Abtak Media Google News

અલગ-અલગ વિસ્તારોમાં બાકીદારોની 40 મિલકતો સીલ કરી દેવાઇ: રિક્વરીમાં ઓચિંતો ઘટાડો

હાલ વેરામાં વળતર યોજના ચાલી રહી છે. બીજી તરફ ટેક્સ બ્રાન્ચ ધડાધડ બાકીદારોની મિલકતોને સીલ કરી રહ્યું છે અને ટાંચ જપ્તીની નોટિસ ફટકારી રહ્યું છે. આજે ટેક્સ બ્રાન્ચના અધિકારીઓએ જાણે ત્રીજું નેત્ર ખોલ્યું હોય તેમ શહેરના અલગ-અલગ વોર્ડમાં 105 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે 40 મિલકતો સીલ કરાઇ હતી અને એક બાકીદારનું નળ જોડાણ કપાત કરવામાં આવ્યું છે. રિક્વરીમાં ઓચિંતો ઘટાડો નોંધાયો છે. આજે બપોર સુધીમાં માત્ર 1.11 કરોડની વસૂલાત થવા પામી હતી.

આજે શહેરના વોર્ડ નં.1માં 150 ફૂટ રીંગ રોડ પર દેવીકૃપા કોમ્પ્લેક્સમાં 23 મિલકતોને સીલ કરી દેવામાં આવી હતી. જ્યારે વોર્ડ નં.4માં પારેવાડી ચોકમાં સદ્ગુરૂ ધામ-એમાં એક મિલકત, વોર્ડ નં.7માં રાષ્ટ્રીય શાળા પાસે એક મિલકત, એસટી બસ પોર્ટમાં ત્રણ મિલકત, વોર્ડ નં.12માં ગોંડલ રોડ પર બજરંગ ફર્નિચર અને એસબીએમ ચેર પ્રાઇવેટ લીમીટેડ અને વોર્ડ નં.17માં ઢેબર રોડ સાઉથમાં શ્રીરામ હાઇડ્રોલીંક સહિત કુલ 40 મિલકતો સીલ કરવામાં આવી હતી. વોર્ડ નં.16માં મહાત્મા ગાંધી સોસાયટીમાં એક આસામીનું નળ જોડાણ કપાત કરાયું હતું. જ્યારે પારેવાડી ચોક, ચંદન પાર્ક, શ્યામનગર, નિલકંઠનગર, મવડી, જયરાજ પ્લોટ, મધુરમ ઔદ્યોગીક વિસ્તાર, પરમેશ્ર્વર સોસાયટીના સહિતના વિસ્તારોમાં 105 બાકીદારોની મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ અપાઇ છે.

ચડત વેરામાં હપ્તા યોજનાનો લાભ લેનારને નળ જોડાણ આપવાનું શરૂ

એક યા બીજા કારણોસર વેરો ભરપાઇ ન કરી શકનાર શહેરીજનો માટે કોર્પોરેશન દ્વારા હાલ વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ યોજના શરૂ કરવામાં આવી છે. જેનો લાભ લેનાર વ્યક્તિને પાણી વેરો બાકી હોવા છતાં નળ જોડાણ આપવામાં આવી રહ્યું છે. અગાઉ પોલીસી મુજબ તમામ મિલકત વેરો અને પાણી વેરાની સંપૂર્ણ રકમ ભરપાઇ કરનાર વ્યક્તિને જ નળ જોડાણ આપવામાં આવતું હતું. જો થોડી ઘણી પણ રકમ ચૂકવવામાં બાકી હોય તો કોર્પોરેશન દ્વારા નળ જોડાણ આપવામાં આવતું ન હતું.

દરમિયાન બાકી વેરામાં વળતર યોજના શરૂ કરાયા બાદ હવે નળ જોડાણ આપવાનું શરૂ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. પાણી વેરા કે મિલકત વેરા પેટે ગમે તેટલી રકમ બાકી નીકળતી હોય છતાં શહેરીજનને એક નળ જોડાણ આપવામાં આવે છે. જો અગાઉથી નળ જોડાણ ધરાવતા હોય અને બીજું નળ જોડાણ લેવા માટેની લાયકાત હોય તો તેને પણ બીજું નળ જોડાણ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.