Abtak Media Google News

ઘર-ઘરના આંગણામાં રંગોળી પુરાશે, આસોપાલવના તોરણ બંધાશે, દિવડાંઓના ઝગમગાટથી ચોતરફ અજવાળા પથરાશે; આકાશ રાત્રે આતશબાજીથી રંગબેરંગી બની જશે

બજારોમાં ખરીદીની રોનક, નાના-મોટા શહેરો, ગામડાઓમાં રોશનીનો ઝગમગાટ

 

અબતક, રાજકોટ

સોમવારે રમાએકાદશી સાથે દિપાવલી સાપ્તાહિક પર્વનો મંગલમય શુભારંભ થશે. ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક તહેવારોનું આગવું સ્થાન છે. તેમાં પણ દિવાળીએ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. દિવાળી દરેક વ્યક્તિના જીવનમાં એક નવી આશાનું કિરણ લઈને આવે છે. દીપાવલી દરેકના ઉરમાં ઉમંગ ભરી દે છે. કારણ કે, દિવાળીના તહેવારો નજીક આવતા બજારોમાં ખરીદી નિકળે છે. દરેક ધંધામાં તેજી જોવા મળે છે તો નોકરીયાત વર્ગ પણ બોનસ મેળવી આનંદની અનુભુતિ કરે છે.

પાંચ દિવસના પર્વમાં ધનતેરસ, કાળીચૌદશ, દીપાવલી, નૂતન વર્ષ અને ભાઈબીજને લોકો આનંદ-ઉમંગથી ઉજવે છે. હવે વિક્રમ સંવત 2078નો આરંભ થશે. દીપોત્સવીએ પ્રકાશનો, લક્ષ્મીના સ્વાગત અને આશિર્વાદ પ્રાપ્તિનો અવસર છે. દરેક શહેર-ગામડાઓ રોશનીથી ઝળહળી ઉઠશે. અને આકાશ રાત્રે આતશબાજીથી રંગબેરંગી બની જશે. ઘર-ઘરના આંગણામાં રંગોળી પુરાશે, આસોપાલવના તોરણ બંધાશે અને દિવડાઓના ઝગમગાટથી ચોતરફ અજવાળા પથરાશે. બાળકો, યુવાનો ફટાકડા ફોડી બેવડો આનંદ અનુભવશે.

ધનતેરસ: ખરીદી અને તેમાં પણ ખાસ કરીને સોના-ચાંદીના આભુષણો ખરીદવા લોકો ધનતેરસની રાહ જોઈને બેઠા હોય છે. ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદીમાં મોટાપાયે વધારો દર વર્ષે જોવા મળે છે. સોનું ગમે તેટલું મોંઘુ થાય પરંતુ શ્રદ્ધાળુઓ શુકન સાચવવા સોનાની જીણામાં જીણી ખરીદી ધનતેરસે કરી અને ધન્યતા અનુભવે છે. ધનતેરસે માતા લક્ષ્મીજીનું ઘરઆંગણે આગમન થાય છે તેવી પણ એક માન્યતા છે.

કાળી ચૌદસ: કાળી ચૌદસને રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે મોટાભાગની જ્ઞાતિઓમાં માતાજી સુર્ધન, સુરાપુરા વગેરેના નૈવેદ્યનું મહત્વ રહ્યું છે. જ્યારે તાંત્રીકો માટે કાળી ચૌદસ એક અનેરો અવસર લઈને આવે છે. આ દિવસે તાંત્રીકો સિદ્ધિ પ્રાપ્ત કરવા કાળભૈરવનું પૂજન-અર્ચન અને તે પણ મોડી રાત સુધી કરી અને ધન્યતા અનુભવે છે. એક માન્યતા એવી પણ છે કે, ઘણા સિદ્ધ યોગીઓ કાળી ચૌદસની રાત્રે સ્મશાનમાં સાધના કરવા જતાં હોય છે.

દીપાવલી: પ્રકાશનું પર્વ એટલે દિવાળી. ખરી રીતે જોઈએ તો આપણામાં રહેલા કામ, ક્રોધ, મોહ, લોભ, મદ વગેરે રૂપી અંધકારને દૂર કરી પ્રકાશ પાથરવાનો અમૂલ્ય અવસર પણ માનવામાં આવે છે. દિવાળી પર્વ હિન્દુ ધર્મનો મોટો તહેવાર ગણાય છે. વિક્રમ સંવત વર્ષ પ્રમાણે દિવાળીએ આ વર્ષનો અંતિમ દિવસ કહેવાય ત્યારે વેપારીઓ નવા વર્ષના હિસાબ-કિતાબ માટેના ચોપડાઓનું પૂજન કરી ધંધામાં બરકત મળે તેવી માં લક્ષ્મીને પ્રાર્થના કરે છે.

