Abtak Media Google News

આવતા અઠવાડિયે અમરિન્દર સિંઘની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનું ભાજપમાં વિલીનીકરણ થઈ જશે

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ બીજેપીમાં ભળી જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેપ્ટન અમરિંદર સિંઘ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં કેસરિયો ધારણ કરવાના છે. કેપ્ટનની સાથે પંજાબના લગભગ 6 થી 7 પૂર્વ ધારાસભ્યો, પુત્ર રણઈન્દર સિંહ, પુત્રી જય ઈન્દર કૌર, પૌત્ર નિર્વાણ સિંહ પણ ભાજપમાં જોડાશે.  કેપ્ટન અમરિન્દર સિંઘના તમામ નજીકના અને જૂના સહયોગીઓને તેમની પુત્રી જય ઈન્દર કૌરે 19 સપ્ટેમ્બરે દિલ્હી પહોંચવા માટે કહ્યું છે.

જય ઈન્દર કૌર હાલમાં કેપ્ટનનું સમગ્ર રાજકીય કામ સંભાળી રહી છે. તાજેતરમાં જ કેપ્ટન અમરિન્દર સિંઘ દિલ્હીના નોર્થ બ્લોકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા.  આ બેઠક બાદ પાર્ટીના વિલીનીકરણની અટકળોએ જોર પકડ્યું હતું.  જો કે, પાર્ટીના વિલીનીકરણના પ્રશ્ન પર કેપ્ટને કહ્યું હતું કે આ બધું કલ્પનાનું રૂપ છે. આવું કંઈ થવાનું નથી.

ઉલ્લેખનીય છે કે પંજાબમાં ચૂંટણી પહેલા કેપ્ટને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમણે કોંગ્રેસ પાર્ટી પણ છોડી દીધી હતી. જે બાદ કેપ્ટને નવી પાર્ટી ’પંજાબ લોક કોંગ્રેસ’ બનાવી અને પંજાબમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું.  જોકે, ભાજપ ગઠબંધન ચૂંટણીમાં વધુ સફળતા મેળવી શક્યું ન હતું અને ભગવંત માનના નેતૃત્વમાં રાજ્યમાં આપની સરકાર બની હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.