Abtak Media Google News

સૌરાષ્ટ્રના ચાર સહિત રાજયના સાત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર: હજી ગરમીનું જોર વધશે

સૌરાષ્ટ્ર સૂર્યનારાયણનો પ્રકોપ યથાવત રહેવા પામ્યો છે. આકાશમાંથી જાણે અગન વર્ષા થઇ રહી હોય તેમ છેલ્લા દશેક દિવસથી અંગ દઝાડતી ગરમી પડી રહી છે. હજી ગરમીનું જોર વધશે ગઇકાલે સૌરાષ્ટ્રના ચાર સહિત રાજયના સાત શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઇ ગયો છે. અમરેલી અને કેશોદ 41 ડિગ્રી સાથે કાળઝાળ ગરમીમાં શેકાયા હતા. સવારના સમયે થોડી ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતો હોવાના કારણે બફારાનો અહેસાસ થઇ રહ્યો છે. આગામી બે દિવસમાં રાજયના અનેક શહેરોમાં પારો 4ર થી 43 ડિગ્રીએ પહોંચી જાય તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

હિટવેવના પ્રકોપ વચ્ચે રાજયમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે ચાલુ વર્ષ માવઠાની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં હિટવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અમરેલી અને કેશોદ 41 ડિગ્રી સાથે રાજયના સૌથી ગરમી શહેર રહ્યા હતા. કંડલા એરપોર્ટ પર પણ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત ભાવનગરનું તાપમાન 38.8 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 39 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 40.3 ડિગ્રી, મહુવાનું તાપમાન 38.8 ડિગ્રી, વેરાવળનું તાપમાન 38.1 ડિગ્રી, ઓખાનું તાપમાન 33 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 40.7 ડિગ્રી, ડિસાનું તાપમાન 38.6 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 39.8 ડિગ્રી, વડોદરાનું તાપમાન 40 ડિગ્રી, સુરતમાં 38 ડિગ્રી, વલસાડનું તાપમાન 36.5 ડિગ્રી, ભુજનું તાપમાન 39 ડિગ્રી, નલીયાનું તાપમાન 34.6 ડિગ્રી, અને કંડલા પોર્ટનું તાપમાન 39.2 ડિગ્રી નોંધાયું હતું.

બપોરના સમયે આકાશમાંથી રીતસર અગ્ની વર્ષા થઇ રહી હોય તેવો અનુભવ થતો હોય છે. આવામાં રાજ માર્ગો પર સ્વયંભુ સંચાર બંધી જેવો માહોલ સર્જાય જાય છે.એપ્રીલ માસમાં સુર્યનારાયણ આક્રમક બની ગયા છે. આ વર્ષ ઉનાળો અકારો રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે ત્યારે મે માસમાં તાપમાનનો પારો રેકોર્ડ તોડે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. હિટવેવના પ્રકોપ વચ્ચે લોકોને સન સ્ટ્રેકથી બચવા માટે માર્ગદર્શીક પણ જાહેર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.