Abtak Media Google News

60 મહિનાના લિઝ ઉપર 5580 ફુટની જગ્યા લીધી, માસિક ભાડું રૂ. 11.65 લાખ ચૂકવશે

ભારતની માર્કેટમાં ટેસ્લાની એન્ટ્રી હજુ નથી થઈ પણ ભારતમાં એન્ટ્રી કરી લીધી છે. ટેસ્લા ભારતમાં તેના મોટર વ્હીકલ બિઝનેસને વિસ્તારવા માટે તૈયાર છે. એલન મસ્કની ટેસ્લા ઈન્ડિયા મોટર એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડે પુણેના પંચશીલ બિઝનેસ પાર્કમાં ઓફિસની જગ્યા ભાડે લીધી છે. ટેસ્લાના એક્ઝિક્યુટિવ્સનું પ્રતિનિધિમંડળ ભારતમાં તેની ઈલેક્ટ્રિક કારના વેચાણ માટેના પ્રોત્સાહનો અને લાભો અંગે ચર્ચા કરવા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને મળ્યા પછી કંપની દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

ઓફિસની જગ્યા ટેસ્લાની ભારતીય પેટાકંપની તરફથી પાંચ વર્ષ માટે લીઝ પર લેવામાં આવી છે. ટેસ્લાની પેટાકંપનીએ પંચશીલ બિઝનેસ પાર્કમાં બી વિંગના પહેલા માળે 5,580 ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ લીધી છે. આ ડીલ ટેબલસ્પેસ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ સાથે કરવામાં આવી છે. તેનું ભાડું 1 ઓક્ટોબર, 2023થી શરૂ થશે અને બંને કંપનીઓ દર વર્ષે 5 ટકાના વધારા સાથે 36 મહિનાના લોક-ઇન પિરિયડ પર સંમત થઈ છે. જો આ કંપની ઈચ્છે તો તે વધુ પાંચ વર્ષ માટે લીઝ વધારી શકે છે.

મળેલી માહિતી મુજબ ટેસ્લા 60 મહિના માટે જગ્યા ભાડે લેવા માટે 11.65 લાખ રૂપિયાનું માસિક ભાડું અને 34.95 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવશે. પંચશીલ બિઝનેસ પાર્ક હાલમાં નિર્માણાધીન છે અને તેની કુલ સાઈઝ 10,77,181 ચોરસ ફૂટ છે. તે પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે.

અહેવાલ અનુસાર સરકાર ટેસ્લાના વિદેશી સપ્લાયરો, ખાસ કરીને ચાઈનીઝ સપ્લાયરોને દેશમાં ઉત્પાદન કરવાની મંજૂરી આપી શકે છે. જો કે સરકારે આ અંગે કોઈ ઈચ્છા વ્યક્ત કરી નથી. ટેસ્લાએ વર્ષ 2019માં બેંગલુરુમાં તેની ભારતીય પેટાકંપનીની નોંધણી કરાવી હતી. આ સિવાય દેશમાં ઈલેક્ટ્રિક વાહનો અને ઈવી બેટરી બનાવવા માટે ફેક્ટરી બનાવવાની યોજના બનાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.