Abtak Media Google News

સંસદના બજેટ સત્રને ગંદા-ગોબરાં વાણી-વર્તનથી કલુષિત કરવાની બેહુદી ચેષ્ટા: ઓશોએ જાજરૂના મેલાં જેવું ગણાવેલા રાજકારણને બજેટ સત્રમાં રાષ્ટ્રના અને પ્રજાના હિતોની ચર્ચા

કરવી ઘટે, ગંદવાડ ફેલાવવાનાં દુષ્કૃત્ય નહિ જ…

Advertisement

ઓશો રજનીશે રાજકારણને માનવ સમાજની સૌથી ગંદામાં ગંદી ચીજ ગણાવી છે અને તેને જાજરૂનાં મેલાં સાથે સરખાવી છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રૂા.૪૦૦૦ કરોડના જંગી ખર્ચે ‘સ્વચ્છ ભારત’નો મંત્ર આપણા દેશની પ્રજાને આપ્યો છે. દેશમાં કયાંય કશું જ ગંદુ-ગોબરૂં ને ગંધાતું ન જ હોવું જોઈએ એવી તમન્ના સાથે તેમણે દેશની પ્રજાને આ અભિયાનની રૂપરેખા આપી હતી અને એની અનિવાર્યતાનું ચરિત્રચિત્રણ કર્યું હતુ.

અહી ભલભલાને આશ્ર્ચર્યચકિત કરે એવી એક બાબત આપણા દેશની સંસદમાં બજેટસત્રનાં ટાંકણે જ ખૂલ્લી થઈ હોવાનું જાણી શકાયું છે અને સંસદ સભ્યોનાં વાણી વર્તન એટલા બધા ગંદા-ગોબરાં હતા. કે એની બદબુ જાજરૂના મેલાથીયે બદતર હોવાનું ફલિત થયું હતું… આને લીધે સ્વચ્છ ભારતનાં અભિયાનની તથા વડાપ્રધાનની અપીલની આખું વિશ્ર્વ જૂએ એ રીતે ઠેકડી ઉડી હતી.

સંસદનું આ બજેટ-સત્ર ખાસ પ્રક્રિયા દ્વારા બોલાવાયું છે. અને તે અસાધારણ અગત્ય ધરાવે છે. એવી જાણ હોવા છતાં સંસદ સભ્યો પૈકી કેટલાકે ગૃહની ચર્ચાને અને સમગ્ર કામગીરીને રાજકારણના ગંદવાડનો બેહૂદો ‘ટચ’ આપ્યો હતો. અને સમગ્ર વાતાવરણને કલ્પનામાં ન આવે કલુષિત બનાવ્યું બનાવવાની ચેષ્ટા કરી હતી.

સંસદ સભ્યોએ એ બાબતને લેશ માત્ર ખ્યાલમાં લીધી ન હોતી કે, આપણા દેશના બંધારણમાં સંસદગૃહને સર્વોપરિ દર્શાવાઈ છે, અને એ વાતની અપેક્ષા કરવામાં તથા તેને બેઈજજત કરવામાં સમગ્ર રાષ્ટ્રનું અપમાન થાય છે અને તે દેશદ્રોહના ઓછાયામાં આવે છે…

સંસદગૃહનાં બજેટ સત્ર પાછળ આપણા દેશના જંગી નાણા ધૂમાડો થાય છે. અને મૂલ્યવાન સમયનો દૂર્વ્યય થાય છે. આ નાણાં એક ગરીબ લેખાતા દેશની પ્રજાના પરસેવાના હોવાની ટકોર અનેક વખત થઈ ચૂકી છે.

દેશની પ્રજા સાંસદોની રાજકીય પક્ષોની કે સરકારની આવી ગંદી-ગોબરી વર્તણુંકને સાંખી શકે નહિ. આવી ચેષ્ટાઓને દેશની સવા અબજ જેટલી પ્રજા સખ્ત શબ્દોમાં વખોડ્યા વિના રહી શકે નહિ.

આવી ઘટનાઓ ‘સંસદીય લોકશાહી’માંથી પ્રજાનો વિશ્ર્વાસ ગુમાવી શકે અને સરકાર-સત્તાધીશો વિરોધી પ્રચંડ વિરોધ કે વિપ્લવ સર્જી શકે… ‘અબતક’ આવી ઘટનાઓ સાથે લગીરે સંમત નથી બજેટ સત્રમાં અને કોઈપણ સત્રમાં સાંસદોએ દેશના અને પ્રજાના નિશાળ હિતમાં હોય એવી રચનાત્મક ચર્ચા જ કરવી જોઈએ અને આપણા દેશને કલંક લાગે એવા ગંદા-ગોબરાં વાણી-વર્તનથી દૂર રહેવું જોઈએ જે સાંસદો તેમનો ધર્મ ન બજાવે તે બધાને જાજરૂનાં મેલાંની જેમ નાકબંધ કરીને સંસદની બહાર ફગાવી દેવા ઘટે.

