Abtak Media Google News

કોરોનાની ગતિ મંદ જરૂર પડી છે પણ હજુ સંપૂર્ણપણે ગયો નથી. કોરોનાને ભગાડી મહામારીમાંથી મુક્ત થવા વિશ્વ આખું પ્રયાસ કરી રહ્યું છે. આ માટે હજુ દવાઓની શોધખોળ ચાલુ ત્યારે ગુજરાત પણ આમાં જુટાયું છે. કોરોના સામેની દવા કોવાક્સિનના ઉત્પાદન માટે ભારત બાયોટેક અને ગુજરાત કોવિડ વેક્સીન કન્સોર્ટિયમ (જીસીવીસી) વચ્ચે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ અંગે માહિતી આપતા હેસ્ટર બાયોસાયન્સે જણાવ્યું છે કે દવાના ઉત્પાદનના કરાર માટે રસી નિર્માતા ભારત બાયોટેક અને જીસીવીસી વચ્ચે કરાર થયા છે. આ દવાને બનાવવામાં ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી), હેસ્ટર બાયોસાયન્સિસ અને ઓમ્નિબ્રેક્સ બાયોટેકનોલોજીસ પ્રા.લિ.નો સમાવેશ થાય છે.

એમઓયુ મુજબ, ભારત બાયોટેક કોવાક્સિન માટે ડ્રગ ઉત્પાદન માટે તકનીક પ્રદાન કરશે અને જીબીઆરસી સલાહકાર અને માર્ગદર્શક તરીકે કામ કરશે અને ભારત બાયોટેકથી ટેકનોલોજી સ્થાનાંતરણની સુવિધા આપશે. જ્યારે હેસ્ટર દવાના પદાર્થના ઉત્પાદન માટે ગુજરાત પ્લાન્ટમાં સંપૂર્ણ માળખાગત સુવિધા પૂરી પાડશે અને ઓમ્નીબ્રેક્સ ટેક્નોલોજી સાથે સપોર્ટ પાર્ટનર તરીકે કામ કરશે.

કંપનીઓના જણાવ્યા અનુસાર, જો બધા સમયપત્રક પ્રમાણે ચાલે છે, તો આ દવા ઓગસ્ટ માસ સુધીમા ઉપલબ્ધ થઈ જશે. હેસ્ટરએ આ પ્રોજેક્ટ માટે રૂ. 40 કરોડના ખર્ચનો અંદાજ લગાવ્યો છે. બાયોટેકનોલોજી વિભાગ દ્વારા સમગ્ર પ્રક્રિયાની સુવિધા આપવામાં આવી છે. જણાવી દઈએ કે કોવિડ-19 રસી અને ડાયગ્નોસ્ટિક્સ વિકસાવવા માટે જીબીઆરસીએ ગયા વર્ષે હેસ્ટર બાયોસાયન્સ, સુપરટેક લેબોરેટરી અને વેકરીઆ હેલ્થકેર એલએલપી એમ ત્રણ કંપનીઓ સાથે એમઓયુ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.