Abtak Media Google News

ગયા વર્ષની તુલનાએ ચાલુ વર્ષે એ-વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી: પરિણામ અંગે કમિટી બનાવી ઉચ્ચ સ્તરીય સમિક્ષા થાય તેવી શાળા સંચાલકોની માંગ ઊઠી

ગુજરાત માદયમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રવિવારે ધોરણ.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૭૧.૩૪ % પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે કોઈ વધારે ફેરફાર જણાતો નથી પરંતુ ઉલ્લેખનીય બાબત એ છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એ-૧ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ચાલુ માસના અંતે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાના બદલે ૧૫ દિવસ વહેલું જાહેર કરી દેવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ તો લોકડાઉનના લીધે શિક્ષકો દ્વારા પેપર ચકાસણીની કામગીરી ખૂબ જ ઝડપથી થઈ હોય તેવું લાગી રહ્યું છે અને બીજીબાજુ આ વર્ષે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું પેપર ખૂબ જ અઘરું નીકળ્યાં હોવાનું વિદ્યાર્થીઓ અને શિક્ષણવીદો માની રહ્યા છે અને ખાસ તો આ બાબતે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સમીક્ષા થાય તેવી પણ માંગ થઈ રહી છે.

નોંધનીય છે કે આ વર્ષે એ-૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ ખૂબ જ ઓછા છે ત્યારે લોકડાઉનના સમયમાં શરૂઆતમાં પેપર ચકાસણીની કામગીરી મોકૂફ રાખવામાં આવી હતી જોકે ત્યારબાદ ફરી પેપર ચકાસણી થતા થોડા જ દિવસોમાં ઉતરવહી ચકાસણી પુરી કરી દેવાઈ હતી અને મે માસના અંતિમ સપ્તાહના બદલે ૧૫ દિવસ વહેલું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું.

આ વિશે એક જાગૃત નાગરિક દિલીપભાઈ હીરપરાએ જણાવ્યું હતું કે, જે રીતે હાલની પરિસ્થિતિ છે તેમા ક્યાંકને ક્યાંક આ વર્ષે પેપર ચકાસણીમાં ઉતાવળ થઈ હોય જેથી એ-૧ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ઉપરાંત મુખ્યતવે ફિઝક્સ અને કેમેસ્ટ્રીમાં વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને આ બંને વિષયોમાં ગ્રેસિંગ આપવામાં આવ્યા છે જેના કારણે લાગી રહ્યું છે કે, ઉતાવળમાં ઉત્તરવહી ચકાસણી કરી સમય પહેલા જ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું. આ બાબતે તેઓએ માંગ કરી છે સમગ્ર મામલે શિક્ષણ વિભાગ કમિટી બનાવે અને સમીક્ષા કરે.

વિદ્યાર્થીઓ ઝી-નીટની પરીક્ષામાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે: રશ્મિકાંત મોદી

Modi

મોદી સ્કૂલના ટ્રસ્ટી રશ્મિકાંત મોદીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ લોકડાઉનનો સમય ચાલી રહ્યો હોય ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. હાલ વિદ્યાર્થીઓ ૧૨માં કરતા ઝી અને નીટમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા છે અને અમારી શાળા માં ગત વર્ષ અને આ વર્ષની તુલનામાં મોટો ફર્ક જણાતો નથી. જોવા જઈએ તો પરિણામ સારું છે પરંતુ એ-૧ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે પરંતુ તે ચિંતા નો વિષય જણાતો નથી

ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું પેપર અઘરૂં નીકળ્યું હતું: ભરતભાઈ ગાજીપરા

Images34

સર્વોદય સ્કૂલના ટ્રસ્ટી ભરતભાઈ ગાજીપરાએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધો.૧૨ વીજ્ઞાન પ્રવાહનું આ વર્ષે પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પરિણામ વહેલું જાહેર કરાયું છે. એકંદરે ગયાવર્ષની તુલનામાં આ વર્ષે પરિણામની ટકાવારીમાં કોઈ મોટો ફેરફાર જણાતો નથી. જોકે એ-૧ ગ્રેડ ધરાવનાર વિદ્યાર્થીઓ રાજકોટમાં ફક્ત ૪૪ જ છે તેનું મુખ્ય કારણ એ જ છે કે આ વર્ષે ધો.૧૨નું ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની પેપર ખૂબ જ અઘરું અને લાબું નીકળ્યું હતું જેને લઈ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક માર ખાઈ ગયા હોય તેવું લાગે છે અને વિદ્યાર્થીઓ હવે બોર્ડને સાઈડલાઈન કરીને સ્પર્ધાત્મક પરીક્ષા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે તેવું લાગી રહ્યું છે.

