Abtak Media Google News

હિંદ મહાસાગરમાં સર્જાયેલા ચક્રવાતને કારણે તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં ત્રણ દિવસથી મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. જેને પગલે પુરની સ્થિતિનું નિર્માણ થયું છે. ચેન્નાઇ સહિત ચાર જિલ્લામાં ભારે અસર પહોંચી છે. બીજી તરફ ચેન્નાઇ, કન્યાકુમારી, તિરુનેલવેલી, થુથુંકૂડી આ જિલ્લામાં આજે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

સતત ત્રણ દિવસથી વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરક, 7500 લોકોનું રેસ્ક્યુ : 800 મુસાફરો રેલવે સ્ટેશનોમાં ફસાયા

તામિલનાડુ રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.  તમિલનાડુના થૂથુકુડી જિલ્લાના શ્રીવૈકુંતમમાં પૂરના કારણે લગભગ 800 રેલવે મુસાફરો ફસાયેલા છે.  મંદિરના નગર તિરુચેન્દુરથી ચેન્નાઈ જતી એક્સપ્રેસ ટ્રેનના મુસાફરો ગઈકાલથી પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર શ્રીવૈકુંટમ ખાતે ફસાયેલા છે.  થૂથુકુડીમાં અત્યાર સુધીમાં 525 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.

તમિલનાડુના દક્ષિણ જિલ્લાઓ આ દિવસોમાં પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે.  વાસ્તવમાં આ જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે.  જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે.  હવામાન વિભાગની તાજેતરની આગાહીએ પૂરથી પીડિત લોકોની મુશ્કેલીમાં વધુ વધારો કર્યો છે.

અધિકારીએ જણાવ્યું કે, થૂથુકુડી અને શ્રીવૈકુંડમ અને કાયલાપટ્ટિમ જેવા વિસ્તારોમાં વધારાની બોટ તૈનાત કરવામાં આવી છે.  તેમણે કહ્યું કે આ વિસ્તારમાંથી ઓછામાં ઓછા 7,500 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને 84 રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે.  અધિકારીએ કહ્યું કે ‘કોમન એલર્ટ પ્રોટોકોલ’ દ્વારા 62 લાખ લોકોને એસએમએસ એલર્ટ મોકલવામાં આવ્યા હતા.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ  અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો, ફાયર અને બચાવ સેવાઓ અને પોલીસની ટીમોએ ભારે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢ્યા અને તેમને શાળાઓ અને લગ્ન હોલમાં સમાવી લીધા.  દક્ષિણ રેલ્વેએ જણાવ્યું હતું કે તિરુનેલવેલી-તિરુચેન્દુર સેક્શનમાં શ્રીવૈકુંતમ અને સેદુંગાનાલ્લુર વચ્ચે સેવા સ્થગિત કરવામાં આવી છે.  તેમણે જણાવ્યું કે રેલ્વે ટ્રેક પરથી ‘બેલાસ્ટ’ ધોવાઈ ગયું હતું અને રેલ્વે ટ્રેક પર પાણી વહી ગયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.