Abtak Media Google News

તારો મારો સ્વભાવ મેળે નહિ આવે તેમ કહી પતિએ તરછોડતા પરણીતાએ કરી ફરિયાદ

શહેરના સહકાર મેઈન રોડ પર સહકાર સોસાયટી શેરી નં-૮ માં માવતરના ઘરે રહેતા દર્શનાબેન પટેલ નામની ૩૬ વર્ષની પરિણિતાએ અમેરીકા રીટર્ન પતિ હાર્દિક વિનોદરાય કશવાળા વિરૂધ્ધ મહિલા પોલીસમાં ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી છે.

પોલીસને ફરિયાદમાં દર્શનાબેનના જણાવ્યા મુજબ તેને એમ.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. ર૦૧૪ ની સાલમાં તેના લગ્ન સુરત ખાતે હાર્દિક સાથે જ્ઞાાતિના રીતીરીવાજો મુજબ થયા હતા. હજુ સુધી સંતાન પ્રાપ્તી થઈ નથી. તેનો પતિ બચપનથી માતા-પિતા સાથે અમેરીકા સેટલ થઈ ગયો હતો. જેથી અભ્યાસ પણ ત્યાંજ કર્યો હતો. ત્યાંજ બેંકમાં નોકરી કરતો હતો. ભારતમાં સ્થાયી થવા માટે નોકરી મુકી પરત આવી ગયો હતો. તેની વિધવા માતાના સગાઓએ લગ્ન નક્કી કરાવ્યા હતા. તેને કારણે ર૦૧૪ ની સાલમાં તેની રાજકોટમાં સગાઈ થઈ હતી. તે વખતે તેના સાસુ-સસરા અમેરીકા હોવાથી હાજરી આપી શકયા ન હતા.

ત્યારબાદ સુરતમાં ધામધુમથી લગ્ન થયા હતા જેમાં તેના સાસુ-સસરા પણ અમેરીકાથી આવ્યા હતા. પરીવારના તમામ સભ્યો ચારેક માસ સુધી સુરત રોકાયા હતા. આ પછી તેના સાસુ-સસરા અમેરીકા જતા રહ્યા હતા. તે પતિ સાથે બે-ત્રણ મહિના સુરત રોકાયા બાદ ધંધા માટે રાજકોટ આવી ગયા હતા. અહીં નારાયણનગર મેઈન રોડ પરના રાધેક્રિષ્ન એપાર્ટમેન્ટમાં ભાડે રહેતા હતા.  ચારેક વર્ષ રાજકોટ રહ્યા તે દરમ્યાન તેના પતિએ તેને એમ કહેવાનું શરૂ કર્યું હતું કે તારો અને મારો સ્વભાવ મેચ નહીં થાય. તું ઈન્ડીયન છે હું અમેરીકન છું. જેથી આપણે બંને સાથે નહી રહી શકીએ.

એક દિવસ  ઘરે ન હતી ત્યારે પતિ કહ્યા વગર પોતાનો સામાન લઈ જતો રહ્યો હતો. તેણે ફોન કરતા બે-ત્રણ દિવસમાં આવી જઈશ તેમ કહ્યું હતું. પરંતુ બે-ત્રણ દિવસ પછી પણ આવ્યો ન હતો. જાણ થતા તેના લગ્ન કરાવનાર પરીવારના સભ્યો તેને રાહ જોવાની સલાહ આપી હતી.પરંતુ આમ છતાં પતિ ઘણા દિવસો સુધી પરત નહી આવતા અને તેના પરીવાર તરફથી પણ કોઈ જવાબ નહીં આવતા તે ભાડાના ફલેટમાં નવેક માસ રોકાયા બાદ ત્યાંથી માવતરના ઘરે રહેવા જતા રહ્યા હતા.

આખરે મહિલા પોલીસમાં અરજી કરી હતી. જે સંદર્ભે તેના પતિએ આવી તેની સાથે નહીં રહેવાની વાત કરી જતો રહ્યો હતો. એટલુ જ નહીં તેનો મોબાઈલ નંબર પણ બ્લોકમાં નાખી દીધો હતો. પરીણામે તેની સાથે ઘણાં સમયથી કોઈ વાતચીત નહી થતા તેના વિરૂધ્ધ મહિલા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.