Abtak Media Google News

વન વિભાગ એક તરફ વાવાઝોડા વખતે સિંહ સહિતના વન્ય પ્રાણીઓ સલામત હોવાનો અને વનવિભાગ તેના પર સતત નજર રાખી રહ્યું હોવાનો દાવો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ વિસાવદરના વેકરિયા ગામે 1 સિંહણ અને 4 કાળિયારના મૃતદેહ મળી આવતા વન વિભાગના તમામ દાવા પોકળ સાબિત થયા છે. અને પોતાની બેદરકારી કે આળશ છુપાવવા રાતોરાત સિંહણ સહિતના વન્ય પ્રાણીઓનો નિકાલ પણ કરી નાખવામાં આવ્યો હતો.

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના વેકરિયા ગામે વાવાઝોડા અને પૂરના કારણે એક સિંહણ સહિત અનેક વન્ય પ્રાણીઓના પૂરમાં તણાય આવવાથી મોત નીપજ્યા હતા અને વન વિભાગે રાતોરાત મરણ ગયેલ સિંહણ સહિતના પ્રાણીઓના મૃતદેહોનો નિકાલ કરી નાખ્યો હોવાનો ગામના સરપંચના પતિ સહિતનાઓએ આક્ષેપ કર્યા હતા. તેમના આક્ષેપ અનુસાર ગામના તળાવમાં હરણ, નીલગાય, રોજ, ચિકારા, કાળિયાર જેવા ઘણા વન્ય પ્રાણીઓ મૃત હાલતમાં જોવા મળ્યા હતા.

વિસાવદર ગામના સરપંચના પતિના આક્ષેપ બાદ વિસાવદરના વન વિભાગના અધિકારીઓનો અબ તક દ્વારા  સંપર્ક કરવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ અધિકારીઓના સંપર્ક ન થતાં આ બાબતે ગઈકાલે સત્તાવાર માહિતી મળતી ન હતી, દરમિયાન ગત મોડી રાત્રીના વન્યપ્રાણી વર્તુળ જૂનાગઢ વિભાગના વન સંરક્ષક ડી.ટી. વસાવડા દ્વારા આ બાબતે સત્તાવાર જણાવવામાં આવ્યું હતું કે, વેકરીયા પાસેથી એક  5 થી 9 વર્ષીય સિંહણનો મૃતદેહ મળી આવેલ છે અને ચાર જેટલા કાળિયારના મૃતદેહ પણ મળેલા છે. ત્યારેે વેકરીયાગામના લોકો દ્વારા થયેલા આક્ષેપો ને સમર્થન મળ્યું છે. અન ક્યાંક ને ક્યાંક વનવિભાગની પોલંપોલ કે હોતી હૈૈૈ ચલતે હૈ ની નીતિ જગ જાહેર થવાા પાામી છે.

વનવિભાગની આખોલ છતી કરતી બાબત અંગે વેકરીયા ગામના સરપંચના પતિ તથા ગામ લોકોની વાત માનીએ તો, વન વિભાગનો સ્ટાફ કોઈ લોકોને તળાવ તરફ જવા દેતો ન હતો અને કોઈ મોબાઇલમાં કે અન્ય રીતે ફોટોગ્રાફી ન કરી શકે તે માટે તળાવ ફરતે વન વિભાગનો સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો હતો. બાદમાં સિંહણ સહિતના અન્ય વન પ્રાણીઓના મૃતદેહોનો 20 તારીખે રાત્રિના જ નિકાલ કરી દીધો હતો.

નોંધનીય બાબત એ કે, વન્યપ્રાણી વર્તુળ જૂનાગઢ વિભાગના વન સંરક્ષક ડી.ટી. વસાવડા દ્વારા ગત તા. 20 ના રોજ માહિતી ખાતા દ્વારા એક રદિયો આપવામાં આવ્યો હતો અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ગીર અને બૃહદ ગીર વિસ્તારમાં અને દરિયાકાંઠે વસતા સિંહોની સલામતી માટે સત્વરે પગલાં લેવામાં આવેલ હતા અને સિંહોની સતત અને ખાસ મોનીટરીંગ કરવામાં આવેલ હતું. તથા હાાલમાં ગીર અને બૃહદ ગીરના તમામ સિંહો સલામત છે અને હજી સુધી એક પણ સિંહને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચેલ નથી. તથા સિંહોની સલામતી માટે વન વિભાગ દ્વારા સતત કાળજી લેવામાં આવી રહી છે અને તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને સિંહોની સુરક્ષા માટે તમામ પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.

અને જૂનાગઢ વિભાગના વન સંરક્ષક ડી.ટી. વસાવડાના આ નિવેદનોના કલાકો બાદ જ વિસાવદરના વેકરીયા ગામના તળાવમાં પાસેથી એક સિંહણ અને ચાર કાળિયારના મૃતદેહો સામે આવ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે જૂનાગઢના વન સંરક્ષક વસાવડાએ સરકારી માધ્યમો દ્વારા આપેલા ખંડન અને નિવેદનો કયા આધારે આપ્યા હશે ? અથવા તો જૂનાગઢના વન સંરક્ષકને તેમના જ વન વિભાગના જે તે રેન્જ અને બીટના અધિકારીઓ દ્વારા શું ખોટી માહિતી અપાઈ હશે ? આ અને આવા અનેક સવાલો વન વિભાગ તરફથી ઉઠી રહ્યા છે અને સિંહ પ્રેમીઓ દ્વારા હાલમાં તો વન વિભાગની કામગીરી અને વાતો સામે આંગળી ચિંધાઈ રહી છે ત્યારે હાલમાં વન વિભાગે એક સિંહણ અને 4 અન્ય વન્ય પ્રાણીઓના મોત થયા હોવાનું સ્વીકાર્યું છે.

અગાઉ પણ હિરણ નદીમાં સિંહણ તણાઇને આવી હતી

આ અગાઉ વર્ષો પહેલાં પણ વનવિભાગની આવીજ બેદરકારી સામે આવી હતી. જે તે વખતે આવેલ અતિવૃષ્ટિમાં હિરણ નદીમાં એક સિંહણ તણાઈ ને નાગલપુર જેવા કોઈ ગામના ઝાડી, ઝાંખરામાં ફસાઈ જતાં મોતને ભેટી હતી અને ત્યારે પણ વનવિભાગે વન્ય પ્રાણી સુરક્ષિત હોવાના દાવા કર્યા હતા પરંતુ બાદમાં તેમની પોલ છતી થઇ હોવાનું પણ વન્ય પ્રાણી પ્રેમીઓમાંથી સંભળાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.