Abtak Media Google News

21મી માર્ચનો દિવસ ‘વિશ્વ વન દિવસ’ તરીકે ઉજવાય છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ પ્રકારનાં વનો દ્વારા મળતા લાભો, પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો છે. સંયુક્ત રાષ્ટ્રો દ્વારા વનોની જાળવણી, જતન અને વ્યવસ્થાપન અંગેની જાગૃતિ વધારવા માટે આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. પર્યાવરણના જતન માટે વિવિધ પ્રકારનાં વનોનાં રક્ષણ અને સંવર્ધનની જરૂરિયાત સમજી સરકાર દ્વારા અનેકવિધ પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં વૃક્ષ આવરણ, જૈવિક વિવિધતામાં વધારો કરવા તેમજ વન સંરક્ષણ અને સંવર્ધનક્ષેત્રે જાગૃતિ લાવવાનાં પ્રયાસનાં ભાગરૂપે વર્ષ 2004થી ગુજરાત સરકાર દ્વારા સાંસ્કૃતિક વનોની રચનાનો નવીન અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ગાંધીનગરમાં પુનિતવન, અંબાજીમાં માંગલ્યવન, પાવાગઢમાં વિરાસત વન, સોમનાથમાં હરિહરવન જેવા અલગ અલગ સ્થળોએ કુલ મળી 22 જેટલા સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે વર્ષ 2008માં ભક્તિવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 4.85 હેકટર વિસ્તારમાં ફેલાયેલ આ વનને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં વરદહસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ વનને તુલસી કુંડ, ભક્તિવન સંકુલ, પુનિત વન સંકુલ એવા મુખ્ય ત્રણ ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે.

1679369586322

ભક્તિ વન વિશે વિગતવાર માહિતી આપતા આર.એફ.ઓશ્રી પી.એમ. મકવાણા જણાવે છે કે તુલસીકુંડમાં 108 તુલસી ક્યારાઓ બનાવી તેમાં તુલસીના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે ભક્તિવન સંકુલને 51 શક્તિપીઠ, પુષ્પવાટિકા અને ત્રિફળા વન એમ ત્રણ ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે. જેમાં 51 શક્તિપીઠમાં 51 વૃક્ષોનું વાવેતર કરીને 51 શક્તિપીઠનાં માતાજી વિશે માહિતી દર્શાવવામાં આવી છે. પુષ્પવાટિકામાં 4,649 અલગ અલગ પ્રકારના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્રિફળા વનમાં આમળા, હરડે, બેહડાનાં કુલ 3296 વૃક્ષો છે. પુનિત વન સંકુલને રાશિવન, નિરોગી બાળવન, નક્ષત્રવન અને ગૃહવાટિકા એમ ચાર ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. આપણાં શાસ્ત્રોમાં દરેક રાશિઓના આરાધ્ય વૃક્ષો સૂચવેલ છે.

1679369586249

જે વ્યક્તિની જન્મરાશિ પ્રમાણે વૃક્ષની વાવણી, સંવર્ધન અને રક્ષણ માટે શુભ ગણાય છે. આ મુજબ રાશિવનમાં લીમડો, આંબો, ખીજડો, ગરમાળો, સીમળો, બિલી, પીપળ, વડ, વાંસ, ખેર જેવા અલગ અલગ 60 વૃક્ષો લહેરાઈ રહ્યા છે. જ્યારે નિરોગી બાળ વનમાં શરીરના વિવિધ અંગોમાં થતી બિમારીઓનાં ઉપચારમાં વપરાતી ઔષધીય વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવ્યું છે. બ્રાહ્મી, સર્પગંધા, આમળા, સોનામુખી, ગુગળ, ગળો જેવા અલગ અલગ 506 પ્રકારના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આપણી રાશિ, નક્ષત્ર અને દરેક ગ્રહોનું એક આરાધ્ય વૃક્ષ નક્કી કરવામાં આવ્યું છે. તે મુજબ નક્ષત્ર વનમાં વડ, ખાખરો, બીલી, ઉમળો, ઝેરું કોચલું, નાગકેસર, જેવા અલગ અલગ 60 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. ગૃહવાટિકામાં ઘર ઉપયોગી એવા અલગ-અલગ 18 પ્રકારના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.ભક્તિવનની સ્થાપના સમયે 45,000 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.

