Abtak Media Google News

પુરતુ પીવાનું પાણી આપવા માંગ

ઝાલાવાડમાં ચોમાસાનો પ્રારંભ થતા જ પીવાના પાણીની રામાયણ શરૂ થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં તળાવો, કુવાઓમાં પાણી ખુટતા લોકોને પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે ત્યારે હાલ ઝાલાવાડનાં અનેક છેવાડા ગામોમાં પાણીને લઈને રામાયણો શરૂ થઈ છે. આથી ઝાલાવાડમાં વરસાદ ખેંચાતા લોકોની સ્થિતિ દયનીય બની છે.

વરસાદ ખેંચાતા પાણી પુરવઠા બોર્ડ દ્વારા છેવાડાનાં ગામડાઓમાં પાણી વિતરણનાં અભાવે છેલ્લા ચાર દિવસથી ગુંદાળા ગામની ૧૦૦૦ લોકોની વસ્તી અને ૧૨૦૦થી વધુ પશુપાલકો ધરાવે છે પરંતુ પાણીનું ટીપુ નહીં મળતા ગામની મહિલાઓ રણચંડી બનીને પાણીનાં ટેન્કરનો ઘેરાવ કરીને વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો. પાણી પુરવઠા બોર્ડ દ્વારા છેવાડાના ડુંગરાળ ગામડાઓમાં પાણીની પાઈપલાઈન જતી ન હોય ત્યાં ટેન્કરો દ્વારા પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે. જેમાં પાણી વિતરણ વ્યવસ્થાનાં અભાવે ચાર દિવસનાં વાણા વહી જવા છતાં એક ટીપુ પાણી ગુંદાળા ગામમાં આપવામાં નહીં આવતા લોકોની પાણી વગર હાલ કફોડી હાલત બની છે. આથી પીવાનું પાણી આપવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.