Abtak Media Google News

૨,૦૪,૯૪૮ પ્રામાણિક કરદાતાઓએ એડવાન્સ ટેકસ ભરી કોર્પોરેશનની તિજોરી છલકાવી: ૩૧મી ઓગસ્ટ સુધી વાંધાઅરજીઓ સ્વીકારવાની વિચારણા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષથી મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયા આધારીત પઘ્ધતિની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. ગત એપ્રિલ માસથી ૧૦ ટકા વેરા વળતર યોજના ચાલી રહી છે. જે અંતર્ગત છેલ્લા ૪ માસ દરમિયાન મહાપાલિકાને ૧૦૦ કરોડથી પણ વધુની આવક થવા પામી છે. આગામી મંગળવાર એટલે કે ૩૧મી જુલાઈએ ૧૦ ટકા વેરા વળતર યોજના પૂર્ણ થઈ જશે. ૨,૦૪,૯૪૮ પ્રામાણિક કરદાતાઓએ કોર્પોરેશનની તિજોરી છલકાવી દીધી છે. બીજી તરફ આગામી ૩૧મી ઓગસ્ટ સુધી વાંધાઅરજી સ્વિકારવામાં આવશે તેવી પણ વિચારણા શરૂ કરવામાં આવી છે.

આ અંગે ટેકસ બ્રાંચના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ મહાપાલિકામાં વેરા વળતર યોજના ચાલી રહી છે. જેમાં વર્ષ ૨૦૧૮-૧૯નો એડવાન્સ ટેકસ ભરતા કરદાતાને વેરામાં ૧૦ ટકા અને મહિલા કરદાતાને ૫ ટકા વિશેષ વળતર સાથે ૧૫ ટકા વળતર આપવામાં આવી રહ્યું છે.

આજસુધીમાં ૨,૦૪,૯૪૮ કરદાતાઓએ એડવાન્સ ટેકસ ભરી આ વળતર યોજનાનો લાભ લીધો છે. જેના થકી કોર્પોરેશનને રૂ.૧૦૦ કરોડથી પણ વધુની આવક થવા પામી છે. આગામી ૩૧મી જુલાઈના રોજ આ વળતર યોજના પૂર્ણ થઈ રહી છે.

ઓગસ્ટ માસમાં એડવાન્સ ટેકસ ભરતા કરદાતાને વેરામાં ૫ અને મહિલા કરદાતાને ૧૦ ટકા વળતર આપવામાં આવશે. કાર્પેટ એરિયાની અમલવારી બાદ વાંધાઅરજીઓના ઢગલા થઈ રહ્યા છે. નવા કરમાળખાના કારણે ટેકસની આવકમાં પણ ૩૫ કરોડથી વધુનું ગાબડુ પડયું છે ત્યારે વાંધા અરજી સ્વિકારવાની મુદતમાં એક માસનો વધારો કરવામાં આવે તેવી શકયતા હાલ જણાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.