Abtak Media Google News

૧૦ દિવસમાં ૬ સિંહબાળ સહિત ૧૨ સાવજોના મોતથી હાહાકાર

અમરેલી જિલ્લાના દલખાણીયા રેન્જમાં ૧૦ દિવસમાં ૬ સિંહબાળ સહિત ૧૨ સાવજોના મોતથી હાહાકાર મચી ગયો છે. દસ જ દિવસમાં ટપાટપ બાર સિંહોના મોત થયા હોવાનું માલુમ પડતા સરકારે વન અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યા છે. બિમાર સિંહોની સારવાર યોગ્ય રીતે ન થતા ૮ સિંહોના મોત નિપજયા હોવાનું માલુમ પડયું છે. વન અધિકારીના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા ત્રણ સિંહ બાળો અંદાજે પાંચથી નવ મહિનાના હતા જયારે અન્ય બે સિંહ બાળની સારવાર જૂનાગઢના જાસધાર એનિમલ કેરમાં ચાલી રહી હોવાનું જણાવામાં આવ્યું છે.

ત્યારે રાજુલામાં સિંહણના પેટમાં ઝેરી તત્ત્વો જવાથી તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. એશિયાટિક લાયનો ગુજરાતની શાન છે માટે તેનું રક્ષણ ખુબજ જરૂરી હોવાથી આ ઘટના અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ચિંતા વ્યકત કરતા કહ્યું હતું કે જરૂર પડયે મૃત્યુ પામેલા સિંહોનું પરિક્ષણ કરવામાં આવશે અને જો કોઈપણ પ્રકારની બેદરકારી જણાશે તો યોગ્ય પગલા લેવામાં આવશે.

વન તેમજ પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ કહ્યું હતું કે, સિંહોના મૃત્યુ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી ઈન્વેસ્ટીગેશન ટીમને અમરેલીમાં મોકલવામાં આવી છે. પ્રાથમિક રિપોર્ટ મુજબ ત્રણ સંહોના કુદરતી મોત થયા હોવાનું સામે આવ્યું છે.

બાકીની વિગતો પોસ્ટ મોર્ટમના રિપોર્ટ બાદ જ મળશે. મૃત્યુ પામેલ સિંહના દેહ એટલી ખરાબ હાલતમાં મળી આવ્યા હતા કે તે સિંહ છે કે સિંહણ તે જાણવું મુશ્કેલ બન્યું હતું. રાજયસભાના એમપી પરિમલ નથવાણીએ પણ સિંહોના મૃત્યુ અંગેની ચિંતા વ્યકત કરી હતી. ત્યારે હવે પોસ્ટ મોર્ટમના રિપોર્ટ બાદ જ સિંહોની મૃત્યુનું ભેદ ઉકેલાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.