Abtak Media Google News

(ઘણી વખત શાંતિથી બેસીને વિચારીએ તો સમજાય કે દુનિયામાં કેટલી બધી સારી-નરસી ઘટનાઓ એકીસાથે બની રહી છે. પરંતુ હાલની પરિસ્થિતીમાં તો દેશનો દરેક નાગરિક રાજકારણમાં એટલી હદ્દે ખૂંપી ગયો છે કે ધર્મ, જાત-પાત, ગુનાહિત પ્રવૃત્તિઓ, કેન્ડલ માર્ચ અને વિરોધો સિવાય બીજો કોઈ અવાજ સાંભળવા નથી મળતો!)

સમસ્યાઓનો રાજકીય થાળ એવી સરસ રીતે સજાવાયો છે કે જેને જોઈને ભારતભરની તમામ પોલિટિકલ પાર્ટીઓનાં મોંઢામાંથી લાળ ટપકી રહી છે! બીજી બાજું, ભોળિયો નાગરિક પોતાનાં સોશિયલ મીડિયા પર અન્યાય વિરૂધ્ધ અવાજ ઉઠાવવા માટે તત્પર બન્યો છે. આપણને લાગે છે કે જોરશોરથી બળવો પોકારનારનો વધુ વટ પડે છે! પરંતુ સાહેબ, માનવતા કોઈનાં ભારે-ભરખમ અવાજની મોહતાજ નથી. એને તો જ્યારે જેનાં દિલમાં પેદા થવાની ઇચ્છા થાય ત્યારે આપોઆપ જ પ્રત્યક્ષ થઈ જાય છે. રાજકારણ અને સમાજની ખરાબ બાજું જોવામાં આપણે એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે કોઈ પણ સારા સમાચાર પરત્વે તો જાણે દ્રષ્ટિપાત કરવો લગભગ અસંભવ લાગી રહ્યો છે! ભારત માટે ખૂબ સારા ન કહી શકાય તેવા દિવસો વચ્ચે પણ એક નિર્ણય એવો લેવાયો છે જેની નોંધ લેવી અત્યંત જરૂરી બની જાય છે.

પ્રાણીઓનો કત્લેઆમ મચાવતાં દેશ અને કંપનીઓ વિરૂધ્ધ છેલ્લા ઘણા વર્ષોથી બળવો પોકારી રહેલી હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ અને ‘પેટા’ (ઙઊઝઅ – પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ)ની મહેનત જાણે રંગ લાવી હોય એમ, સીલની પ્રોડક્ટ્સને ભારતીય બજારોમાં વેચવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદી દેવાયો હતો. કેનેડાનાં જૂજ વિસ્તારોમાં મળી આવતાં આ પ્રાણીનો ઉપયોગ માંસ આરોગવા, તેની રૂંવાટીમાંથી ગરમ કપડાં બનાવવા અને હેલ્થ-સપ્લિમેન્ટરી તેલ તૈયાર કરવા માટે થાય છે.

કેનેડાથી નિકાસ થતી આ તમામ પ્રોડક્ટ્સ ઘણા વર્ષો સુધી ભારત મંગાવાઈને અહીંની બજારોમાં હજારો-લાખોમાં વેચાતી રહી. વસ્તીગીચતાનાં ક્રમમાં અગ્રેસર હોવાને લીધે ભારત અને ચીન બંને દેશો તેમનાં જાયન્ટ માર્કેટ બન્યા. પરંતુ જેમ જેમ નાગરિકોમાં જાગૃકતા આવતી ગઈ એમ એનો ઉપયોગ ઘટતો ગયો. આમ છતાં હજુ પણ કેનેડા માટે કંઈ વધુ ચિંતા કરવા જેવી બાબત નહોતી કારણકે દરિયા જેવડાં દેશમાંથી અગર સો-બસ્સો ડોલ પાણી ઉલેચવામાં આવે તો પણ ખાસ કશો ફરક તો ન જ દેખાય! જ્યાં સુધી ભારત સરકાર સીલ પ્રોડક્ટ્સની આયાત પર પ્રતિબંધ ન લાદે ત્યાં સુધી તેનું વેચાણ અવિરતપણે ચાલુ રહે તેવી સંભાવના હતી.

હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ અને પેટાનાં સંયુક્ત પ્રયાસો શરૂ થયા. કેટલીય પિટિશન ફાઇલ કરવામાં આવી, હસ્તાક્ષરો લેવાયા, દેખાવો યોજાયા, સોશિયલ મીડિયા પર જાહેરાતો થઈ, ટીવી એડવર્ટાઇઝમેન્ટ બનાવાઈ. આપણી સરકારને પણ આખી વાતમાં તથ્ય લાગ્યું અને ગત એપ્રિલ મહિનામાં સીલ પ્રોડક્ટ્સનાં વપરાશ પર બેન લગાડાયો! ગર્વ સાથે કહેવું પડશે કે સીલને બચાવવા આગળ આવેલા દેશોની યાદીમાં ભારત છત્રીસમા ક્રમાંક સાથે જોડાયું છે. યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા, કઝાખસ્તાન તેમજ મેક્સિકો સહિતનાં કુલ 35 યુરોપિયન-અમેરિકન દેશો પોતાની દાવેદારી નોંધાવી ચૂક્યા છે.

જીવશાસ્ત્રીઓ માટે સૌથી ચિંતાજનક બાબત તો એ હતી કે 2002ની સાલથી માંડીને અત્યાર સુધીમાં કુલ 20 લાખથી વધુ સીલને મારી નંખાયા છે. લોકોએ બેફામ રીતે તેમની પ્રોડક્ટ્સનો ઇસ્તેમાલ કરીને સીલ પ્રજાતિને જોખમમાં મૂકી દીધી છે. ફક્ત ત્રણ મહિનાનાં સીલની ગોળી ઝીંકીને અથવા તો ગળું કાપીને હત્યા કરી દેવાતી! કારણકે નવા જન્મેલા સીલની ચામડી, રૂંવાટી અને માંસનો ભાવ બજારમાં ખૂબ ઉંચો અંકાતો. મરી ગયેલા સીલમાંથી લગભગ 98 ટકા પ્રાણીની ઉંમર માત્ર ત્રણ મહિના હતી! કેનેડા સરકાર પણ વર્ષોથી આ સ્વાર્થવૃત્તિને પ્રોત્સાહન આપી રહી છે.

2002માં જ્યાં 3,12,000 સીલની માવજત લેવાઈ રહી ત્યાં 2016ની સાલમાં આ આંકડો 66,800નો હતો. નવા બચ્ચાઓની ચામડી તો જન્મતાંવેંત વેચાઈ જતી હતી અને બાકીનાં અમુક વૃધ્ધ સીલને ફક્ત પ્રજનન કરી શકે એ માટે જીવિત રાખવામાં આવ્યા! 2016માં થયેલા સર્વે મુજબ, 9710 લાયસન્સ હોલ્ડરમાંથી ફક્ત 10 ટકા વેપારીઓ સીલની માવજત લઈ રહ્યા હતાં. જોવાની ખૂબી એ છે કે, કેનેડામાં દરેક વેપારી પાસે સીલ પ્રોડક્ટ્સ વેચવાની મંજૂરી નથી. 2013થી કેનેડિયન સરકારે નવા લાયસન્સ આપવાનું બંધ કરી દીધું છે. આમ છતાં ગેરકાયદેસર ગોરખધંધાને લીધે આ બિઝનેસ ત્યાં બરાબરનો ફૂલ્યોફાલ્યો છે!

એકવીસમી સદીની શરૂઆતમાં ભારત સહિત અન્ય દેશોની ફેશન ઇન્ડસ્ટ્રી દ્વારા સીલનો ખૂબ ભોગ લેવાયો! કેટલીક વખત શોખ પૂરો કરવા તો કેટલીક વખત માંસ ખાવા..! ભપકાદાર સ્વેટર્સ બનાવી સમાજ સામે બ્રાન્ડેડ વસ્તુ પહેરવાની બડાઈને લીધે માનવતા વિસરાઈ ગઈ! પરંતુ કહે છે ને કે એકપણ વસ્તુનો અતિરેક સારો નહી. 2006 પછી ધીરે-ધીરે સીલ પ્રોડક્ટ્સનો ભાવ ઓછો થતો ગયો. સીલની ચામડી 6600 રૂપિયાથી ઘટીને ફક્ત 1100 રૂપિયામાં વેચાવા લાગી! આમ છતાં શોખીનો ધરાયા નહીં અને ભોળાભટ મૂંગા પ્રાણીનો જીવ કપાતો રહ્યો. હાલ, વિશ્વમાં અંદાજે પંચાવન લાખ જેટલા સીલ બચ્યા છે.