જ્યારે અત્યારે 58,969 જેટલા છોડવાઓ-વૃક્ષો છે. મુસાફરો/ પ્રવાસીઓને બેસવા માટે વનમાં અલગ- અલગ ચાર વન કુટીરો અને 105 જેટલા બાંકડાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકોના મનોરંજન માટે રમતગમતનાં સાધનો પણ આવેલા છે તેમજ વનની સુરક્ષા/ રક્ષણ માટે 16 જેટલા સી.સી.ટી.વી. કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. ચોટિલાધામ ખાતે મા ચામુંડાનાં દર્શનાર્થે આવતા પ્રવાસીઓ માટે ભક્તિવન હરવા-ફરવાનું એક ઉત્તમ વિકલ્પ તો બન્યું છે પણ સાથે-સાથે તે વૃક્ષો, ઔષધીય વનસ્પતિઓનાં મહત્વ અને સંરક્ષણ અંગે ઉપયોગી માહિતી આપતું પ્રકૃતિધામ પણ બની રહ્યું છે.

વટેશ્વર વન-દૂધરેજ કેનાલ સાઈટ રોડ

સુરેન્દ્રનગર એકમાત્ર એવો જિલ્લો છે જેને બે-બે સાંસ્કૃતિક વનની ભેટ મળી છે. ભગવાન વડવાળાનાં નામ ઉપરથી દૂધરેજ કેનાલ સાઈટ પર 5 હેક્ટર જેટલા વિસ્તારમાં 73 હજારથી વધુ છોડવાઓથી જિલ્લાનું બીજુ સાંસ્કૃતિક વન વટેશ્વર વન આકાર પામ્યું છે. 10 કરોડથી વધુનાં ખર્ચે આયુર્વેદ અને યોગની થીમ પર આ સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સામાન્ય ગાર્ડનની જેમ લોકો આવે અને માત્ર ફરીને જતા ન રહે પરંતુ વનસ્પતિઓ અને તેમનાં ચિકિત્સકીય ગુણો વિશે જાણે, સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિનો પરિચય કેળવે તેવા હેતુ સાથે અહીં 33 જેટલી એમ્નેટીઝ ઉભી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર-ઝાલાવાડ પ્રદેશનાં ઈતિહાસ, સાહિત્ય, સંસ્કૃતિનાં વિવિધ પાસાઓ  પ્રતિબિંબિત થાય તે રીતે રજવાડી સ્થાપત્યકલા, લાકડા અને કુદરતી પથ્થરોનાં ઉપયોગ સાથે વટેશ્વર વનની રચના કરવામાં આવી છે. તેનાં દરેક ભાગનાં નિર્માણ પાછળ કોઈ સંદેશ, કોઈ વિચાર રહેલો છે.

ઝાલાવાડનો પ્રદેશ લોકનૃત્ય, લોકસંગીત માટે જાણીતો છે તે લક્ષમાં રાખીને તરણેતરનો મેળો, દ્વોપદીનો સ્વયંવર સહિતનાં પ્રસંગોનાં શિલ્પો અને ચિત્રો મુલાકાતીઓને આવકારતા મુખ્ય દ્વાર સમીપે ઉભા છે. સમગ્ર વન આયુષ કલર ગાર્ડન, યોગા ગાર્ડન, ઝેન ગાર્ડન, સ્કલ્પચર ગાર્ડન, સેન્સ એન્ડ ટચ ગાર્ડન, ફ્રુટ એન્ડ ફન પાર્ક જેવા થીમ આધારિત ગાર્ડન્સ-વિભાગોનો સમૂહ છે. આ દરેક વિભાગ પાછા પોતાની રીતે વિશિષ્ટ છે, જેમ કે આયુષ કલર ગાર્ડન  સામાન્ય ગાર્ડનની જેમ અહીં માત્ર આંખોને ગમે તેવા સુંદર અને સારી સુગંધ ધરાવતા ફુલછોડ નથી લગાડ઼વામાં આવ્યા પરંતુ આયુર્વેદિક ઉપયોગિતા ધરાવતા, મેડિસિનલ વેલ્યુ ધરાવતા હોય તેવા છોડવા રોપવામાં આવ્યા છે. સ્પર્શ બહુ મજબૂત ઈન્દ્રિય છે અને દરેક તત્વનો સ્પર્શ શરીરમાં અલગ સંવેદન જગાડે છે. આ ટચ થેરાપીને ધ્યાનમાં રાખીને યોગા ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જે સામાન્ય રીતે બને છે તેમ ઘાસની લોન પર નથી બન્યું પરંતુ પાંચ અલગ-અલગ પ્રકારનાં મટીરીયલથી તેની સપાટી તૈયાર કરવામાં આવી છે. સૌ પ્રથમ નાના-નાના ગોળ પથ્થરો છે, જેનાં પર ચાલવાથી એક્યુપંકચર થેરાપીનો અનુભવ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.