Abtak Media Google News

નમ્રમુનિ મ.સા.ના સાનિઘ્યમાં ઉજવાતું આયંબિલ ઓળી પર્વ

પ્રભુના ધર્મની પ્રભાવના કરીને હજારો ભાવિકોને સત્યની દિશા તરફ દોરી જઇ રહેલા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિઘ્યે વર્ધમાન સ્થા. જૈન સંઘ-હિંગવાલા લેન-ઘાટકોપરના આંગણે ચાલી રહેલા આયંબિલ ઓળીના પર્વ નિમિત્તે અનેક ભાવિકો સત્યનો બોધ પામીને ધન્ય બની રહ્યા છે.

Advertisement

રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ ઠાણા-૪ એવમ વિરલપ્રજ્ઞા વીરમતીબાઇ મ. આદિ સતીવૃંદના સાનિઘ્યે તપ સાધના, ઘ્યાન સાધના, જ્ઞાન સાધના અને ભક્તિભાવ સાથે થઇ રહેલી આરાધનાના અનેરા માહોલ વચ્ચે પર્વના પ્રથમ દિવસે ભાવિકોએ ૫૫૫ આયંબિલ તપની આરાધના કરીને પર્વનું મંગલ સ્વાગત કર્યુ હતું.

આ અવસરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને પ્રભુ પ્રત્યેના અહોભાવની અભિવ્યક્તિ સ્વ‚પ ભાવભીની અરિહંત વંદનાવલી કરાવવામાં આવી હતી. પરમ પવિત્રા મ.ના શ્રીમુખેથી અરિહંત પ્રભુના ગુણો પર પ્રકાશ પાડીને આર્ટ ઓફ લીવીંગની સુંદર સમજણ આપવામાં આવતા સહુ ભાવવિભોર બનીને અહોભાવિત થયા હતા.

નાના બાળકોમાં નાનપણથી જ ધર્મભાવના જાગૃત કરવા અને સંત જીવનશૈલીની અનુભૂતિ કરાવવા રાષ્ટ્રસંતની પ્રેરણાથી દસમા વ્રતની આરાધનાનું આયોજન પણ પ્રથમ દિવસે કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત ૬૦ થી પણ વધારે બાળકોએ શ્ર્વેત વસ્ત્ર પરિધાન કરીને, હાથમાં ઝોળી અને પાત્રા લઇને ઘરે ઘરે જઇને ભિક્ષાચારી કરી હતી. દિવસ આખો સાધુજીવનશૈલીમાં વ્યતીત કર્યા બાદ સંઘ્યા સમયે પ્રભુ ભક્તિ કરીને પ્રસન્નતાથી વ્રતની પૂર્ણાહૂતિ કરી હતી.

પર્વના દ્વિતીય દિવસનો બોધ આપતા રાષ્ટ્રસંતએ સમજાવ્યું હતું કે, આપણા પરમ ઉપકારી એવા પ્રભુના જો આપણે ખરા અર્થમાં અંશ બનવુ હોય તો શરીરની અનુકૂળતા કે પ્રતિકૂળતાને પ્રાધાન્ય ન આપતા જિનશાસનની સેવાને પ્રથમ પ્રાધાન્ય આપવું જોઇએ. શરીર તો કદાચ વારંવાર મળી શકશે પરંતુ શાસન કદાચ મળશે કે નહીં તે નક્કી નથી. જેના હાર્ટમાં જિનશાસન પ્રત્યેનો પ્રેમ ધબકતો હોય એ જિનશાસનના રખેવાળ બનીને સેવા બનાવતા હોય. એના તન-મન અને ધન બધુ જ શાસન સેવા માટે સમર્પિત હોય.

પર્વના આ દિવસો દરમ્યાન સંત-સતીજીઓના સાનિઘ્યે સાધના-આરાધના કરવાના અવસર સાથે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ તેમજ સિઘ્ધશીલાની ભાવયાત્રા જેવા ભવ્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આત્માનું હિત કરાવી દેનારા આ કાર્યક્રમોમાં સહભાગી બનીને આ પર્વને સાર્થક કરવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.