Abtak Media Google News

ધોરાજી ખાતે આવેલા જીલ્લા પોલીસ વડા બલરામ મીણા, જે.એમ.ભરવાડ, પોલીસ ઈન્સ્પેકટર એમ.વી.ઝાલા અને પોલીસ સ્ટાફે ધોરાજી દલિત વિસ્તારની મુલાકાત લઈ મેઘવાર સમાજનાં આગેવાનો સાથે ચર્ચા કરી હતી. મેઘવાર સમાજનાં અશોક ચૌહાણ, યોગેશભાઈ, કાંતિભાઈ સોંદરવા, ભરત બગડા સહિતના આગેવાનોએ મેઘવાર સમાજની વાડી ખાતે જીલ્લા પોલીસ વડા સાથે ચર્ચા કરી નરસંગ મંદિરના મહંતના મૃત્યુનો ભેદ ઉકેલવા અપીલ કરી હતી.

આ તકે મહંતના પરીવારજનોમાંથી તેમના ભાઈ દયારામબાપુ ગુરુ ગંગારામબાપુએ એસ.પી.બલરામ મીણા સમક્ષ રડતા-રડતા જણાવેલ કે મારા ભાઈ અને નરસંગ મંદિરના મહંત લાલદાસબાપુ ગુરુ શ્રી ગંગારામની હત્યા જ થઈ છે અને આ કૃત્ય કરનારાને પોલીસ સત્વરે ઝડપી સજા આપે તેમજ ન્યાય નહીં મળે તો સાધુ સમાજને સાથે રાખી ગાંધીનગર ઉપવાસ કરવામાં આવશે. એસ.પી.મીણાએ આશ્ર્વાસન આપતા જણાવેલ કે પોલીસ દ્વારા યોગ્ય તપાસ થઈ રહી છે. આવા ગુનેગાર છટકી ન જાય તે માટે થોડી ધીરજ રાખવી પડશે તપાસ મજબુત રીતે આગળ વધી રહી છે.બીજી તરફ  એસ.પી.મીણાએ જણાવેલ કે હત્યા કે આત્મહત્યાની વચ્ચે જે રહસ્ય ઘુટાતું હતું એમાં હાલ પ્રાથમિક તપાસમાં મહંતની હત્યા થઈ હોવાનું અનુમાન થઈ રહ્યું છે. આમ આખરે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા મહંતની હત્યા થઈ હોવાની વાતનો સ્વિકાર કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.