Abtak Media Google News

સંગ્રહખોરીની અનૈતિક પ્રવૃતિથી નફાખોટીના કારણે પ્લાસ્ટીકના કાચામાલના બજારમા ગભરાટ: રેઝિન મેન્યુફેકચરર્સની રજૂઆત

લોકડાઉનમાંથી ભારત ધીરેધીરે બહાર આવી રહ્યું છે ત્યારે કેટલાક વેપારીઓએ પ્લાસ્ટિકના વિવિધ કાચમાલની સંગ્રહખોરી ચાલુ કરી દીધી છે અને રેઝિન મેન્યુફેક્ચરર્સ દ્વારા યાદીમાં નિર્ધારિત કરાયેલા ભાવ કરતાં વધારે કિંમતમાં નાના પ્રોસેસર્સને વેચાણ કરીને નફાખોરી કરી રહ્યા છે.

Advertisement

એપીસી પોલીમર્સ પ્રાઇવેટ લિમિટેડના એસ. દાંડેકરે જણાવ્યું હતું કે, પીપીસી, પોલિઇથેલિન  અને પોલિપ્રોપેલિન  તથા એબીએસ જેવા પ્લાસ્ટિકનો કાચો માલ કેટલાક મોટા, મધ્યમ કદના પ્લાસ્ટિક વેપારીઓ અને કેટલાક પ્રોસેસર્સમાંથી રિસેલર બનેલા વેપારીઓ ઓપન માર્કેટમાં ઊંચા ભાવે વેચી રહ્યા છે. તેમણે અપનાવેલી અનૈતિક પદ્ધતિને કારણે પ્લાસ્ટિકના કાચામાલના બજારમાં ગભરાટ ફેલાયો છે, તેના કારણે પ્લાસ્ટિકના કાચામાલનો બજાર ભાવ રેઝિન મેન્યુફેક્ચરર્સ દ્વારા જાહેર કરાયેલા ભાવ કરતાં ઊંચા જોવાઈ રહ્યા છે.

બજારની સ્થિતિ વર્ણવતાં  દાંડેકરે જણાવ્યું હતું કે, પીવીસી વિવિધ ગ્રેડમાં રૂ.૧૫-૨૫ પ્રતિ કિલોગ્રામ પ્રીમિયમ લઈને વેચાય છે, પીઇ રૂ.૪ પ્રતિકિલો અને પીપી રૂ. ૪ પ્રતિકિલો પ્રીમિયમ લઈને વેચવામાં આવી રહ્યા છે. જ્યારે ઉત્પાદનકર્તા દ્વારા જારી કરાયેલા ભાવ મુજબ પીપીપી રૂ. ૧૦૮ પ્રતિ કિલો, પીઇ રૂ. ૮૭-૧૦૮ પ્રતિકિલો અને પીઇ રૂ.૯૬-૯૭ પ્રતિકિલો વેચવાનું હોય છે.

સંગ્રહ અને નફાખોરીની મોડેસ ઓપરેન્ડી એવી છે કે, આ વેપારીઓ અને પ્રોસેસર્સ સ્થાનિક અને વિદેશના રેઝિન ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં ખરીદી કરી મોટા વોલ્યૂમનું ડિસ્કાઉન્ટ મેળવીને માલ એકત્ર કરી રહ્યા છે અને પ્રોસેસર્સને ઊંચા ભાવે વેચાણ કરી રહ્યા છે. કેટલાક પ્રોસેસર્સ આ કાચામાલને ફાઇનલ પ્રોડક્ટમાં પરિવર્તિત કરવાની પ્રોસેસ કરતાં જ નથી. તેના બદલે તેઓ અન્ય પ્રોસેસર્સને ઊંચું પ્રીમિયમ લઈને કાચો માલ વેચી રહ્યા છે, આમ તેઓ કોઈપણ પ્રકારની પ્લાસ્ટિક પ્રોડક્ટનું ઉત્પાદન કર્યા વગર અનૈતિક રીતે નફાખોરી કરી રહ્યા છે. આ સ્થિતિના કારણે બજારમાં પ્લાસ્ટિકના કાચામાલની કૃત્રિમ અછત સર્જાય છે અને ભાવ ઊંચકાય છે, તે ઉપરાંત પ્રમાણિક અને ભરોસાપાત્ર પ્રોસેસર્સ મુશ્કેલીમાં મુકાય છે.

સરકાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ગગડવાના પગલે ગગડેલા પ્લાસ્ટિકના કાચા માલના ભાવ કોવિડ-૧૯ કટોકટી દરમિયાન સાવ તળિયે બેસી ગયા હતા, જે છેલ્લા કેટલાક મહિનાઓથી રિકવર થઈ રહ્યા છે. સ્થાનિક કિંમતો પણ મહદઅંશે આયાતી માલની કિંમતોની દિશામાં જ જાય છે, પરંતુ ભારતીય પોલીમર્સ ઉત્પાદકોએ સ્થિર થઈ ગયેલી માંગ અને દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કિંમતો પર નોંધપાત્ર નિયંત્રણ રાખ્યું છે.

તેનાથી તદ્દન વિપરિત, કેટલાક વેપારીઓ અને પ્રોસેસર્સ કાચામાલની સંગ્રહખોરી કરીને ભાવ ઊંચકે છે અને મુક્ત બજારમાં તગડો નફો રળવા માટે ઊંચા ભાવે વેચાણ કરી રહ્યા છે. તેમની અનૈતિક કરતૂત છૂપાવવા માટે તેઓ ઊંચા ભાવ માટે રેઝિન ઉત્પાદકોને જવાબદાર ગણાવી રહ્યા છે. લોકડાઉન બાદ અર્થતંત્ર ખૂલતાં રેઝિનનું ઉત્પાદન નિયમિત બન્યું છે. જોકે, સ્થાનિક બજારમાં તાત્કાલિક માગના અભાવે શરૂઆતમાં પ્લાન્ટ્સ ચાલુ રહે તે માટે નિકાસ પર વધુ ધ્યાન આપ્યું હતું. જેમ જેમ પ્રોસેસિંગ સેક્ટરની ગતિવિધિ ધીરેધીરે વધતાં સ્થાનિક પ્રોસેસર્સને પુરવઠો પૂર્વવર્ત કરી દેવામાં આવ્યો છે.

લોકડાઉનના કારણે સ્થાનિક માગ શરૂઆતમાં નીચી રહેતાં આયાત પણ ઘટી ગઈ હતી, સમગ્ર વર્ષ દરમિયાન ભારતીય ઉત્પાદકો દ્વારા સ્પર્ધાત્મક કિંમત નિર્ધારણ કરવામાં આવતાં આયાત વધુ ઘટી હતી. વેસ્ટલેક, ફોર્મોસા અમેરિકા અને યુરોપના ત્રણ પ્લાન્ટ્સ દ્વારા ફરજિયાતપણે જાહેર કરાયેલા પગલાંના કારણે વૈશ્વિક સ્તરે પીવીસીની ઉપલબ્ધતામાં ખેંચતાણ અનુભવાઈ હતી. બ્રાઝિલ અને તુર્કી જેવા આયાત આધારિત દેશોમાં ભારત કરતાં કિંમતો વધુ રહી હતી. પાછળથી સમગ્ર એશિયામાં ક્નટેનર અને જહાજોની અછતના કારણે પણ આયાતમાં ઘટાડો જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.