Abtak Media Google News

તપાસ વિના બંધ કરાયેલા ૧૮૬ કેસની ફેરતપાસ કરવા વડી અદાલતે સીટની રચના કરવા આદેશ આપ્યો

૧૯૮૪માં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ દેશમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણો સંબંધીત ૧૮૬ કેસની ફરીથી તપાસ કરવાનો નિર્ણય લેવાયો છે.

સુપ્રિમ કોર્ટે આ માટે ૩ સભ્યોની નવી એસઆઈટી રચવાનો આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારની એસઆઈટીએ આ કેસ બંધ કરી દીધા હતા. જેથી વડી અદાલતમાં અપીલ કરાઈ હતી. ચીફ જસ્ટીસ દિપક મિશ્રા, જસ્ટીસ એમ.એમ.ખાનવીલકર અને ડી.વાય.ચંદ્રચુડની ખંડપીઠે કહ્યું હતું કે, હાઈકોર્ટના નિવૃતિ ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળની નવી એસઆઈટીમાં ડીઆઈજી કક્ષાના એક નિવૃત અને એક વર્તમાન પોલીસ અધિકારી સામેલ કરાશે.

સુપ્રીમ કોર્ટે તાકયુ હતું કે, તેના નિર્દેશ પર રચાયેલી સુપરવાઈઝર પેનલે નોંધ્યુ કે, ૨૪૧ કેસમાંથી ૧૮૬ કેસને એસઆઈટીની તપાસ વગર જ બંધ કરી દેવાયા હતા. ઉલ્લેખનીય છે કે, શીખ વિરોધી રમખાણોમાં લગભગ ૩૦૦૦ લોકોના જીવ ગયા હતા. આ કેસને વર્ષો વીતી ગયા છતાં હજુ સુધી ચુકાદો આવ્યો નથી. કેસમાં તપાસ પણ બાકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.