Abtak Media Google News

100 દિવસની કામગીરીનો રોડમેપ આપવા તમામ વિભાગના સચિવને સુચના: કોરોનાના સંભવિત ખતરા અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા

ગુજરાતમાં નવી સરકાર રચાયા અને 16 નવનિયુક્ત મંત્રીઓને વિભાગોની સોંપણી કરાયા બાદ આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની પ્રથમ બેઠક મળી હતી. જેમાં કોરોનાના સંભવીત ખતરા અને રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. દરમિયાન તમામ વિભાગના અગ્ર સચિવોને આગામી 100 દિવસના આયોજનનો રોડમેપ આપવા તાકીદ કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો 182 બેઠકો પૈકી 156 બેઠકો પર ઐતિહાસિક વિજય થયો છે. ગત 12મી ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને 16 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદ સાંજે નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવ નિયુક્ત તમામ 16 મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. મંત્રીઓને વિભાગોની ફાળવણી કરાયા બાદ આજે પ્રથમવાર રાજ્ય સરકારના મંત્રી મંડળની બેઠક મળી હતી. સામાન્ય રિતે કેબિનેટની બેઠક દર બુધવારે મળતી હોય છે.

જો કે ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ એક દિવસ માટે દિલ્હી પ્રવાસે ગયા હોવાના કારણે કેબિનેટની બેઠક યોજાઇ ન હતી. આજે સવારે સચિવાલય ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ચીનમાં વકરેલા કોરોનાનો પગપ્રેસરો ગુજરાતમાં ન થાય તે માટે તકેદારીના પગલા લેવા આયોજન ઘડી કાઢવા ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અંગે અને સરકારનો 100 દિવસની કામગીરીના લક્ષ્યાંક અંગે પણ ચર્ચા થઇ હતી.

તમામ વિભાગોના અગ્રસચિવોને આગામી 100 દિવસની કામગીરીનો રોડમેપ આપવા આદેશ આપવામાં આવ્યો છે. આજે બપોરે નવી સરકારનો પ્રથમ સ્વાગત કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્યમંત્રી નાગરિકોની રજૂઆત અને ફરિયાદ સાંભળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.