Abtak Media Google News

નર્મદા જિલ્લાના હેડ ક્વાર્ટર રાજપીપળા નજીકની કેવડિયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ નિહાળવા રાજકોટ સહિત રાજ્યભરમાંથી પ્રવાસીઓ ઊમટી રહ્યા છે. સૌરાષ્ટ્રભરમાંથી મુસાફરોના ધસારાને ધ્યાને લઈને હવે રાજકોટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી દર શનિ-રવિમાં એસ.ટી. બસ દોડાવવાનું આયોજન કરાયું છે.

એસ.ટી નિગમ તરફથી તાજેતરમાં જ રાજકોટ ડિવિઝનને નવા 7 વાહન ફાળવવામાં આવ્યા છે. જે પૈકી એ.સી સ્લીપર કોચ રાજકોટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી રૂટ પર દોડાવાશે. આ રૂટની આગામી એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત બાદ બસ સેવા શરૂ કરી દેવાશે. મોટેભાગે આ રૂટની બસ રાત્રે રાજકોટથી ઉપડશે અને વહેલી સવારે સીધી જ કેવડિયા પહોંચશે તેવું વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું છે.

વધુને વધુ સહેલાણીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે જઈ શકે તે માટે રાજકોટ એસ.ટી ડિવિઝન દ્વારા નવી બસ સેવા શરૂ કરવાનું આયોજન કરાયું છે. હાલમાં પણ કેવડિયા કોલોની સુધી જતી એસ.ટી. બસ સેવા ઉપલબ્ધ છે, પરંતુ શનિ-રવિમાં વધુને વધુ સહેલાણીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે જઈ શકે તે માટે આ સેવા શરૂ થઇ રહી છે. રાજકોટને ફાળવેલી નવી 7 બસ પૈકી એ.સી સ્લીપર કોચ રાજકોટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને બાકીની બસ રાજકોટથી ભુજ રૂટ પર દોડાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.