Abtak Media Google News

હાઇકોર્ટમાં બન્ને ક્લાર્ક દ્વારા જામીન ઉપર છૂટવા અરજી કરાતા પીડિતોના વકીલનો વિસ્ફોટક આરોપ

મોરબીની ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં હાલમાં જેલવાસ ભોગવી રહેલા બે ટિકિટ ક્લાર્ક દ્વારા હાઇકોર્ટમાં જામીન ઉપર છૂટવા અરજી કરતા પીડિતોના વકીલે બન્ને ટિકિટ ક્લાર્ક ટિકિટના કાળા બજારી કરી ભારે ભીડ ઝૂલતા પુલ ઉપર એકત્રિત થવા દીધી હોવાનો આરોપ લગાવી જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

અહેવાલ મુજબ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં હાલમાં જેલમાં રહેલા બુકિંગ ક્લાર્ક મહાદેવ સોલંકી અને મનસુખ ટોપિયાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન એજી કરતા પીડિતોના વકીલે  બુધવારે જામીન અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે આરોપીઓ ટિકિટનું બ્લેક માર્કેટિંગ કરતા હતા અને પુલ ઉપર ભીડ થવા દીધી હતી.

નોંધનીય છે કે, 30 ઓક્ટોબર, 2022ના રોજ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો તે સમયે, બ્રિજ પર 300 થી વધુ લોકો હતા જેમાંથી 135 લોકોએ મચ્છુ નદીમાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યા હતા. આ કેસમાં પોલીસે બે બુકિંગ ક્લાર્ક – મહાદેવ સોલંકી અને મનસુખ ટોપિયા સહિત 10 લોકોની ધરપકડ કરી હતી.

દરમિયાન હાઈકોર્ટે ત્રણ સિક્યોરિટી ગાર્ડને જામીન આપ્યા બાદ બન્ને ક્લાર્ક દ્વારા પોતે નિર્દોષ હોવાનો દાવો કરીને જામીન અરજી કરી હતી જેમાં તેમના વકીલ બીબી નાઈકે રજૂઆત કરી હતી કે કોઈ ચોક્કસ સમયે ઝૂલતા પુલ ઉપર કેટલા લોકોને જવા દેવા મંજૂરી આપી શકાય તે અંગે કોઈ સત્તા તરફથી તેમને કોઈ સૂચના આપવામાં આવી ન હતી.

જસ્ટિસ સમીર દવે સમક્ષ આ કેસ સુનાવણી માટે આવ્યો ત્યારે, એડવોકેટ રાહુલ શર્મા દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના સંબંધીઓ વતી કોર્ટમાં હાજર થયા હતા અને રજૂઆત કરી કે બુકિંગ ક્લાર્ક ટિકિટના કાળા બજાર કરતા હતા, જેના કારણે ઝૂલતા પુલ ઉપર ઓવર ક્રાઉડ થતા આ દુર્ઘટના ઘટી હતી. આ જામીન અરજીની સુનાવણીમાં કોર્ટે રાજ્ય સરકારને નોટિસ જારી કરી અને અરજદારોને તેમની જામીન અરજીઓની નકલો પીડિતાના એડવોકેટ્સ શર્મા અને ઉત્કર્ષ દવેને પહોંચાડવા આદેશ કરી આગામી 9 જૂને વધુ સુનાવણી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.