Abtak Media Google News

૧૨,૫૦૮ પૈકી ૧૦,૫૯૦ વાંધા અરજીઓનો નિકાલ: લેભાગુ એજન્ટો દ્વારા અરજીઓ ન કરાવવા કરદાતાઓને અપીલ

મિલકત વેરાની આકારણી માટે કાર્પેટ એરિયાની અમલવારી બાદ મહાપાલિકામાં વાંધા અરજીઓના ઢગલા થયા છે. અત્યારસુધી માત્ર ઓનલાઈન જ વાંધા અરજી સ્વીકારવામાં આવતી હોય લોકોએ ભારે હેરાનગતી ભોગવવી પડે છે. દરમિયાન હવે પછી ટેકસને લગતી વાંધા અરજીઓ ઓનલાઈન સાથે તમામ વોર્ડ કચેરી અને ઝોન કચેરીએ ઓફલાઈન પણ સ્વિકારવામાં આવશે તેવી પણ જાહેરાત આજે મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે.

કોઈપણ વ્યકિત મહાપાલિકાના કર્મચારીઓ પાસે વોર્ડ કે ઝોન કચેરીએ જઈ સામાન્ય કાગળ પર પણ ટેકસની વાંધા અરજી કરી શકશે. આ માટે મહાપાલિકા દ્વારા કોઈ એજન્ટની નિમણુક કરવામાં આવી નથી જો કોઈ વ્યકિત ટેકસ ઓછો કરાવી દેવાની લાલચ આપે તો આવા લેભાગુ કે અનઅધિકૃત વ્યકિતઓથી સાવધાન રહેવા કરદાતાઓને અપીલ કરવામાં આવે છે. જો આવી કોઈ વ્યકિત જણાય તો મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના સહાયક કમિશનર એચ.કે.કગથરા (મો.૯૭૧૪૫ ૦૩૭૪૪), વેસ્ટ ઝોન સહાયક કમિશનર એચ.જે.ધડુક (મો.૯૭૧૪૫ ૦૩૭૪૨) અથવા ઈસ્ટ ઝોન કચેરીના સહાયક કમિશનર વી.એમ.પ્રજાપતિ (મો.૮૧૫૬૦ ૦૩૭૪૩) ઉપર સંપર્ક કરવો.

કાર્પેટ એરિયાની અમલવારી બાદ શહેરમાં ૪.૫૫ લાખ મિલકતધારકો પૈકી ૧૨,૫૦૮ મિલકત ધારકોએ મિલકતોની વિગત સુધારવા માટે વાંધાઅરજી કરી છે જે પૈકી આજસુધીમાં ૧૦,૫૯૦ વાંધાઅરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે હવે માત્ર ૧૯૧૮ વાંધા અરજીઓનો નિકાલ કરવાનો બાકી છે. વેરા વળતર યોજના અંતર્ગત અત્યારસુધીમાં ૧.૬૦ લાખ કરદાતાઓએ મહાપાલિકાની તિજોરીમાં ૭૩ કરોડ જમા કરાવી દીધા છે. આગામી ૩૧મી જુલાઈના રોજ વેરા વળતર યોજના પૂર્ણ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.