સ્વચ્છ ભારત અને સંસદમાં સુઘડ કાર્યવાહી વિના આ દેશને મહાન બનાવવાની અને દેશભાં સુવર્ણયુગ સર્જવાનું સ્વપ્ન કદાપિ સાકાર નહીં થાય અને રામરાજયનાં નિર્માણની પ્રજાની હોંશ પૂરી નહિ થાય !

આવા વાણીવર્તન આપણા દેશ માટે શોભાસ્પદ નથી જ. આપણા દેશની પ્રજાનો એક બહુ મોટો વર્ગ તેમની અસહ્ય ગરીબાઈ, બેકારી, રોજગારી, મોંઘવારી, જીવન નિર્વાહની જરૂરી ચીજોની અવાર નવાર સર્જાતી અસર અને દરિદ્રતા-કંગાલિયત, ભ્રષ્ટાચાર, બળાત્કારો, હિંસાખોરી અને અસમાનતાની વેદનાથી એટલી હદે ગળે આવી ગયો છે કે, એને મનુષ્ય-અવતાર કડવો ઝેર લાગે છે !

કવિ સમ્રાટ સુન્દરમે કોયા ભગતના સ્વાંગમાં સામાજીક કઠોરતાનું વર્ણન કરતાં એવું કહી નાખ્યું છે કે, ‘મરવા તો સજર્યા, ચાલો મરી જઈએ રે, રૂદિયાની બળતરા કોને કહીએ રે !’ ચાલો ભગવાનને કહીએ કે, હવે કયારેય મને મનુષ્ય અવતાર આપતા નહિ ! આપણા સમાજની અને દેશની બરબાદીની આ જવાળામુખી ઉપર બેઠેલા કબૂતર જેવી આપણા દેશની વર્તમાન હાલત છે.

આમ તો અભ્યાસીઓ કહે છે કે, કોઈ રાજકીય પક્ષ એવો નથી કે જેણે કયારેય પોતાના જ પક્ષને હાનિ ન પહોચાડી હોય, અને પોતાના દેશનું અકળ અકલ્પનીય અહિત ન કર્યું હોય, એ કથન ભલભલાને આશ્ર્ચર્યચકિત કરે એવું છે !

સામાન્યત: રાજકીય પક્ષો રાષ્ટ્રના તથા રાષ્ટ્રની પ્રજાનાં હિતોની રક્ષા માટે સ્થપાતો હોય છે. અને રાષ્ટ્રના વિકાસ તેમજ પ્રજાની પ્રગતિ-ઉન્નતિના ધ્યેયને સમર્પિત રહીને એ લડવાની જરૂરત વખતે નિષ્પાપ લડતો ચલાવે છે, અને સમાધાન-સમજૂતીની જરૂરત વખતે નિષ્પક્ષ-નિ:સ્વાર્થ સમાધાન-સમજૂતીઓ કરે છે. એમ કરવા માટે કયારેય પ્રાણની આહૂતિ આપવી પડે તો તે હસતે ચહેરે આપે છે.

જે દેશમાં આવા રાજકીય પક્ષો હોય અને રાષ્ટ્રધર્મના ચૂસ્ત પાલન અર્થે જરૂર પડયે તોપો-બંદૂકોની રમઝટની સામે ખૂલ્લી છાતીએ સંગ્રામ ખેલે અને જરૂર પડયે રામધૂનના અહિંસક છતાં હજારો વતનપરસ્ત નરનારીઓનાં જયઘોષ સાથે આગેકૂચ કરે એવા કેસરભીના અને પરાક્રમી પ્રજાજનોનો અવિચળ સંગાથ ધરાવતા હોય એ દેશના કપાળે વિજયતિલકો થાય, થાય, ને થાય જ એવી પ્રતીતિ આપણા દેશના ઈતિહાસે મહાત્મા ગાંધી દ્વારા કરાવી આપી છે. કોઈએ સાચુ કહ્યું છે કે, કોઈ ના વાંચી શકે, પામી શકે, માનવી તો વણઉકેલ્યો વેદ છે.

આપણા દેશના કમનશીબે અત્યારે આપણા દેશમાં આવા નખશીખ રાષ્ટ્રને સમર્પિત રાજકીય પક્ષો નથી અને મહાત્મા ગાંધી, બાળ ગંગાધર તિલક, ગોખલે, ખુદીરામ બોઝ, ભગતસિંહ, સુભાષ બોઝ, ઝાંસીની રાણી, મહારાણા પ્રતાપ-ભામાશા, છત્રપતિ શિવાજી, માતા જીજીબાઈ, અહલ્યાબાઈ, ચંદ્રશેખર આઝાદ અને ગણ્યા ગણાય નહિ એટલા રણબંકા-રણચંડીઓની જબરી ખોટ છે. દેશદાઝનો કારમો દુકાળ પ્રવર્તે છે.

