Abtak Media Google News

3 થી 11 સપ્ટેમ્બર નવ દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમોની સાથે બાલ પર્યુષણ, ભગવાન મહાવીર જન્મોત્સવ અને સંવત્સરી આલોચનાનું ભવ્ય આયોજન

લાઈવના માધ્યમે અમેરિકાની જૈના સંસ્થા સહીત સમગ્ર દેશ અને પરદેશના લાખો ભાવિકો ધર્મબોધ પામશે

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની પધરામણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહી ગયાં છે, ત્યારે પરમધામ સાધના સંકુલમા બિરાજમાન તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ  રતિલાલજી મહારાજ સાહેબના કૃપાપાત્ર સુશિષ્ય રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ 49 સંત-સતીજીઓના પાવન સાંનિધ્યે સમગ્ર ભારત અને અમેરિકાની શિરસ્થ સંસ્થા – જૈનામાં તેમજ પરદેશના અનેક ક્ષેત્રોમાં લાઈવના માધ્યમે ગ્લોબલ પર્યુષણ મહાપર્વનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોના મહામારીના વિષમ સમયમાં ધર્મક્ષેત્રમાં જઈને સાધના-આરાધના કરવાના યોગ અશક્ય બનતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની દીર્ધ દ્રષ્ટિ, કુનેહ અને ભગીરથ પુરુષાર્થના કારણે લાઈવના માધ્યમે પર્વાધિરાજ પર્વની સાધના-આરાધનાનો લાભ માત્ર દેશના જ નહીં પરંતુ પરદેશના મળીને 25 લાખથી પણ વધારે ભાવિકો પામીને ધન્ય બન્યાં હતાં. ત્યારે આ વર્ષે પણ લાખો ભાવિકોને ધર્મબોધ પમાડવાના મંગલ ભાવો સાથે દેશ-પરદેશમાં ગ્લોબલ પર્યુષણ ઉજવાશે.

03/09/2021 થી  11/09/2021 – 9 દિવસ સુધી આયોજિત થયેલા ગ્લોબલ પર્યુષણ અંતર્ગત દરરોજ સવારના 7:00 થી 8:00 કલાક દરમિયાન આત્મા પાર લાગતા 8 કર્મરૂપી અવગુણોને મુક્ત કરવા ઈનર ક્લિનીંગ કોર્ષની વિશિષ્ટ ધ્યાન સાધના, 8:15 થી 8:35 – 9 દિવસમાં 9,99,999 નમસ્કાર મહામંત્ર જપ સાધના, 8:35 થી 9:00 પૂજ્ય મહાસતીજીના શ્રીમુખેથી પ્રવચનધારા, 9:00 થી 10:15 દરમિયાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રીમુખેથી બોધ વચન તેમજ પચ્ચક્ખાણ વિધિ કરાવવામાં આવશે, 10:00 થી 11:00 કલાક દરમિયાન પ્રેરણાત્મક નાટ્ય દ્રશ્યાંકનનું (ઇન્સપિરેશનલ પર્ફોર્મન્સીસ) આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરાંતમાં રાત્રિના સમયે 8:00 કલાકે અમેરિકાની શિરસ્થ સંસ્થા -જૈનામાં પરમ ગુરુદેવના પ્રવચન સાથે પરદેશના મલેશિયા, વોશિંગ્ટન, યુગાન્ડા, સુદાન, કેલિફોર્નિયા, ન્યુ યોર્ક, સીએટલ, યુએસએ, યુએ આદિ ક્ષેત્રોના ભાવિકો માટે પૂજ્ય મહાસતીજીના શ્રીમુખેથી બોધ પ્રવચન આપવામાં આવશે. દરરોજ સાંજના પ્રતિક્રમણની આરાધના, દરરોજની ભક્તિ સ્તવના, સંધ્યા ભક્તિ, ભગવાન મહાવીર જન્મોત્સવ તેમજ સંવત્સરી આલોચનાના વિશિષ્ટ આયોજન સાથે દરરોજ 3 વર્ષથી 15 વર્ષના બાળકો માટે બાલ પર્યુષણ આરાધના અંતર્ગત ગુજરાતી, હિન્દી તેમજ ઇંગ્લીશમાં પ્રવચન આદિ કાર્યક્રમો યોજાશે.

વિશેષમાં 9 દિવસ સુધી નમસ્કાર મહામંત્રની સામુહિક જપ સાધના દ્વારા 9,99,999 નમસ્કાર મહામંત્ર જપ આરાધના અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્લોબલ પર્યુષણ મહાપર્વ દરમ્યાન પૂજ્ય સંત-સતીજીઓના સવારના પ્રવચન લાઈવ પ્રસારિત કરવામાં આવશે તથા સંવત્સરી આલોચના પણ પ્રસારિત કરવામાં આવશે.

ગ્લોબલ પર્યુષણ મહાપર્વના સંઘપતિ રૂપે શાસનદીપક ગુરુદેવ પૂજ્ય નરેન્દ્રમુનિ મહારાજ સાહેબ એવમ મા સ્વામી-પૂજ્ય જય-વિજયાજી મહાસતીજીની પરમ સ્મૃતિમાં ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠ – કવેસ્ટ ફાઉન્ડેશન – સાયન લાભ લઈને ધન્ય બનશે.

પર્વાધિરાજ પર્વની પધરામણીના વધામણાં કરતાં પરમ ગુરુદેવની પ્રેરણાથી અનેક-અનેક ભાવિકો રત્નરાશિ તપ, ધર્મચક્ર તપ, માસક્ષમણ તપ અને સિદ્ધિ તપ જેવી આરાધનામાં ભક્તિભાવથી જોડાઈ ગયાં છે, ત્યારે સર્વ ભાવિકોને પર્વના દરેક અવસરમાં લાઈવના માધ્યમે જોડાઈને આત્મબોધ પામવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.