આન્સર કીમાં ખામી રહી હોવાની શક્યતા દેખાઈ રહી છે: જતિનભાઈ ભરાડ

1589865883725

આ મામલામાં ભરાડ સ્કૂલના સંચાલક જતિનભાઈ ભરાડએ જણાવ્યું હતું કે આ વર્ષે ચોક્કસ એ – ૧ ગ્રેડ ધરાવતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે અને તેની પાછળ જવાબદાર પરિબળ એ હોઈ શકે કે આ વર્ષે આપણે એનસીઇઆરટી પદ્ધતિનો કોર્સ અપનાવ્યો છે અને પરીક્ષા પદ્ધતિ ગુજરાત બોર્ડની છે તો બની શકે કે પેપરની આંસર કી બનાવાઈ હોય તેમા ખામી રહી ગઈ હોય કેમકે જે પ્રમાણે એનસીઇઆરટી પદ્ધતિમાં જ્યાં પેરેગ્રાફ આવતો હોય ત્યાં વિદ્યાર્થીએ જો પેરેગ્રાફ ન પાડ્યો હોય તો પણ માર્ક કાપી લેવામાં આવતા હોય છે તો બની શકે કે આ પરિબળ જવાબદાર હોય તે ઉપરાંત મને અન્ય કોઈ બાબતે શંકા નથી. આ મામલે વિદ્યાર્થીઓ પેપર ખોલાવી સંતોષકારક જવાબ મેળવી શકે છે.

અભ્યાસક્રમ ખુબજ લેન્ધી હોવાના કારણે પરીક્ષાર્થીઓ સ્કોર નથી કરી શકતા: સુદીપ મહેતા

Img 20200519 Wa0009

આ વિશે વધુ માહિતી આપતા શક્તિ સ્કૂલના સંચાલક સુદીપભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, હાલ ફિઝીકસ અને કેમીસ્ટ્રી વિષયનો અભ્યાસક્રમ ખુબજ લેન્ધી છે. ઉપરાંત વિદ્યાર્થીઓએ જેઈઈ અને નીટની પણ તૈયારી કરવાની હોય છે. જેના પરિણામે વિદ્યાર્થીઓ સ્કોર કરી શકતા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે એ-વન ગ્રેડમાં ફક્ત ૪૪ વિદ્યાર્થીઓનો જ સમાવેશ થયો છે. પરંતુ તેની સાથે સાથે સમગ્ર રાજ્યમાં જ્યારે ૧,૧૬,૦૦૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોય અને ફક્ત ૨૬૦૦ જ વિદ્યાર્થીઓ એ-ટુ ગ્રેડમાં આવ્યા હોય,  ૭૦ ટકા માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં ફક્ત ૧૧,૦૦૦ વિદ્યાર્થીઓ જ ૭૦ ટકા માર્કસ મેળવી શકયા છે. જે કુલ પરીક્ષાર્થીઓની સંખ્યાનો ૧૦ ટકા જ ભાગ છે તો કહી શકાય કે, લેન્ધી અભ્યાસક્રમ હોવાના કારણે વિદ્યાર્થીઓ ધાર્યા માર્કસ મેળવી શકતા નથી.

વિદ્યાર્થીઓમાં બોર્ડની મહત્વતા ઘટી: અજયભાઈ પટેલ

Ajay

મામલામાં સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસો.ના પ્રમુખ અજયભાઈ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આટલું નબળુ પરિણામ ગત ૧૦ વર્ષમાં પ્રથમવાર આવ્યું છે. જેની પાછળ જવાબદાર પરિબળ એ છે કે, હાલના સમયમાં વિદ્યાર્થીઓમાં સ્કૂલ અને બોર્ડની મહત્વતા ઘટી રહી છે. વિદ્યાર્થીઓ જેઈઈ અને નીટની પરીક્ષા તરફ વધુ ધ્યાન કેન્દ્રીત કરે છે અને કોચીંગ કલાસની વધુ મદદ લે છે તેવા સંજોગોમાં કોચીંગ કલાસ ફકત કોમ્પીટીટીવ એકઝામની તૈયારી કરાવે છે. તેના પરિણામે બોર્ડની પરીક્ષાનું પરિણામ નબળુ સામે આવ્યું છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, મે માસના અંતમાં પરિણામ જાહેર કરવાનું હતું. પરંતુ બે સપ્તાહ અગાઉ જ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું તો બની શકે છે કે, ક્યાંક પેપર ચકાસણીમાં ઉતાવળ કરવામાં આવી હોય અને પ્રેક્ટિકલ તેમજ થીયરી પરીક્ષાના માર્કસમાં વિસંગતતા હોવાના કારણે પરિણામ નબળુ આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.