Abtak Media Google News

રાજકોટમાં ૮૦૬૮ પૈકી ૪૮૦૦ વિદ્યાર્થીઓને રાઈટ ટુ એજયુકેશન હેઠળ પ્રવેશ માટેના મેસેજ મળ્યા: મેસેજ નહીં આવેલા બાળકો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ રજુઆત કરવા પહોંચ્યા

રાજકોટમાં રાઈટ ટુ એજયુકેશન હેઠળ અરજી કરનાર ઘણાબધા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ નહીં અપાતા રોષે ભરાયેલા વાલીઓએ આજે બપોરે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓના વાલીઓએ એક તબકકે ડીઈઓ કચેરીમાં તોડફોડ કરી સરકાર વિરોધી સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

રાજકોટ સહિત રાજયભરમાં સરકારના રાઈટ ટુ એજયુકેશન કાયદા હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ઉચ્ચ અને ગુણવતાયુકત શિક્ષણ મળી રહે તે માટે ખાનગી શાળામાં પહેલા ધોરણથી મફત પ્રવેશ આપવાની યોજના છેલ્લા કેટલાક સમયથી અમલમાં છે. દર વર્ષે રાજયભરના ગરીબ અને પછાત વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં આરટીઈ હેઠળ પ્રવેશ પણ આપવામાં આવે છે.

Vlcsnap 2017 05 15 13H35M57S71રાજકોટમાં આજથી રાઈટ ટુ એજયુકેશન હેઠળ ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં ઉચ્ચ અને ગુણવતાયુકત શિક્ષણ મળી રહે તે માટે પ્રવેશ પક્રિયાનો પ્રારંભ થયો છે. શિક્ષણ વર્તુળમાંથી મળતી માહિતી મુજબ આ વર્ષે રાઈટ ટુ એજયુકેશન હેઠળ ૮ હજારથી વધુ બાળકોની અરજી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આવી હતી. જેમાંથી અત્યાર સુધીમાં ૪૮૦૦ બાળકોના આરટીઈ હેઠળ શહેરની ખાનગી શાળાઓમાં પ્રવેશ માટેના મેસેજ પણ આવી ચૂકયા છે.

પરંતુ હજુ અડધો અડધ વિદ્યાર્થીઓને રાઈટ ટુ એજયુકેશન હેઠળ પ્રવેશના ક્ધફોર્મેશન મેસેજ નહીં આવતા રોષે ભરાયેલા વાલીઓ આજે બપોરે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ રજુઆત કરવા પહોંચ્યા હતા. પોતાના બાળકને આરટીઈ હેઠળ પ્રવેશ અંગેના મેસેજ કેમ નથી આવ્યા તેવી માંગણી કરી ઉગ્ર વિરોધ સાથે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં તોડફોડ પણ કરી હતી. ડીઈઓના બોર્ડ પણ વાલીઓએ ઉતારી લેતા એક તબકકે ગરમા ગરમીનો માહોલ સર્જાયો હતો.

પોતાની માંગણીઓ મુદ્દે રજુઆત કરવા આવેલા વાલીઓને ધકકો થયો હોય તેમ ડીઈઓ કચેરીમાં તેમની રજુઆત સ્વિકારનારુ કોઈ ન હોવાથી વાલીઓમાં ઉગ્ર રોષ ફેલાયો હતો. તેઓએ જિલ્લા શિક્ષણાધિકારી કેમ્પસમાં તોડફોડ કરી સરકાર વિરોધી સુત્રોચ્ચાર પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કાયમી જિલ્લા શિક્ષણાધિકારી ન હોય રાજકોટનું શિક્ષણ ખાડે ગયું હોવાની સ્થિતિ નિર્માણ પામી છે.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે હાલ સુરેન્દ્રનગરના ડીઈઓ આર.સી.પટેલ, ઈન્ચાર્જ ડીઈઓ તરીકેની ફરજ નિભાવી રહ્યા છે પરંતુ સુરેન્દ્રનગર અને રાજકોટ એમ બંને જિલ્લાઓનો ડીઈઓનો ચાર્જ તેમની પાસે હોવાથી તેઓ નિયમિત રાજકોટની કચેરીમાં આવી શકતા ન હોય ઘણા બધા વહિવટી અને શૈક્ષણિક મહત્વની કામગીરી અઘ્ધરતાલ થઈ છે. આજે આરટીઈ હેઠળ પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓના વાલીઓ ડીઈઓ કચેરીએ રજુઆત કરવા આવ્યા હતા ત્યારે પણ જિલ્લા શિક્ષણાધિકારીની ગેરહાજરીથી રોષે ભરાયેલા વાલીઓએ હંગામો મચાવી તોડફોડ કરી હતી.

રાઈટ ટુ એજયુકેશન હેઠળ રાજકોટમાં કુલ ૮૦૬૮ વિદ્યાર્થીઓની અરજીઓ નોંધાઈ છે જેમાંથી અત્યાર સુધી રાજકોટની ૪૧૦ શાળાઓમાં કુલ ૪૮૦૦ વિદ્યાર્થીઓને રાઈટ ટુ એજયુકેશન સમાવવા માટેના મેસેજ આવી ચુકયા છે. જયારે બાકીના પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે ઉગ્ર રજુઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.