સોમનાથમાં માટીના ગરબાઓને અપાતો આખરી ટચ

કુમકુમના પગલા પડ્યાં, માડી તારા આવવાના એંધાણ થયા

અબતક, જયેશ પરમાર, સોમનાથ

રૂમઝુમ કરતા નવલા નવરાત્રિ પ્રારંભ હવે બારણે ટકોરે દઇ રહ્યો છે ત્યારે સોમનાથના ભાલકા તીર્થમાં માટીના ગરબા બનાવવાનું કામ કરતા પ્રજાપતિ સમાજના પરિવારો ગરબાને આખરી ઓપ આપી રહ્યાં છે.  ભાલકાના બાઇ ગરબી ચોક કૈલાસ સોસાયટી હનુમાનજી મંદિર પાસે આ પરિવારો અખૂટ પરિશ્રમ કરી માટીના ગરબાઓ બનાવી રહ્યો છે. રંગકામ શુશોભન અને આદ્યશક્તિની ભક્તિ સાથે પોતાની વંશ પરંપરાગત કલા કેમ દિપી ઉઠે તેમાં વ્યસ્ત છે. 63 વર્ષિય કાનાભાઇ જેઠવા કહે છે “નાનપણથી અમો આ ધંધો કરીયે છીએ આજે ધાતુના ગરબાઓ પ્રચલિત થયા છે પણ ભગવાનની દયાથી અમારું હાલ્યા કરે છે.

જલ્પાબહેન સુરેશ જેઠવા આગળ વાત ધપાવતાં કહે છે કે માટીના બનેલા ગરબા હું અમારા પરિવારના શાંતાબહેન ઘરના નાના-મોટા સૌ નીંભાડે પકાવાયેલએ ગરબા ઉપર સફેદ પાકો કલર લગાવીએ અને પછી તેના ઉપર લાલ પાકો કલર લગાવી સોનેરી કલરથી ડીઝાઇન ચીતરીયે અને લેસ,આભલા, કોર્નથી અમારી કલાનું શુશોભન કરીએ બાદ જલ્પાબેન, કાનાબાપા, શાંતાબહેન ઘરના સૌ સભ્યો ઘરમાં ગરબા ઉપર સુશોભન-ચિત્રકામ કરતાં હોય ત્યારે પ્રાચીન જમાનાના સંયુક્ત કુટુંબ સાથે વ્યવસાય યાદ આવી જાય જે આપણે હવે હિન્દી ફિલ્મ ‘હમ સાથ-સાથ હે’માં પૈસા ખરચી જોવા જઇએ છીએ. માટી કામ કરી માતાજીના માટીના ગરબાઓ બનાવતા આ પરિવાર પ્રાચિન ભારતની કલાને જીવંત રાખી રહ્યા છે. તેઓની મહેનત, સુઝ, કલા ભારતના ગૌરવ સમાન છે.