Abtak Media Google News

ભ્રષ્ટાચારના ભોરીંગ ભરડાને નાથવા માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા શરુ કરવામાં આવેલી ઝુંબેશમાં જી.એસ.ટી. ના બે અધિકારી વચેટીયા મારફત રૂ. 3.50 લાખની લાંચ લેતા છટકામાં આબાદ સપડાય ગયા બાદ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ બે અધિકારી સહીત ત્રણેયની ધરપકડ કરી મોડીરાત્રે લાંચીયા અધિકારીના નિવાસ સ્થાનો પર દરોડા પાડી જડપી કરવામાં આવી હતી. જયારે આજે બપોરે બાદ ત્રણેય લાંચીયા અધિકારીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

3.50 લાખની લાંચ લેતા પકડાયેલા જી.એસ.ટી.ના અધિકારી કનારાના ઘરમાંથી સાત લાખ મળ્યા

વર્ગ-ર ના અધિકારી અજય મહેતા અને નિવૃત્ત ઇન્સ્પેકટરના ઘરમાં પણ સર્ચ કરવામાં આવ્યું : આજે સાંજે ત્રણેય લાંચીયાને રિમાન્ડ સાથે કોર્ટમાં રજુ કરાશે

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટા હિન્દ મોઝેક ટાઇલ્સના નામે વેપાર કરતા વેપારીએ રાજકોટ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બહુમાળી ભવન ખાતે આવેલ જી.એસ.ટી. ના વર્ગ-ર ના અધિકારી વિક્રમ દેવરખીભાઇ કનારા, વર્ગ-3 ના અધિકારી અજય શિવશંકર મહેતા અને વચેટીયો મનસુખલાલ બચુભાઇ હીરપરાનું નામ આપ્યું છે.

ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તા.ર0 જુલાઇના વેપારીના લોખંડ ભરેલા બે ટ્રક આવી રહ્યા હોય બામણબોર જી.આઇ.ડી.સી. પાસે જી.એસ.ટી.ના અધિકારી વિક્રમ કનારા અને અજય મહેતાએ બન્ને ટ્રક રોકી હતી અને લોખંડના માલના બીલ મંગાયા હતા જે ટ્રક ચાલક દ્વારા રજુ કરતા બીલ અને ઇ-વે બીલ ખોટા હોવાનું જણાવી બન્ને અધિકારીઓએ જીએસટીની કલમ હેઠળ બન્ને ટ્રક ડીટેઇન કરવાનું કહી રૂ. 8 લાખની લાંચ માંગી હતી.

જી.એસ.ટી.ના અધિકારીઓએ ટ્રક રોકી હોવાની જાણ થતા ફરીયાદી વેપારી અને તેના ભાગીદારે બન્ને અધિકારીનો સંપર્ક કરી બીલ અને ઇ-વે બીલ સાચા હોવાનું જણાવ્યું હતું પરંતુ લાંચીયા અધિકારીઓ તોડ કરવાના મુડમાં હોય બન્ને ટ્રક ડીટેઇન કરવાનું કહી લાંચની રકમની માંગણી ચાલુ રાખી હતી જે બાબતે  નિવૃત જી.એસ.ટી. ઇન્સ્પેકટર મનસુખલાલ હીરપરા સાથે વાતચીત કરવા કહ્યું હતું.લાંબી રકઝક બાદ 4 લાખમાં નિવૃત ઇન્સ્પેકટર મનસુખલાલ હીરપરાએ શેટીંગ કરાવવાનું કહી તે સમયે પ0 હજાર મેળવી લીધા હતા અને બન્ને ટ્રક જવા દીધા બાદ બાકીના રૂપિયા 3.50 લાખની જી.એસ.ટી. ના અધિકારીઓના કહેવાથી નિવૃત ઇન્સ્પેકટર વેપારી પાસે સતત ઉઘરાણી કરતો હોય જે રકમ વેપારી આપવા માંગતા ન હોય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના ડી.વાય.એસ.પી. એ.પી. જાડેજાને ફરીયાદ કરી હતી.

જેના આધારે છટકુ ગોઠવવામાં આવ્યું હતું જેમાં મંગળવારે સાંજે ભુતખાના ચોકમાં વેપારી પાસેથી રૂ. 3.50 લાખની લાંચ લેતા જી.એસ.ટી.ના નિવૃત અધિકારી મનસુખલાલ હીરપરાને રંગે હાથ ઝડપી લીધા બાદ વર્ગ-રના અધિકારી વિક્રમ કનારા અને વર્ગ-3 ના અધિકારી અજય મહેતાની ધરપકડ કરવામાં આવી હતી.

આ કામગીરી એ.સી.વી.ના ડી.વાય.એસ.પી. એ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. એમ.એમ. ચટપૈયા, પી.આઇ. ડી.વી. રાણા સીહતના સ્ટાફે કરી હતી.

લાંચ લેતા પકડાયેલા જી.એસ.ટી.ના વર્ગ-ર ના અધિકારી વિક્રમ કનારાના યુનિ. રોડ આકાશવાણી ચોક ખાતે આવેલ ગર્વમેન્ટ કોલોનીના રહેઠાણ પર એ.સી.વી. ની ટીમે દરોડો પાડી ચર્ચ કરતા ઘરમાંથી સાત લાખની રોકડ રકમ મળી આવી હતી. જે જપ્ત કરી આ રકમ કયાંથી આવી તે અંગે તપાસ શરુ કરી છે.

આ ઉપરાંત જી.એસ.ટી. વર્ગ-ર ના અધિકારી અજય મહેતાનું નાનામવા રોડ શાસ્ત્રીનગરમાં રહેઠાણ પર દરોડો પાડયો હતો. જયારે નિવૃત ઇન્સ્પેકટર મનસુખલાલ હીરપરાના કોઠારીયા રોડ ઇશ્ર્વર પાર્કના આવલ રહેઠાણ પર સર્ચ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.