Abtak Media Google News

વધતા જતા મોત અને પોઝિટિવ કેસની પરિસ્થિતિનો તાગ મેળવવા આરોગ્ય અગ્રસચિવ રાજકોટની મુલાકાતે: દર્દીઓની સારવાર માટે સરકાર હંમેશા ચિંતિત: ૧૦૦ વેન્ટીલેટરોની કોવિડ હોસ્પિટલોને ફાળવણી: ખાનગી હોસ્પિટલ ગાઈડલાઈનથી વધુ ફી વસુલ કરશે તો કડક કાર્યવાહી થશે

રાજકોટમાં કોરોના સંક્રમણની સંખ્યાની સાથે સાથે કોરોનામાં મોતના આંકડાઓ વધી રહ્યા છે. દરરોજના ૧૦ થી વધુ મોત નોંધાતા પરિસ્થિતિ બેકાબુ બની હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ બાદ રાજકોટનો ડેથસ્પોટ બની રહ્યું હોય તેમ લાગતા રાજયના આરોગ્ય અગ્રસચિવ ડો.જયંતી રવિ રાજકોટની મુલાકાતે આવ્યા છે. આજરોજ પત્રકાર પરીષદમાં તેમને સુરતની પરિસ્થિતિ પર કાબુ મેળવ્યા બાદ રાજકોટમાં પણ તેનું મોડેલ અપનાવી કોરોનાની સ્થિતિને કાબુમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવશે અને રાજકોટની કોવિડ હોસ્પિટલોને ૧૦૦ જેટલા વેન્ટીલેટરો પણ ફાળવવામાં આવ્યા છે સાથે કોરોના પોઝીટીવ દર્દીઓને લુંટતા ખાનગી હોસ્પિટલોને પણ ગાઈડલાઈન મુજબ ફી લેવાનું જણાવ્યું છે.

રાજકોટમાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ ભયજનક સ્થિતિએ પહોંચી રહ્યું છે. એક સમયે અમદાવાદ અને સુરતમાં કોરોના મોતનું તાંડવ કરી રહ્યો હતો તેજ રીતે રાજકોટમાં પણ કોરોના બિહામણુ સ્વરૂપ ધારણ કરતા મોતની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં અને અમદાવાદમાં ભયજનક કોરોના પર કાબુ મેળવ્યા બાદ તેનું મોડેલ અપનાવી રાજકોટની સ્થિતિ પર કાબુ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવશે તેવું પત્રકાર પરીષદમાં રાજયનાં અગ્રસચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું.

વધુમાં જણાવતા આરોગ્ય સચિવે કહ્યું હતું કે, ગાંધીનગર અગ્રસચિવની ટીમ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોર ટીમ પણ રાજકોટની સિવિલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલો જે કોરોનાના દર્દીઓને સારવાર આપી રહી છે ત્યાં એકાદ અઠવાડિયુ રોકાઈને તમામ પરિસ્થિતિનો તાગ મેળવશે. એટલું જ નહીં વધતા જતા મૃત્યુ અને પોઝીટીવ કેસની રીકવરી સુધી પહોંચાડવા માટે પણ કેવા પગલા લેવા જોઈએ તેના વિશે સ્થાનિક તબીબો અને કોરોનાની સારવારમાં જોડાયેલા તમામ સ્ટાફને માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે. ગઈકાલ રાતથી જ કોર કમિટીની ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી છે અને આજરોજ સવારથી સિવિલ હોસ્પિટલનાં તબીબો સાથે સંકલન કરી પોતાની કાર્યવિધિ શરૂ કરી છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ગંભીર પરિસ્થિતિ જણાય ત્યારે તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવે છે. રાજકોટમાં પણ છેલ્લા એક માસથી કોરોના વિસ્ફોટ થયો હોય તેમ પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. સાથોસાથ આ દર્દીઓને સારવાર માટે અને ગંભીર પરિસ્થિતિમાં લડવા માટે અગ્રસચિવે સિવિલ અને ખાનગી કોવિડ હોસ્પિટલોને ૧૦૦ જેટલા વેન્ટીલેટર ફાળવવાની જાહેરાત કરી છે સાથે તમામ હોસ્પિટલોમાં બેડની કેપેસીટી પણ વધારવામાં આવશે તેવું ઉમેર્યું હતું. અત્યાર સુધી ૧૮૦ બેડની જે કેપેસીટી હતી તેમાં ૧૪૦ બેડની કેપેસીટી વધારી છે અને સમરસ હોસ્ટેલ ખાતે પણ ૧૨૦ ઓકિસજન સાથેના જે બેડ હતા તેની કેપેસીટી ડબલ કરીને ૨૪૦ સુધી કરવાનું જણાવ્યું હતું.