નૂતનવર્ષ:-

વિક્રમ સંવત વર્ષનો પ્રથમ દિવસ એટલે નૂતનવર્ષ. જે જેમાં ગત્ વર્ષ દરમિયાન કરેલાં કાર્યોને યાદ કરી કોઇપણ વ્યક્તિના હૃદ્યને મન, વચન કે કર્મથી દુ:ખ પહોંચાડવામાં સહભાગી થયાં હોય તો આ દિવસે ક્ષમાપના સાથે નવા વર્ષની શુભકામના પાઠવવાનો હિન્દુ ધર્મનો આ અણમોલ અવસર છે.

ભાઇબીજ:-

ભાઇ અને બહેનના પ્રેમની અનેક ગાથાઓ કવિઓ દ્વારા લખાય છે અને લોકો દ્વારા રજૂ થાય છે. એમ કહેવાય છે કે પરમ કૃપાળુ પરમાત્માએ ભાઇ અને બહેનના પ્રેમને ઘડી અને જાણે કે હાથ ધોઇ નાખ્યા હોય તેવો આ ભાઇ-બહેનનો પ્રેમ અનેક ગ્ંરથોમાં જાણે કે અમર થઇ ગયો છે. આ દિવસે બહેન, ભાઇને પોતાના આંગણે જમાડી અને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે ત્યારે ભાઇ આજીવન બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. જો કે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઇએ તો ભગવાન મૃત્યુના દેવ યમરાજા અને યમુનાજીના ભાઇ-બહેનનો પ્રેમ અતિ પ્રચલિત છે. બહેન યમુનાજીએ યમરાજાને જમવાનું આમંત્રણ આપ્યું, યમરાજાએ ભોજન ગ્રહણ કર્યા બાદ બહેનને આશિર્વાદ આપ્યા કે તારા જળમાં આ દિવસે જે સ્નાન કરશે તેને વૈકુંઠ પ્રાપ્ત થશે. એ જ આ દિવસ એટલે ભાઇબીજ.

 

ભગવાન શ્રીરામના વખતથી રમા એકાદશીથી રંગોળી કરવાનું મહાત્મ્ય

આસોવદ અગીયારસ તા. 1-11-21 ના દિવસે રમા એકાદશી અને વાઘ બારસનો તહેવાર મનાવાશે અને દિપાવલીના મહાપર્વની શરૂઆત થશે.

આ વર્ષે ચૌદશ તિથિનો ક્ષય હોતા તેની અસર સ્વરૂપે સોમવારે રમા એકાદશી અને વાઘ બારશ ભેગા મનાવાશે.

રમા એકાદશીનું વ્રત કરવાથી એકાદશીના નામ મુજબ લક્ષ્મી, ધન અને સુખવૈભવની પ્રાપ્તિ થાય છે. રમા એકાદશીના દિવસે અયોઘ્યાવાસીઓને શ્રીરામ ભગવાનના આવવાના સમાચાર મળેલા આથી આ દિવસથી રંગોળી કરવાની શરુઆત થયેલી આમ એક માન્યતા પ્રમાણે રામ ભગવાનના વખતથી રમા એકાદશીના દિવસથી રંગોળી કરવામાં આવે છે.

આ સાથે સોમવારે જ વાઘ બારસ મનાવાશે. આથી આ દિવસે ગાયની પુજા કરવાનું અને ગાયને શણગારવાનું મહત્વ છે. અને ગાયને ઘાસ નાખવું ગાયની પ્રદક્ષિણા ફરવી ઉતર ગણાય છે.

આ દિવસે વાઘ બારસનો તહેવાર હોવાથી સવારનો નિત્ય કર્મ કરી બાજોઠ પર સફેદ વસ્ત્ર પાથરી તેના પર ચોખાની ઢગલી કરી અને શ્રીકૃષ્ણ ભગવાનની છબી પધરાવી સોપારીમાં રૂક્ષ્મણીજીનું આવાહન કરી પધરાવવા.

ભગવાનને ચાંદલો ચોખા કરી ફુલ ચડાવી મીઠું નૈવૈદ્ય અર્પણ કરી આરતી ઉતારવી આમ આ વાઘ બારસના દિવસે પતિ-પત્ની બન્નેએ સાથે પુજા કરવી,

આનાથી દામ્યત્ય જીવનમાં મીઠાશ આવે છે. શ્રીકૃષ્ણ ભગવાનના જન્મ દિવસ પછી આજ દિવસે યશોદા માતાએ ભગવાનને ગાયના દર્શન કરાવેલા.

આ દિવસે કોઇપણ મહિલા પોતાના પુત્ર પરિવારની સુખ શાંતિ માટે ઉપવાસી અથવા તો એકટાણુ રહી શકે છે તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદિપ જોષીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.