આપણા એક કવિએ એક તબકકે લખેલું કે, આપણો આ દેશ સાધુસુનો થતો જાય છે. નરવીરો સૂનો, નરબંકાઓસૂનો, રણચંડીઓ સૂનો, જોગણીઓ સૂનો, જોગમાયાઓ સૂનો, જગન્નાથપુરીના રથયાત્રીઓ સૂનો, વ્યાસ-શુકદેવજી સૂનો, કૃષ્ણબંસીના બોલસૂનો, નરનારાયણીઓ સૂનો, નરસિંહ અને મીરાબાઈ સૂનો, ગંગાસતી અને અહિંસાના પુજારીઓસૂનો, દુર્ગ ગંગાઓ સૂનો ધમ્મરવલોણાઓ સૂનો, મોતીની ખેતી સુનો, દેવક્ધયાઓનાં કંદોપદ્ર સુનો અને રામાવતારના દેશકાળ પછી કયારેય માણવા નહિ મળેલા રામરાજયસુનો અને સતયુગ તથા ત્રેતાયુગ સુનો થતો રહ્યો છે.

આપણે આપણા પણું ખોઈ બેઠા છીએ ! આપણા જ ઘરમાં આપણે આપણને જડતા નથી એવો ઘાટ ઘડાઈ ચૂકયો છે.

મીરાબાઈના ઘરમાં મંદિર રહેવા આવ્યુંં હતુ, એવી કલ્પના એક ચિંતકે કરી હતી. એની ભીંતોમાં મેવાડનો ભગવો રંગ હતો! શ્રી કૃષ્ણની વિદાય બાદ આપણો દેશા જાણે પ્રાણહીન અને ચેતના વિહીન બની ગયો છે. બધું જ બદલાઈ ગયું છે. બધે જ બધું જ સૂકુ ભઠ્ઠ છે, કયાંય કશું જ લીલુંછમ નથી.

૧૯૪૭નાં ઓગષ્ટની પંદરમી તારીખે આપણા હિન્દુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામનો વિજય થયો અને બ્રિટીશ સલ્તનતના રાષ્ટ્રધ્વજ યુનિયન જેકના સ્થાને આપણા દેશને રાષ્ટ્રધ્વજ લહેરાયો. તો પણ રામરાજય સર્જાયું નથી. અને આ દેશની કારમી ગરીબાઈ તેમજ બેકારી-બેરોજગારી અને કંગાલિયત લગીરે હટાવી શકાયા નથી. માનવી તો વણઉકેલ્યો વેદ છે’ એવી ટકોર અત્યારે આપણો દેશ વેઠી રહ્યો છે કે, ‘કોઈના વાંચી શકે, પામી શકે, માનવી તો અણ ઉકેલ્યો વેદ છે.

માનવીને ઉકેલવો અનિવાર્ય છે. માનવીને વાંચવો પણ જરૂરી છે. માનવીને પામવો પણ જરૂરી છે. આપણા દેશનું તંત્ર ભગવાન ચલાવવા માગે છે, એટલે જ તે ચાલી રહ્યું છે. જો આપણી આ પેઢીના ‘શ્રોફ’ ભગવાન ન હોત તો એ કયારનીયે કાચી પડી ગઈ હોત, એમ ‘સ્વાધ્યાય પરિવાર’ના પ્રણેતા શ્રી પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું હતુ એ ભૂલવા જેવું નથી.

થોડા વધુ ઉંડા ઉતરીને પૃથ્થકરણ કરીએ તો એવું (સનાતન સત્ય જેવું) ‘ઈસેન્સ’ (સારાંશ) બહાર આવે છે કે, ‘કોઈ રાજકીય પક્ષ એવો નથી કે જેણે કયારેક પણ પોતાના દેશને અને પોતાના જ રાજકીય પક્ષને કોઈને કોઈ પ્રકારની હાનિ ન પહોચાડી હોય અને કોઈને કોઈ પ્રકારનું દેશના હિતનું અકળ તથા અકલ્પનીય અહિત ન કર્યું હોય !

આવું રાજકારણ દેશદ્રોહી જેટલી હીનતા પ્રતિ ધકેલે જ છે. આપણા રાજકીય ક્ષેત્રે અને રાજકારણીઓ-રાજકર્તાઓએ દેશને જુદા જુદા સ્વરૂપે લૂંટવામાં કાંઈ બાકી રાખ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.