તાજેતરમાં જ રાજકોટની ખાનગી હોસ્પિટલો કોવિડના દર્દીઓને લુંટવાનો કિસ્સો સામે આવતા લોકોમાં રોષ ફેલાયો હતો જે અંગે અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ખાનગી કોવિડ હોસ્પિટલોમાં રાજય સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ ફિ વસુલ કરવામાં આવશે અને જો કોઈપણ ખાનગી હોસ્પિટલો ગાઈડલાઈનથી વધુ ફી દર્દીઓ પાસે ઉઘરાવશે તો તેના વિરુઘ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ લોકોને જો ખાનગી હોસ્પિટલ વધુ ચાર્જ વસુલ કરતા હોય તેવું લાગે તો ઈ-મેઈલ અને હેલ્પલાઈન નંબર દ્વારા તંત્રને જાણ કરી શકે છે. કોરોના માટે ૧૦૪ હેલ્પલાઈન નંબર પ્રકાશિત કરવામાં આવ્યો છે પરંતુ તેની કાર્યવાહી ખુબ ઢીલી હોવાની અનેક ફરિયાદો તંત્રને મળતા ૧૦૪ હેલ્પલાઈનના સ્ટાફને સુચનો આપવામાં આવ્યા છે કે કોઈપણ વ્યકિતના કોલ બાદ જરૂર પડે તો એક જ કલાકની અંદર જે-તે સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવાની રહેશે.

રાજય સરકારના પાંચ સિનિયર તબીબ સહિતની કોર ટીમ રાજકોટમાં

રાજકોટમાં બેકાબુ બનતી જતી કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે રાજય આરોગ્ય સચિવ ડો.જયંતી રવિ અને રાજય સરકારના પાંચ સિનિયર તબીબો સહિતની ટીમ પાંચ દિવસ સુધી રાજકોટમાં રહેશે. ગઈકાલે સાંજે અમદાવાદ સિવિલ હોસ્પિટલના અને રાજય સરકારના ૫ સિનિયર તબીબો રાજકોટ ખાતે આવી ચુકયા છે. જેઓએ આજ સવારથી જ ચાર્જ સંભાળી રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતેની પરિસ્થિતિઓનો તાગ મેળવવાનું શરૂ કર્યું છે. અમદાવાદ અને સુરતમાં એક સમયે ભયાનક પરિસ્થિતિ સર્જાય હતી જેમાં કોરોનાના દર્દીઓના ટપોટપ મોત નિપજવા લાગ્યા હતા પરંતુ હાલ બંને મહાનગરોની પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો છે તેનું જ મોડેલ અપનાવીને રાજકોટની પરિસ્થિતિ પર કાર્યવાહી કરવામાં આવશે. રાજય સરકારના પાંચ સિનિયર તબીબો અને અગ્રસચિવ કોરોનાની બિહામણી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પાંચ દિવસ સુધી રાજકોટમાં રોકાણ કરીને અમદાવાદ અને સુરતના મોડેલ પ્રમાણે કોરોનાની સારવાર સાથે જોડાયેલા તબીબો અને સ્ટાફને ગાઈડલાઈન પુરી પાડશે. સાથો સાથ રાજકોટની કોવિડ હોસ્પિટલોને અદ્યતન ટેકનોલોજીવાળા સાધનો પણ ફાળવવામાં આવશે.

રાજકોટમાં વધુ ૪૪ કોરોના સંક્રમિત: ૧૧નાં મોત

રાજકોટની પરિસ્થિતિ બેકાબુ બનતા રાજય આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિ અને રાજય સરકારના સિનિયર તબીબોની ટીમ રાજકોટ આવી પહોંચી છે. રાજકોટમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમિતના કેસો અને મોતની સંખ્યા સતત વધતી રહે છે. ગઈકાલે રાજકોટ શહેરી વિસ્તારમાં ૮૩ પોઝીટીવ કેસ નોંધાયા હતા જયારે આજ બપોર સુધી વધુ ૪૪ લોકો કોરોના પોઝીટીવ નોંધાયા છે. જયારે ૨૦ કોરોનાગ્રસ્ત દર્દીઓએ વાયરસને મ્હાત આપી ઘરવાપસી કરી છે. ગઈકાલે તંત્ર દ્વારા વધુ ૧૪૧૧ કોરોના સેમ્પલીંગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ૫.૮૮ ટકા પોઝીટીવ રેશીયો નોંધાયો છે. આજરોજ વધુ ૪૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા શહેરી વિસ્તારના કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૩૧૮૩ ઉપર પહોંચી છે જયારે ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ૩૬ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાતા કુલ આંક ૧૫૨૭ ઉપર પહોંચ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.