંતિમ છેડે ઊભેલી વ્યક્તિઓને પણ સમાજની મુખ્યધારા સાથે જોડાવવા અને ખૂલીને પોતાના વિચારોને વ્યક્ત કરવાનો અવસર આપ્યો છે.

વધુ પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ ડિપ્રેશન તરફ લઇ જાય છે. તેનાથી વધુ સોશિયલ મીડિયા વિવાદોના જન્મદાતાના રૂપમાં પોતાની ટીકાઓના કારણે પણ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયાની ભૂમિકા ઘણીવાર સામાજિક સમરસતાને બગાડવા અને સકારાત્મક સમરસતાને બગાડવા તેમજ સકારાત્મક વિચારોના બદલે સમાજને વહેંચવા વાળા વિચારોને પ્રોત્સાહન આપનાર પણ બની જાય છે.

કેટલાંય સંશોધનોમાં સાબિત થયું છે કે સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગના કારણે આપણું મગજ નકારાત્મકતાઓથી ભરાઇ જાય છે. તે ક્યારેક આપણને ડિપ્રેશન તરફ પણ લઇ જાય છે. તેનો વધુ પડતો ઉપયોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. સોશિયલ મીડિયા પર ગુપ્તતા હોતી નથી તેથી કેટલીકવાર તમારા પર્સનલ ડેટાની પણ ચોરી થાય છે. આ રીતે સોશિયલ મીડિયા સમાજ માટે એક સમસ્યા પણ છે અને એક અવસર પણ, જોકે તે એક વ્યક્તિના પ્રયોગ પર નિર્ભર કરે છે કે તેને તે કેવી રીતે લે છે. વ્યક્તિ ઇચ્છે તો તેને અવસર બનાવી શકે છે નહીં તો તેના દુરુપયોગથી સમસ્યા પણ સર્જી શકે છે.

ભારતમાં નીતિ નિર્માતાઓની સમક્ષ સોશિયલ મીડિયાના દુરુપયોગને નિયંત્રિત કરવો એક મોટો પડકાર બની ચુક્યો છે. લોકો દ્વારા આ અંગે ગંભીરતાથી વિચાર પણ કરવામાં આવી રહ્યો છે. તેના દ્વારા વિવાદોને જન્મ આપવા પાછળ સૌથી મોટુ કારણ સોશિયલ મીડિયાના પ્રયોગ માટે કોઇ ઠોસ નિયમન ન હોવું એ પણ છે. કોઇ પણ વ્યક્તિ કોઇ પણ નામ અને ઓળખથી એકાઉન્ટ ખોલીને જે ઇચ્છે તે શેર કરી શકે છે. તેના કારણે ભ્રામકતાઓ અને અપરાધનો જન્મ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.