મોટા-મોટા દેશોએ સીલ પ્રોડક્ટ્સની આયાત પર લગાવેલા બેનને લીધે પરિસ્થિતિ પહેલા કરતાં વધુ કાબૂમાં છે.ભારત સરકારે લગાવેલ બેન ખરેખર સરાહનીય છે. પરંતુ હજુ નિયમની અમલવારીમાં આપણે ઘણા કાચા પડીએ છીએ. ભૂગર્ભમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકી શકવા માટે આપણા તંત્રએ સાબદું થવું પડશે. શક્ય છે કે જેમ-જેમ સીલ પ્રોડક્ટ્સ બજારમાં વેચાતી બંધ થશે એમ એની સંગ્રહખોરી પણ વધવા માંડે! એવા સમયે રાજકારણ રમાયું તો પરિસ્થિતિ ફરી ત્યાંની ત્યાં આવીને ઉભી રહેશે અને બીજા અનેક નિર્દોષ પ્રાણીનો જીવ ખતરામાં મૂકાઈ જશે.

અલબત્ત, સીલ બાબતે પ્રતિબંધ ફરમાવતો નિર્ણય લેવાતાં પહેલા ભૂતકાળમાં મગર, નોળિયો, શિયાળ, ચિનચિલ્લાની જીવહત્યા માટે પણ કાયદા ઘડાયા હતાં પરંતુ તેનો કોઈ ખાસ ફાયદો જણાયો નહી! 2014-15 કરતાં 2015-16માં સરિસૃપ પ્રાણીઓની હત્યાનાં દરમાં 1800 ટકાનો વધારો નોંધવા મળ્યો.મકર-સક્રાંતિનાં દિવસોમાં આંધ્રપ્રદેશ અને તેલંગણામાં કૂકડાને પગે ધારદાર ખીલ્લાં/ચાકુ બાંધીને બંનેને મેદાનમાં યુધ્ધ માટે ઉતારવાની ક્રૂર રમત ખેલાતી.

બંને કૂકડાંઓની જાન પર સટ્ટો રમવામાં આવતો! જે કૂકડો વહેલા દમ તોડી દે એના પર લગાવેલા પૈસા ડૂબી જાય અને સામેવાળો માણસ જીતી જાય! માનવતાને કલંક લગાડે તેવી આ રમત પર 2016માં પહેલા મનાઈ હુકમ ફરમાવાયો. આમ છતાં આજની તારીખેય આંધ્રપ્રદેશ અને તેલંગણાની જનતા છાનેછપને પોતાની મનગમતી રમત રમી લે છે! સવાલ અહીં જ પેદા થાય છે. સીલને બચાવવા માટે એક કદમ આગળ આવેલી ભારત સરકાર કાયદાની અમલવારી સમયે પીછેહઠ તો નહી કરી જાય ને!?

તથ્ય કોર્નર

મકર-સક્રાંતિનાં દિવસોમાં આંધ્રપ્રદેશ અને તેલંગણામાં કૂકડાને પગે ધારદાર ખીલ્લાંચાકુ બાંધીને બંનેને મેદાનમાં યુધ્ધ માટે ઉતારવાની ક્રૂર રમત ખેલાતી: બંને કૂકડાંઓની જાન પર સટ્ટો રમવામાં આવતો! જે કૂકડો વહેલા દમ તોડી દે એના પર લગાવેલા પૈસા ડૂબી જાય અને સામેવાળો માણસ જીતી જાય! માનવતાને કલંક લગાડે તેવી આ રમત પર 2016માં પહેલા મનાઈ હુકમ ફરમાવાયો. આમ છતાં આજની તારીખેય આંધ્રપ્રદેશ અને તેલંગણાની જનતા છાનેછપને પોતાની મનગમતી રમત રમી લે છે!

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.