Abtak Media Google News

સુશાસન દિનની ઉજવણી નિમિત્તે રાજકોટના તરઘડીયા ખાતે કિશાન સંમેલન યોજાયું

રાજ્ય સરકાર દ્વારા તા.૨પ મી ડિસેમ્બરના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ઉજવાઈ રહેલ સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે તરઘડીયા ખાતે આયોજિત વિરાટ કૃષિ સંમેલનમાં રાજકોટ ક્લસ્ટરના ૯.૭૭ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૭૪૫ કરોડની સહાય ચૂકવણીનો પ્રારંભ કરાયો હતો.

રાજકોટ ખાતે સુશાસન દિવસની ઉજવણી પ્રંસગે રાજ્યના કૃષી મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે,  રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ તથા વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના ખેડુતોને ભારે નુકશાન વેઠવું પડ્યું છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેત્રૃત્વ હેઠળ રાજ્યની સંવેદનશિલ અને નિર્ણાયક સરકારે ત્વરીત નિર્ણય કરીને ખેડુતોને આર્થિક સહાય માટે રૂ. ૩,૭૯૫ કરોડની કૃષી સહાય પેકેજ જાહેર કરી સરકાર ખેડૂતોની સાથે  હોવાનું પ્રતીત કરાવ્યું છે.

મંત્રી ફળદુએ જણાવ્યું હતું કે,  રાજ્ય  સરકારે ખેડૂતોની પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડવા હજારો ચેકડેમ, વીજળી માટે હાઈડ્રો, નેપ્થા, વિન્ડ તેમજ સોલાર એનર્જી ના પ્રોજેક્ટ થકી મોટાપાયે વીજઉત્પાદન કરી વીજળીના ક્ષેત્રમાં  રાજ્યને સરપ્લસ બનાવ્યું છે, કિશાનોને ઓછા દરે વીજળી પુરી પાડી છે.

કૃષિમંત્રી  ફળદુએ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા  ખેડૂતોને પાક વીમા, ટેકાના ભાવે ખરીદી, બિયારણ તેમજ વીજળીમાં સબસીડી સહિતની વિવિધ યોજનાઓમાં કુલ રૂ. ૨૭૧૬૭ કરોડની સહાય આપવામાં આવી હોવાની માહિતી પુરી પાડી હતી.

મંત્રી ફળદુએ  સુશાસન દિન નિમિતે  ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધા સુમન અર્પણ કરી બાજપેયીજીના સદગુણો અને પ્રખર રાજનીતિજ્ઞ પ્રતિભાની યાદ તાજી કરી હતી. તેમના સ્વપ્નને સિદ્ધ કરવા સૌ કટિબધ્ધ બનીયે તેવો ભાવ વ્યક્ત કરીયો હતો.

પાણી પુરવઠા અને પશુ પાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આ પ્રંસગે ખેડૂતો આર્થિક રીતે વધુ સમૃદ્ધ થાય તે માટે ખેતી સાથે પશુ પાલન વ્યવસાય કરવા આહવાન કર્યું હતું. તથા પશુ પાલકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાય ,આરોગ્ય લક્ષી સેવાઓ તેમજ બીજદાન અંગે માહિતી પુરી પાડી હતી. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના તમામ ગામોમાં પીવાનું સુધ્ધ પાણી મળે તે માટે સૌની, વાસ્મો, ડિસેલિનેશન પ્લાન્ટ સહીત વિવિધ યોજનાઓ ઝડપભેર આગળ વધી રહેલ હોવાનું આ તકે મંત્રી બાવળિયાએ જણાવ્યું હતું.

Krushi Samelan Rajkot 11

મહાનુભાવોના હસ્તે ખેડૂતોને  પ્રતીકાત્મક મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતાં. રાજકોટના ક્લસ્ટરમાં રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિદ્વારકા, પોરબંદર, જુનાગઢ જિલ્લાઓના કુલ ૯,૭૭,૦૫૯ ખેડૂતોને રૂ. ૭૪૫ કરોડની સહાય ચુકવવામાં  આવશે. જે પૈકી રાજકોટ જિલ્લામાં કુલ ૨,૮૨,૩૪૧ ખેડુતોને  રૂ. ૧૮૩.૯૯ કરોડ, મોરબી જિલ્લામાં કુલ ૧,૫૨,૮૪૮ ખેડુતોને  રૂ. ૧૫૬.૬૧ કરોડ, જામનગર જિલ્લામાં કુલ ૧,૭૦,૪૫૫ ખેડુતોને  રૂ. ૧૬૫.૭૨ કરોડ, દેવભૂમિદ્વારકા જિલ્લામાં કુલ ૧,૦૬,૮૫૨ ખેડુતોને રૂ. ૪૬.૫૮ કરોડ, પોરબંદર જિલ્લામાં કુલ ૭૩,૦૬૯ ખેડુતોને  રૂ. ૪૦.૫૮ કરોડ, જુનાગઢ જિલ્લામાં કુલ ૧,૯૧,૪૯૪ ખેડુતોને  રૂ. ૧૫૧.૯૫ કરોડ,ની સહાય ચુકવવામાં આવશે.

કાર્યક્રમના પ્રારંભે સુશાસન દિન અન્વયે  રાજ્ય સરકારની કામગીરીને નિદર્શિત કરતી  ફિલ્મ તેમજ દેશના ગ્રોથ એન્જીન સમાન ગુજરાતની વિકાસની ગાથાની  ફિલ્મ અગ્રેસર ગુજરાત દર્શાવવામાં આવી હતી.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા અને   રમેશભાઈ ધડુક, ધારાસભ્યો સર્વ ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, જિલ્લા ભાજપ પ્રમુખ  ડી.કે સખિયા, અગ્રણીઓ ભાનુભાઇ મેતા, રાજુભાઈ ધ્રુવ, ચેતનભાઈ રામાણી, જિલ્લા વિકાસ અધિકારી અનિલભાઈ રાણાવસીયા, જૂનાગઢ તેમજ દેવભૂમિ દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારીઓ, કૃષિ નિયામક  એસ. કે. જોશી,  તેમજ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.