Abtak Media Google News

રાજયભરના ૧.૪૮ લાખ વિદ્યાર્થીઓની મહેનતનું કાલે જાહેર થશે પરિણામ: શિક્ષણ બોર્ડે સત્તાવાર જાહેરાત કરી: વિદ્યાર્થીઓ સવારે ૧૦ કલાકથી શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર રિઝલ્ટ જોઈ શકશે

ધો.૧૨ સાયન્સનું પરીણામ અને ગુજકેટના પરીણામને એક સાથે જાહેર કરવાની અટકળોનો અંત આવી ગયો છે. શિક્ષણ બોર્ડે આજે સતાવાર ધો.૧૨ સાયન્સના પરીણામની આવતીકાલે જાહેર થવાની જાહેરાત કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓની આતુરતાનો અંત આવ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો.૧૨ સાયન્સની પરીક્ષાનું આવતીકાલે સવારે સતાવાર પરીણામ જાહેર કરવામાં આવશે. રાજકોટ સહિત રાજયભરમાંથી અંદાજીત ૧.૪૮ લાખ વિદ્યાર્થીઓનું પરીણામ જાહેર થશે. શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ ધો.૧૨ સાયન્સનું પરીણામ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવાનું નકકી કરાયું હતું. ત્યારબાદ ગુજકેટની પરીક્ષા લેવાય ગયા બાદ બંનેના પરીણામ આગામી ૧૭મી મેના રોજ એક સાથે જાહેર કરવાનું નકકી કરાયું હતું.

પરંતુ ધો.૧૨ સાયન્સ અને ગુજકેટના પરીણામને ૧૭મેના બદલે હવે આવતીકાલે જાહેર કરાશે. આજે રાજયભરમાં ગુજકેટની પરીક્ષા પણ શાંતિપૂર્ણ માહોલમાં લેવાઈ હતી. જેનું પરીણામ એક સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. શિક્ષણ બોર્ડે બંને પરીક્ષાઓના પરીણામ એક સાથે જાહેર કરવાની અટકળો ઉપર પૂર્ણવિરામ મુકી દેતા આજે સતાવાર ધો.૧૨ સાયન્સનું પરીણામ કાલે સવારે ૧૦ કલાકે બહાર પાડવાની જાહેરાત કરી છે.

માર્ચ-૨૦૧૭માં રાજકોટ સહિત રાજયભરમાંથી ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહના ચોથા સેમેસ્ટરના અંદાજીત ૧.૪૮ લાખ છાત્રોએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓ જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ચૂકયો છે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www. gseb.org  પર આવતીકાલે સવારે ૧૦ કલાકે વિદ્યાર્થીઓ અને વાલીઓ ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહનું પરીણામ જોઈ શકશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરીણામ એક સાથે જાહેર થવાનું હતું પરંતુ રાજયભરમાં આજે ગુજકેટની પરીક્ષા લેવાઈ ગયા બાદ પરીણામ માટે એક સપ્તાહનો સમય અનિવાર્ય હોય છે ત્યારે શિક્ષણ બોર્ડે ધો.૧૨ સાયન્સનું પરીણામ આખરે આવતીકાલે સવારે જાહેર કરવામાં આવશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લાખો વિદ્યાર્થીઓએ ધો.૧૦, ધો.૧૨ સાયન્સ અને કોમર્સની પરીક્ષા આપી હતી. જેમાંથી સૌથી પહેલા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરીણામ આવતીકાલે જાહેર થશે. ત્યારબાદ ધો.૧૦નું પરીણામ મે માસના અંતમાં તેમજ ધો.૧૨ કોમર્સનું પરીણામ પણ ધો.૧૦ની સાથે જ જાહેર કરવામાં આવે તેવી સંભાવનાઓ પ્રવર્તી રહી છે.

બોર્ડની પરીક્ષા બાદ વેકેશન માણી રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આવતીકાલે સવારથી જ વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર પોતાના પરીણામ જોઈ શકશે. વર્ષ દરમિયાન કરેલી મહેનતનું મૂલ્યાંકન બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ કર્યું હતું. જેનું રીઝલ્ટ આવતીકાલે જાહેર થશે. ગયા વર્ષેની સરખામણીમાં ધો.૧૨ સાયન્સમાં કેટલા વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ અને એ-ટુ ગ્રેડ પ્રાપ્ત થશે તે જોવું રહ્યું. ધો.૧૨ સાયન્સના આવતીકાલે જાહેર થનારા પરીણામને લઈને રાજયભરના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉતેજનાનો માહોલ છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.