Abtak Media Google News

સમયસર ચેકઅપ ન કરાવતા, મિત્રો-સગાસંબંધીઓના ઘરે માસ્ક ન પહેરનારા લોકો સુપર સ્પ્રેડર સરકારની ગાઇડલાઇન, પોલીસ નિયંત્રણ છતા સંક્રમણ અટકતુ ન હોય જેથી મનોવિજ્ઞાન ભવન દ્વારા સર્વે હાથ ધરાયો

કોરોના મહામારી વિસ્તરતી જ જાય છે. સરકાર દ્વારા લાદવામા આવતી ગાઈડલાઈન, પોલીસ તંત્રના નિયંત્રણો, બંધ સ્કૂલો, નાની દુકાનથી માંડી મોટા મોટા ઉદ્યોગો બંધ  છતા આ બિમારી અટકવાનું નામ લેતી નથી તેની પાછળનુ કારણ શુ?  જેવા પ્રશ્નોને અનુલક્ષીને મનોવિજ્ઞાન ભવન દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમા ચોકાવનારા કારણો સામે આવ્યા છે.

કોરોના મહામારીએ ભરડો લીધો છે ત્યારે સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે.કોવિડ -19 રોગચાળો પહેલાથી વધુ પ્રમાણમાં ચેપગ્રસ્ત લોકો અને વિશ્વમાં ફેલાતો રહ્યો હોવાથી, આપણા ચેપી રોગના નિષ્ણાતોની કેટલીક સલાહ છે કે “ઘરે રહો, સુરક્ષિત રહો.” પરંતુ  આપણી અમુક પરંપરાગત માન્યતાઓ, ધાર્મિક મેળાવળાઓ, સારા નરસા પ્રસંગમાં ભેગા થવુ, કાઈ કામ ન હોય તો પાનના ગલે ફાકી-પાન-માવા ખાવા ભેગા થવુ અને મિત્રો સાથે ગપાટા મારવા જેવી આપણી માનસિકતાના કારણો કોરોનાને સ્પ્રેડ થવા માટે  અનુકૂળ વાતાવરણ પુરૂ પાડી રહ્યા છે.

સુપર સ્પ્રેડરો ગામડા અને શહેરમાં બેફામ કોરોના ફેલાવી રહ્યાં છે: ડો. ચાવડા, ડો.રામાણી

કોરોના સુપર સ્પ્રેડરો :- 

  • અગત્યના કામનુ બહાનુ કરીને બહાર ફરતી તમામ વ્યક્તિઓ
  • કોરોનાનો અંત આવે તે માટે ધાર્મિક મેળાવડા
  • દેહાંત વિધિઓમા મોટા પ્રમાણમાં એકત્ર થવુ.
  • પોતે કોરોના ગ્રસ્ત છે છતા અન્ય લોકોને મળવુ.
  • ગાઇડલાઇન મુજબ નિયમોનુ પાલન ન કરનારા તમામ લોકો
  • લગ્ન પ્રસંગ અથવા પાર્ટીઓમાં એકત્ર થનાર લોકો

કોરોના સુપર સ્પ્રેડર એટલે શું?

જ્યારે કોઈ કોરોના ગ્રસ્ત વ્યક્તિ કે જુથ અસામાન્ય રીતે મોટી સંખ્યામાં અન્ય લોકોને સંક્રમિત કરે છે ત્યારે તે એક વ્યક્તિ કે જુથ કોરોના સુપર સ્પ્રેડર છે તેવુ કહી શકાય. સાથે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ વધુ લોકોના સંપર્કમાં જે વ્યક્તિ આવે છે તે પણ સુપર સ્પ્રેડર થઈ શકે આ સર્વેમા એવુ પણ બહાર આવ્યું છે કે જે લોકો બિનજરૂરી રીતે આટા ફેરા મારે છે, પોતાને કોરોનાના લક્ષણો છે તેને જાણ હોવા છતા અન્ય લોકો સાથે સંપર્ક બનાવી રાખે છે, સમયસર સારવાર કે ચેકઅપ ન કરાવીને ઘરના અન્ય સભ્યોને બિમાર કરે છે, મિત્રો કે સગાસબંધીઓના ઘરે માસ્ક ન પહેરનારા લોકો કોરોના સુપર સ્પ્રેડરો છે.

અંધશ્રધ્ધા પણ ઘણે અંશે જવાબદાર

45 સલાહકાર વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ડો.ધારા દોશી,  ડો.ડિમ્પલ રામાણી,  ડો.હસમુખ ચાવડાના ધ્યાનમા આવેલ કોરોના સુપર સ્પ્રેડરોના કિસ્સાઓમાં યુવાન મિત્રોનું એક જુથ ફોટો શુટ કરતું હતુ. તેમને પુછવામા આવ્યું કે આવી મહામારી જુથમા એકત્ર થઈ ફોટો શુટ કરવું જરૂરી છે. તેમને જવાબ આપ્યો કે સાહેબ ક્યાંય કોરોના છે જ નહી અને હશે તો અમે કાલ સવારે મરી જવાના છીએ તો આજે મોજથી જીવી લઈએ. સાણંદમાં બનેલ પાણી ચડાવવાની ઘટના જેમા બહેનો માથે બેડા લઈ એક મોટા જુથમા એકત્ર થઈ હતી. એટલે કે અંધશ્રદ્ધા પણ ઘણે અંશે જવાબદાર છે. એક શાકભાજી વેચતા ભાઇને કોરોનાના લક્ષણો જણાતા હતા તેમને કહેવામા આવ્યુ કે ભાઈ તમે ચેકઅપ કરાવો તો તેમને કહ્યુ કે ભાઇ મારે પાંચ સંતાનો છે અને કમાવવા વાળો હુ એક છુ, જો હુ ચેકઅપ કરાવીને દવાખાને જઈશ તો મારા સંતાનો ભૂખ્યા મરશે. અનેક ગામડામા કોરોનાને હરાવવા કરવામા આવતા પુજાપાઠો, ભજનમંડળીઓ શેરીના ખુણે બધા બહુ ભેગા થાય છે તેવી ઘટનાઓ પણ સામે આવી છે. કોઈના ઘર થકી કે ત્યાં રહેતા લોકો દ્વારા કહેવામાં આવે તો મારપીટ પર ઉતરી જાય છે. કેમ આવા લોકોને સમજાવવા?

કેટલાક લોકો વાયરસને ખૂબ જ સરળતાથી વહન અને પ્રસારિત કરે છે.જો કે, કોરોના ખૂબ વકર્યો હોવાથી હાલમાં રસ્તા પર રખડતા સુપર સ્પ્રેડરોને નિયંત્રિત કરવામાં આપણે સમર્થ નથી, તેમ છતાં, કેટલીક બાબતોની કાળજી દ્વારા તેમની અસર મર્યાદિત કરી શકાય છે જેમ કે ફિજિકલ  ડિસ્ટન્સ જાળવવું, બહાર નિકળતા સમયે માસ્કનો અચુક ઉપયોગ કરવો, સેનીટાઈજર હંમેશા સાથે રાખી તેનો ઉપયોગ કરવો, બિનજરૂરી રીતે બહાર ન ફરવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.