Abtak Media Google News
  • દીક્ષાર્થી મુમુક્ષુ યશ્વી ચાલશે સંયમના માર્ગ
  • નમ્રમુનિ મ.સા. સાંનિધ્યમાં મહાતપોત્સવ અંવમ દીક્ષા મહોત્સવ યોજાશે

ક્ષણ-ક્ષણ અનંત જીવો સંસાર વૃદ્ધિ તરફના પુરુષાર્થોમાં રાચી રહ્યા છે ત્યારે સદાને માટે સંસાર ત્યાગની વીરતા દર્શાવીને, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ-શરણમાં મુમુક્ષુ   યશ્વીદીદી મહેન્દ્રભાઈ નંદુ સંયમ અંગીકાર કરવા જઈ રહ્યા છે ત્યારે ગોંડલ સંપ્રદાય સંસ્થાપક આચાર્યદેવ પૂ.  ડુંગરસિંહજી મહારાજ સાહેબના ગાદીના ગામ એવા ગોંડલમાં   ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે “સંયમ અનુજ્ઞા અર્પણમ્”નો અવસર આયોજિત કરવામાં આવ્યો હતો.વહેલી સવારે ધર્મવત્સલ   વિનોદરાય જમનાદાસભાઈ દોશી પરિવારના આંગણેથી   કરવામાં આવેલી સંયમ સન્માન શોભાયાત્રા અણુઅણુને ગજાવતા બેન્ડ, માથે કળશધારી બાલિકા તથા મસ્તક પર સજાવેલ આગમધારી બહેનો, દેવવિમાન સમી સજાવેલી સુંદર બગીમાં બિરાજમાન થયેલા મુમુક્ષુ આત્મા, જયકાર ગુંજવતા   સંઘ શ્રેષ્ઠવર્યો અને સેંકડો ભાવિકો, બોધસૂત્ર લઈને ઉત્સાહથી ચાલતા લુક એન લર્ન જૈન જ્ઞાન ધામના બાળકોથી શોભતી શોભાયાત્રા ગોંડલના રાજમાર્ગોને ગુંજવતી ગાદીના ઉપાશ્રયે વિરામ પામી હતી.

મુમુક્ષુ આત્માના સંયમ ભાવોની અનુમોદનાના ભાવ સાથે આ અવસરે અનેક શ્રી સંઘના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા ત્યારે શ્રી ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે,     સુમતિબાઈ મહાસતીજીના સુશિષ્યા     સુજીતાબાઈ મહાસતીજી એવમ  અંજીતાબાઈ મહાસતીજી આદિ ઠાણા, સંઘાણી સંપ્રદાયના પૂજ્ય  ઉષાબાઈ મહાસતીજી આદિ, અજરામર સંપ્રદાયના   આરાધનાબાઈ મહાસતીજી આદિ સાધ્વીવૃંદે સંયમી બનવા જઈ રહેલા આત્માને આશીર્વચન પાઠવેલ.

A Smiling Face Equals True Restraint: Humility
A smiling face equals true restraint: Humility

ગોંડલ સંપ્રદાયના ગાદીના ગામમાં પરંપરા અનુસાર ગોંડલ સંપ્રદાયની અનુજ્ઞા સંઘો દ્વારા આપવામાં આવી હતી એવમ પોતાની વ્હાલસોયી દીકરીને શાસનના શરણે સમર્પિત કરનાર ઉપકારી માતા-પિતાનું સન્માન કરવામાં આવેલ. આ અવસરે મુમુક્ષુ   યશ્વીદીદીએ ભાવ અભિવ્યક્તિ કરતા સંસારની અસારતા અને સંયમ જીવનની શ્રેષ્ઠતા દર્શાવીને ઉપસ્થિત સૌને સત્યમાર્ગની પ્રેરણા આપેલ.

ગોંડલ સંપ્રદાયના  પ્રવીણભાઈ કોઠારી આદિ મહાનુભાવોએ ભાવોની અભિવ્યક્તિ દ્વારા મુમુક્ષુને શુભેચ્છા વંદન અર્પણ કરેલ. કાર્યક્રમના અંતે માતુશ્રી હર્ષાબેન નવીનભાઈ દેસાઇ પરિવાર તરફથી નવકારશીનું આયોજન રાખવામાં આવેલ.

ત્યારબાદ મધ્યાહને જેતપુર તપસ્વી ગુરુદેવ – પૂજ્ય   માણેકચંદ્રજી મહારાજ સાહેબની ઓરડીએ સંયમ સન્માન સમારોહ યોજાયો હતો અને સાંજે ફરી   વીણાબેન કેતનભાઈ શેઠના આંગણેથી પ્રારંભ થઇ રાજાણી નગરી રાજકોટના રાજમાર્ગને ગુંજવતી સંયમ સન્માન શોભાયાત્રા  રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ – ઓમાનવાળા ઉપાશ્રયના આંગણે ધર્મસભામાં પરિવર્તિત થયેલ, જેમાં ગોંડલ સંપ્રદાયના પૂજ્ય શ્રી દેવેન્દ્રમુનિ મહારાજ સાહેબ એવમ પૂજ્ય   સુનીતાબાઈ મ., આદિ પૂજ્ય  શ્રેયાંશીબાઈ મ. આદિ,   રૂપાબાઈ મ, આદિ અનેક સાધ્વીવૃંદએ મુમુક્ષુને આશીર્વચન પાઠવેલ.

આ અવસરે જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રના શ્રી સંઘોના અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા, ત્યારે લાઇવના માધ્યમે પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, જીવનમાં ત્યાગ જેના હોઠ પર નહીં પણ હૃદયમાં ધબકતો હોય તે જ સંયમી બની શકે. આપણે આપણા જીવનમાં બીજો કોઈ સંયમ ન લાવી શકીએ તો શબ્દનો સંયમ કેળવવાનો! કેમ કે, બીજાના ક્યારેક બોલાયેલા શબ્દોની મેમરી જ ચેહરા પર ભાર સર્જે અને ચેહરાને સદાય હસતો રાખવો એ જ તો સંયમ છે!

ત્યાર બાદ મુમુક્ષુની સંયમ ઝંખનાની ભાવ અભિવ્યક્તિ બાદ શ્રી સંઘના પ્રતિનિધિઓ    હરેશભાઇ વોરા,   ચંદ્રકાન્તભાઈ શેઠ આદિ દ્વારા સંયમ શુભેચ્છા એવમ મુમુક્ષુ અને તેમના માતા-પિતાનું સન્માન કરવામાં આવેલ.

વિશેષમાં, 24વિં થી 28વિં એપ્રિલ, 2024ના, સ્થાનકવાસી જૈન ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ  નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય   સૌમ્યાજી મહાસતીજીની એકસાથે 1008 આયંબિલ મહાતપ આરાધનાની પૂર્ણાહુતિએ મુંબઈના આંગણે આયોજિત કરવામાં આવેલ મહાતપોત્સવ એવમ મુમુક્ષુ   યશ્વીદીદી નંદુના દીક્ષા મહોત્સવમાં સર્વને લાભ લેવા આમંત્રણ આપવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.