Abtak Media Google News

જગત જનની, જોગમાયા, રાજ રાજેશ્ર્વરી, પરાશક્તિ મહામાયા માં નવદુર્ગાના નવલા નોરતાનો કાલથી શુભારંભ થશે. કાલે રવિવારના સંયોગે માં નવદુર્ગા ગજરાજ પર સવાર થઇ પધરામણી કરશે. માં શૈલીપુત્રીનું પ્રથમ નોરતું છે અને માં જગદંબાને આવકારવા, વધાવવા માઇ ભક્તો દ્વારા છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.  શક્તિની ભક્તિમાં લીન થવા માઇભક્તો દ્વારા શહેરમાં શેરી ગરબાના આયોજન કરવામાં આવે છે. જેમાં જગદંબા સ્વરૂપ બાળાઓ દ્વારા ગરબાનું ગાન કરી રમતી જોઇ ભાવિકો પણ ધન્ય થયાનો અનુભવ કરે સ્વાભાવિક છે.  ‘ગરબા’ની સાદી અને સરળ ભાષામાં છણાવટ કરતા લોકસાહિત્યકારો એવું પણ કહે છે.

નાની બાળાઓ માથે ગરબા લઇ ઘેર-ઘેર જઇ ગરબાનું ગાન કરી શક્તિની ભક્તિનો ભાવ પ્રગટ કરાશે

ગ-એટલે ગાવું, 2-એટલે રમવું અને બા-એટલે માં ગાતા-ગાતા, રમતા-રમતા માનો ગુણાનુવાદ કરવો તે ‘ગરબા’ એક એવો પણ મત છે કે, ગરબા, ગરબો અને ગરબીનો ત્રિવેણી સંગમ ખાસ કરીને નવરાત્રીમાં જોવા મળે છે. આમ આવતીકાલથી માં ભગવતી આદ્યશક્તિના નવલા નોરતાના નવ દિવસો દરમિયાન ઠેર-ઠેર શક્તિની ભક્તિના દર્શન થાય છે. વર્તમાન સમયમાં પણ હજુ ગામડાઓમાં નાની-નાની બાળાઓ માથે ગરબા લઇ ઘેર-ઘેર જઇ ગરબા ગાવા. ઉપરાંત સંધ્યા સમયે ઘેર માનું સ્થાપન કરી પાંચ ગરબા ગાઇ શક્તિની ભક્તિ કરવાની પરંપરાઓ હજુ જીવંત છે.

આમ નવ દિવસ સુધી ઠેર-ઠેર માનો ગુણાનુવાદ ગુંજતો રહે છે.  આદ્યશક્તિ માં આદી અનાદી અંબા અરજી ઉરમાં ધરજો, હે જગ જનની હે જગદંબા…આ સ્તુતી માઇભક્ત સમર્પણનો ભાવ પ્રગટ કરતો જણાય આમ નવરાત્રીમાં ભક્તિનો ભાવ જોઇ શકાય.  જો કે, વર્તમાન યુગમાં પ્રાચિન ગરબાની સાથે સાથે અર્વાચીન ગરબા-રાસ, સપાખરા, દુહા-છંદ, લોકગીતો તેમજ અમુક જગ્યાએ ફિલ્મી ગીતોનું પણ પ્રમાણ જોવા મળે છે. આમ અન્ય ગીતો વચ્ચે પણ ગરબાની પરંપરા જળવાય રહી છે તે પણ પ્રસંશનિય છે.  તો આવો આપણે સૌ સાથે મળીને આવતીકાલે માના આગમનના ભક્તિભાવ પૂર્વક વધામણા કરી અને નવ દિવસ સુધી શક્તિની ભક્તિમાં લીન થઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.