Abtak Media Google News

સરકારી શાળાની શિક્ષણ સહાયક ભરતી શરૂ કરવા તેમજ અનુદાનિત શાળાની શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત કરવા ઉમેદવારોએ માંગ ઉઠાવી છે. સરકાર આ દિશામાં પગલું નહીં ભરે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

Advertisement

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા શિક્ષણ સહાયકની ભરતી જાહેરાત કરવામાં આવી હતી. રાજય સરકારની આ જાહેરાતથી છેવાડાના દરેક ગરીબ, પછાત, આદિવાસી અને દલિત વર્ગના બાળકો જેઓ લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઈવેટ શિક્ષણ મેળવવા અસમર્થ છે તેવા વિદ્યાર્થીઓને સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં કવોલિફાઈડ તેમજ સક્ષમ શિક્ષકો પાસે ભણવાનો મોકો પણ પ્રાપ્ત થઈ શકે.

આ જાહેરાતના કારણે રાજયનાં વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા હજારો કવોલિફાઈડ પરંતુ બેરોજગાર ભાવિ શિક્ષકોમાં આનંદ વ્યાપી ગયો હતો. પરંતુ ઉપમુખ્યમંત્રીની આ જાહેરાતથી લઈ આજ સુધી ટાટની પરીક્ષા હોય કે ભરતી પ્રક્રિયા હોય દરેક બાબતમાં કયાંક અને કયાંક વિલંબ જોવા મળી રહ્યો છે. ગત તા.૧૬/૧૧/૨૦૧૯નાં રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી હતી જે ક્રમિક ભરતીમાં પ્રથમ અને ચારેય ભરતીમાં સૌથી નાની છે. જેની ભરતી પ્રક્રિયા આ ૬ મહિનાના સમયગાળામાં ૨૫ ટકા જેટલી પણ પૂર્ણ થયેલ નથી.

આ ઉપરાંત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાની શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત ૧૫ જાન્યુઆરી ૨૦૨૦માં કરવાના હતા જે આજ તારીખ સુધી થયેલ નથી. ઉપરાંત જીએડીનાં ૦૧-૦૮-૧૮ના ઠરાવના અમલીકરણમાં સરકારની નીતિ સ્પષ્ટ ના હોઈ ગત તા.૧૬/૦૨/૨૦૨૦ના રોજ નીતિનભાઈ પટેલે તમામ ભરતીઓ અનિશ્ર્ચિત સમય સુધી સ્થગિત કરેલ છે તો આજ ગતિએ સમગ્ર ભરતી પ્રક્રિયા કયારે પૂર્ણ થશે એ એક ચિંતાનો વિષય છે.  શિક્ષણ સહાયક ભરતીના તમામ ઉમેદવારોની માંગ છે કે જીએડીના ૦૧-૦૮-૧૮ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા કેસોને અગ્રતા અપાવી જીઆરનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે અથવા ન્યાયિક પ્રક્રિયામાં સમય લાગે એવી સંભાવના હોય તો સરકાર જીઆર સંદર્ભે હાઈકોર્ટના આગામી આખરી નિર્ણયને આધીન શરતી ભરતી શરૂ કરે. વધુમાં જણાવ્યું છે કે, એક બાજુ શિક્ષિત બેરોજગાર યુવાન રોજગાર મળવાની આશા સાથે બેઠા છે તો બીજી બાજુ કોલિફાઈડ થયેલ અને સક્ષમ શિક્ષકોની ઘટના કારણે રાજયનાં લાખો વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. અગાઉ શિક્ષણ સહાયક ભરતીના ઉમેદવારોની ઘણી રજુઆતો, આવેદનો આપવા અને આંદોલન કરવા છતાં ઉમેદવારોને કોઈ જવાબ મળેલ નથી. શિક્ષણ સહાયક ભરતીના ઉમેદવારોની એક માંગ અને રજુઆત છે કે તાત્કાલિક ૦૧-૦૮-૧૮નાં ઠરાવના પ્રશ્ર્નોનું સમાધાન કરવામાં આવે. સરકાર આ દિશામાં પગલા નહીં ભરે તો ઉમેદવારોને મજબુરીમાં પોતાના જીવના જોખમે આગામી સમયમાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવાની ફરજ પડશે. સરકાર ત્વરિત ન્યાયપૂર્વક નિર્ણય લઈ લાખો વિદ્યાર્થીઓ અને હજારો બેરોજગાર ઉમેદવારના હિતમાં સ્થગિત કરાયેલ સરકારી શાળાની શિક્ષણ સહાયકની ભરતી સત્વરે શરૂ કરે. તેમજ અનુદાનિત શાળાની શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત કરે તેમ રજુઆતના અંતે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.