Abtak Media Google News

ચૂંટણીપંચ દ્વારા રાજકીય પક્ષો માટે નવી કડક સૂચના

મોરબી જિલ્લામાં ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતવરણમાં યોજી શકાય તે માટે ચૂંટણીપંચની સૂચના મુજબ નવા નિયમો અંતર્ગત રાજકીય પ્રચાર માટે આવતા બહારના લોકોને અડતાલીસ કલાક પહેલા જ તે મતવિસ્તાર છોડી જવા જાહેરનામું અમલી બનાવવામાં આવ્યું છે.

ભારતના ચૂંટણીપંચ તરફથી આપવામાં આવેલ સુચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ૧૯૭૩ ની કલમ૧૪૪ થી મળેલ સત્ત્તાની રૂએ કેતન પી.જોષી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી એ જાહેરનામુ પ્રસિદ્ધ કરી મોરબી શહેર તથા ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૭/૧૨/૨૦૧૭ ના સાંજના ૦૫:૦૦ વાગ્યાથી નીચે મુજબ અમલવારી કરવા હુકમ ફરમાવેલ છે

જે અન્વયે ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લાના વિધાનસભા મતદાર વિભાગોમાં બહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરે કે જેઓ મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને જેઓ તે મતદાર વિભાગના મતદારો ન હોય તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી એટલે કે, તા.૦૭/૧૨/૨૦૧૭ ના સાંજના ૦૫:૦૦ વાગ્યા પછીથી તાત્કાલીક ધોરણે મોરબી જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગો છોડી જતા રહેવું.

આ જાહેરનામાની અમલવારી સુનિશ્ચિત કરવા મોરબી શહેર અને મોરબી ગ્રામ્ય જિલ્લામાં પોલીસ તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ સાર્વજનીક સભા ખંડો, હોટલ, રેસ્ટોરન્ટ, વીશી અને અતિથિગૃહોની ઘનિષ્ઠ તપાસણી કરવી તથા મતદાર વિભાગની હદમાં તપાસ નાકા ઉભા કરવા અને બહારથી આવતા વાહનોની અવરજવર પર દેખરેખ અને તપાસ રાખી, ચૂંટણી પ્રસાર અર્થે બહારથી આવેલ કોઈ લોકો મતદાર વિભાગમાં રોકાયેલ નહી હોવાની ખાતરી કરવાની રહેશે.

રાજકીય પક્ષના રાજય કક્ષાના ઈન્ચાર્જ પદાધિકારીઓએ રાજયના હેડ કવાર્ટરમાં રોકાવાના હોય તે સ્થળ જાહેર કરવાનું રહેશે. તથા સમાન્ય રીતે રહેઠાણ અને પક્ષના કાર્યાલય વચ્ચે આવકજાવક કરી શકશે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.