Abtak Media Google News

સુરત સમાચાર

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી રૂપાલી ઈન્ડસ્ટ્રીના એક કારખાનામાં 15 વર્ષીય કિશોરનું મોત થયું હતું. લિફ્ટ અને સ્લેબ વચ્ચે ગળું ફસાઈ જવાના લીધે કિશોરનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. કિશોરને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલાં જ તેણે દમ તોડ્યો હતો. પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમની દિશામાં તપાસની સાથે પરિવારને જાણ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાના CCTV હાલ સામે આવ્યા છે.

ઉધના રૂપાલી ઇન્ડસ્ટ્રીના એક સંચાખામાં વિચિત્ર અકસ્માતમાં 15 વર્ષના બાળ કારીગર મંગલ સુખ બદન સિંગનું મોત નીપજ્યું હતું. મધ્યપ્રદેશથી સુરત ફરવા આવેલો કિશોર મિત્રો સાથે સંચા ખાતામાં કામ કરી થોડા રૂપિયા કમાઈ લેતો હતો. દરમિયાન લિફ્ટની જાળીમાં ગળું ફસાઈ જતા તેનું મોત થયું છે. મૃતક કિશોર માતા-પિતાનો એક નો એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકના મિત્ર મનોજે કહ્યું કે,મંગલ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે. 15 દિવસ પહેલા જ મંગલ તેના કાકા સાથે સુરત ફરવા આવ્યો હતો. ત્યારબાદ કાકા વતન જતા રહ્યા હતા. પરંતુ મંગલ વતનના મિત્રો સાથે રોકાઈ ગયો હતો. તેઓ એક રૂમમાં 5 જણા રહેતા હતા. મિત્રો સંચા ખાતામાં પાણી ભરવાનું કામ કરતા હોવાથી દિવસ દરમિયાન મંગલ પણ મજૂરી કરી થોડા રૂપિયા કમાઈ લેતો હતો.ઘટના આજે સવારે બની હતી. મંગલ કામ પર હતો. ત્યારે લિફ્ટમાં બેસીને બીજા માળે જતો હતો. ત્યારે લિફ્ટની જાળીમાં તેનું ગળું ફસાઈ ગયું હતું. જેથી મંગલે બુમાબુમ કરી દીધી હતી. સાથી મિત્રો મદદે પહોંચે તે પહેલાં મંગલ ગૂંગળાઈને બેભાન થઈ ગયો હતો. લિફ્ટની જાળીમાંથી બહાર કાઢી મિત્રો સારવાર માટે 108 માં સિવિલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મંગલને મૃત જાહેર કર્યો હતો.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.