Abtak Media Google News

વારંવાર રજૂઆત છતાં કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓએ રાજય વ્યાપી હડતાલનું અલ્ટીમેટમ આપ્યું

એસ.ટી. કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઈ આગામી તા.૫ ફેબ્રુઆરીથી કર્મચારી યુનિયનોની સંકલન સમીતી દ્વારા પુન: આંદોલન શરૂ કરવાનું નકકી કરાયું છે. ઘણા લાંબા સમયથી કરવામાં આવતી વારંવારની રજૂઆત છતાંય કર્મચારીઓના પ્રશ્નો સુખદ નિરાકરણ હજુ સુધી ન આવતા કર્મચારીઓ રાજય વ્યાપી હડતાલનું આખરી અલ્ટીમેટમ આપી દીધું છે.

૭માં પગારપંચનો તાત્કાલીક અમલ કરવો, ફિકસ પગાર કર્મચારીઓને ધારા-ધોરણ મુજબ તમામ નાણાકીય લાભો તેમજ સવલતો આપતી વર્ષ ૨૦૧૧ પહેલા ૧૦૦૦ જેટલા આશ્રીતોને નોકરી આપવાની મુખ્ય માંગને લઈ આગામી ૫મી ફેબ્રુઆરીના રોજ સમગ્ર રાજયભરના જિલ્લાઓમાં એસ.ટી. યુનિયનના કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવશે.

વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓની અકારણ આંતર વિભાગીય બદલીઓ કરી દેવામાં આવી છે તે રદ્દ કરી કર્મચારીઓનો મુળ જગ્યાએ પરત લાવવા માંગ કરવામાં આવી છે. ખાનગી વાહન ભાડે લેવાની નીતિ રદ્દ કરવી, બદલી અંગેના પરિપત્રો રદ્દ કરવાની માંગણી પણ પડતર છે.

નિગમ બચાવોના નારા સાથે કર્મચારીઓ આગામી ૫મી ફેબ્રુઆરીના ઉગ્ર આંદોલન બનાવવાની ચિમકી ઉચ્ચારી છે. નોંધપાત્ર છે કે અગાઉના આંદોલનો, રાજય વ્યાપી હડતાલ સમયે તાત્કાલીક ધોરણે પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાહેધરી આપી હતી. તેમ છતાં આજ દિન સુધી તેનો અમલ થયો નથી જેને લઈ કર્મચારીઓ હવે લડી લેવાના મુડમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.