Abtak Media Google News

90 વર્ષ પહેલા નવાબના અમીર સાલેભાઇના બગીચાની ‘આંબડી’ને મળ્યું હતું ‘કેસર’ નામ

જેમ કેસર કેરીનો સ્વાદ દેશ વિદેશના કેરીના રસિયાઓને દાઢે ચોંટી ગયો છે, તેવો જ સોરઠની કેસર કેરીનો ઇતિહાસ પણ રસપ્રદ છે. આમ તો આજથી 90 વર્ષ પૂર્વે સોરઠમાં 38 જાતની કેરીઓ પાકતી હતી. પણ સાલેહભાઈના વંથલી નજીકના આંબાવાડીની કેરી કેસર કેરી આજે જગ વિખ્યાત બની ગઈ છે, આ કેસર કેરીનાં મૂળ એટલે કે કલમો નવાબી કાળમાં નખાયાં હતાં. અને દાઢે વળગેલ કેસર કેરીનું નામકરણ જૂનાગઢના અંતિમ નવાબે 1934 માં કર્યું હતું.

જૂનાગઢના ઇતિહાસ કહી રહ્યા છે કે, 90 વર્ષ પૂર્વે જૂનાગઢમાં નવાબી કાળ દરમ્યાન 38 જાતની કેરીઓ ઉત્પન્ન થતી હતી, અને તે સમયમાં કાવ સજી, બેગમપરી, જહાંગીરીયો, ધીયો, બાટલી, જમાદાર, લંગડો, અશરફીયો, ખોડીનાં તેમજ આંબડી જાતની કેરીનાં વૃક્ષો પણ વિશાળ સંખ્યામાં હતા.

અહીં આપણે કેસર કેરીના ઇતિહાસ પર નજર કરીએ તો, જૂનાગઢ નજીકનું વંથલી ગામ કેસરનું મૂળ જન્મ સ્થળ  માનવામાં આવે છે. નવાબી કાળમાં સને 1930માં જૂનાગઢ રાજ્યના તાબે વંથલી મહાલના વંથલીની તળપદની વગેડીની સીમમાં ધૂનાકાંઠે દેશી આંબાની ચામસી અને રવાયુ બાગો સહિતની આંબાવાડી આવેલી હતી, અને જૂનાગઢના નવાબના વઝીર સાલેહભાઈના આંબાના ઝાડ પર કેટલાક ઝાડમાં અલગ પ્રકારની કેરી જોવા મળી હતી. ત્યારે  સાલેહભાઈનું ધ્યાન જતા તેમણે કેરીની સાખ ચાખી હતી, જે સાખ ખૂબ જ મધુરી લાગતા આ આંબાની કાચી કેરી પોતના ઘરે મંગાવી હતી. ઘરે મંગાવેલી કેરી પાકતા તે પાકેલી કેરી માંગરોળના શેખ જહાંગીર મિયાને ભેટ તરીકે આપી હતી.

સાલેહભાઈ ની મોકલાવાયેલ કેરી ખાઈને શેખ જહાંગીર ખુશ થયા હતા. અને તેમણે તે કેરીનું નામ સાલેભાઈની આંબડી નામ આપ્યું હતું તે સાથે સાલેભાઈને સાલે હિંદનો ઈકલાબ આપ્યો હતો. શેખે પોતાના લાલબાગમાં તથા રહીજબાગ, હુસેનાબાદ વગેરે ગામોમાં  તે કેરીના ગોઠલા  ઉગાડાવ્યા હતા. અને ઉગેલા આંબા પરની કેરી નવાબને ભેટ મોકલી હતી, જે કેરીના  સ્વાદે નવાબને રસાતુર કરી દીધા હતા, નવાબની ખુશીનો પર રહ્યો ન હતો. બાદમાં જૂનાગઢના નવાબે તેમના ખેતીવાડી વિભાગના અધિકારી આયંગરને જાણ કરી, તપાસ કરવાનું કહેતા તેઓ માંગરોળ શેખ ને મળ્યાં. તેની પાસેથી જાણ મેળવી અને બાદમાં જૂનાગઢના વજીર શાલેભાઈને સાથે રાખી ચામસી તથા રવાયું બાગોની મુલાકાત લીધી હતી.

આ રસભરી કેરીના ઉત્પાદન માટે નવાબના ખેતીવાડી અધિકારી આઈગંરે જૂનાગઢના ભવનાથમાં આવેલ લાલઢોરી, સક્કરબાગ, સરદાર બાગ સહિતના નવાબના હસ્તકની 90 જેટલી બાગોમાં કલમોનું વાવેતર કરાવ્યું હતું. કહેવાય છે કે, તેમાંથી 75 કલમો ઊગી હતી. તે કલમો વંથલીના ખેડૂતો સારા બળદ ગાડાવાળાને મહાલકારી ઓફિસે બોલાવી ગાડામાં કલમો ભરી જૂનાગઢ ગિરનારની તળેટીમાં લાલ ઢોરી ખાતે કણબી કરસન કાના ભલાણી, કણબી માવજી જેઠા કલોલા, કણબી ધરમશી મનજી વામજી, કણબી બેસર ડોસા ત્રાંબડીયા તથા નાધોરી કાલુ રહેમજી ગબલ નામના પાંચ ખેડૂતો ઘોડેસવાર સિપાઈ સાથે લાવ્યા હતાં. અને આ કલમોને જંગલ સાફ કરાવી વાવેતર કરાવ્યું હતું, ચાર વર્ષના સમયગાળા બાદ આ આંબામાં કેરીનું ઉત્પાદન શરૂ થયું હતું. અને તેમાં ફળો આવતા, જૂનાગઢના નવાબ મહંમદખાન ત્રીજા સમક્ષ આ કેરી પ્રસ્તુત કરવામાં આવી હતી.

જૂનાગઢના નવાબ મહંમદખાન ત્રીજાએ બાદમાં પોતાના દરબારીઓ સમક્ષ કેરીના ફળને ચાખવા માટે રજૂ કર્યું હતું જેમાં સાલેભાઈની આંબડી કરતાં પણ વધુ મીઠાશ લાગી હતી અને તેનો વધુ પડતો કેસરી કલર, કેસર જેવો ફ્લેવર, ઓછા રેસા હોવાથી જૂનાગઢના નવાબ મહંમદખાન ત્રીજાએ 25 મે 1934 ના રોજ દરબારીઓના મતને આધારે કેરીને કેસરનું નવું નામકરણ કર્યું હતું.

બાદમાં નવાબે સૌરાષ્ટ્રના તમામ સ્ટેટમાં કેસર કેરીની કલમો મોકલાવી હતી અને શિવરાત્રિના મેળા દરમિયાન ખેડૂતોને કેસર કેરીની કલમોનું વિતરણ પણ કરી કેસર કેરીની જાતને પ્રખ્યાત કરી હતી.

ગીરની કેસર સિવાય કચ્છ – વલસાડની કેરીને તાલાલાની કેસર તરીકે વેચવી ગુનો

કેસર કેરીને કાયદાકીય રક્ષણ મળી શકે તે માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા જીયોગ્રાફી ઇન્ડીકેશન પણ કરાવી લેવામાં આવ્યું છે, તેના કારણે  ગીર કેસર મેંગો નામે તાલાળા કે ગીરની કેસર સિવાય કચ્છ કે વલસાડની કેરીને તાલાળા કે ગીરની કેરી તરીકે વહેચી શકાતી નથી, અને કાયદાકીય જોગવાઈ મુજબ આ નામે વેચવી એ પણ ગુનો બને છે. આ સાથે કેસર કેરી માટેનો લોગો પણ બનાવી લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.