Abtak Media Google News

વાવડી અને કોઠારીયામાં પાણી તથા રોડ-રસ્તાની સુવિધા માટે રૂ.૧૮.૭૫ કરોડના ખર્ચને બહાલી: ભંગારના વેચાણથી કોર્પોરેશનને રૂ.૪૦ લાખની આવક

રાજકોટ મહાનગરપાલિકામાં આજે ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ ૨૩ દરખાસ્તોને મંજુરીની મહોર મારવામાં આવી હતી અને રૂ.૨૫.૭૯ કરોડના વિકાસ કામોને બહાલી અપાઈ હતી. મહાપાલિકામાં ભળેલા વાવડી અને કોઠારીયામાં અલગ-અલગ વિસ્તારોને પાણી અને રોડ-રસ્તાની સુવિધા આપવા માટે રૂ.૧૮.૭૫ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ દરખાસ્તોને મંજુર કરવામાં આવી છે.

રૂ.૨૫.૭૯ કરોડના વિકાસ કામો મંજુર કરાયા છે જયારે ઈ-ઓકશન મારફત અલગ-અલગ ભંગારના વેચાણથી મહાપાલિકાને રૂ.૪૦.૪૧ લાખની આવક થવા પામી છે. થોડા વર્ષો પહેલા મહાપાલિકાની હદમાં ભળેલા વોર્ડ નં.૧૨ના વાવડી વિસ્તારમાં ડ્રેનેજની મુખ્ય લાઈન તથા હાઉસ કનેકશન ચેમ્બર બનાવવા માટે રૂ.૧૪.૭૪ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. વાવડીમાં ૩ એમએલડી ક્ષમતાનો ઈએસઆર, જીએસઆર બનાવવા માટે રૂ.૪.૬૦ કરોડ અને વોર્ડ નં.૧૮માં કોઠારીયામાં બાયપાસ રીંગ રોડ પર આવેલા પાર્કમાં ટીપી સ્કીમ નં.૧૨ની બધી જ શેરીઓમાં રબ્બર રોલીંગથી મેટલીંગ કરવા માટે રૂ.૪૨.૪૨ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વોર્ડ નં.૪માં પારેવડી ચોક, આસ્થા વેનટીલા સહિતના વિસ્તારોમાં અમૃત યોજના અંતર્ગત ડ્રેનેજ લાઈન નાખવા માટે રૂ.૧.૪૩ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. મવડી મેઈન રોડ પર આણંદ બંગલા સર્કલથી મવડી ચોક સુધી ફલાવર બેઈડ ટાઈપ ડિવાઈડર બ્લોક ફીટ કરવા રૂ.૨૯ લાખ, વોર્ડ નં.૩માં પરસાણાનગર શેરી નં.૧૦માં વોકળાના કાંઠે તુટી ગયેલી દિવાલને રીપેર કરવા રૂ.૨૧ લાખ જયારે રોશની વિભાગની સ્ટ્રીટ લાઈટ રીપેરીંગની કામગીરી માટે લેડર વાહન ભાડા રાખવા માટે ત્રિ-વાર્ષિક રેઈડ કોન્ટ્રાકટ મંજુર કરાયો છે. વોર્ડ નં.૭માં ટાગોર રોડ પર એસ્ટ્રોન ચોકમાં શિવાજી ગાર્ડન ખાતે વોર્ડ નં.૭ની ઓફિસ બનાવવા માટે રૂ.૩૬.૧૮ લાખનો ખર્ચ મંજુર કરાયો છે.

મહાપાલિકાના વેસ્ટ ઝોન અંતર્ગત આવતા તમામ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટસ, હેડ વર્કસ, પમ્પીંગ સ્ટેશન પર રહેલા બિનઉપયોગી ઈલેકટ્રીકલ, મેકેનીકલ, મશીનરી, પાર્ટ એસેસરીઝનું ઈ-ઓકશન દ્વારા વેચાણ કરવામાં આવતા રૂ.૪૦.૪૧ લાખની આવક થવા પામી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.