Abtak Media Google News

સિંહ બાળ ફાસલામાં ફસાયા બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો: અત્યાર સુધીમાં સિંહના શિકારના પ્રયાસની ગુસ્તાખી કરનારા ૫૬ પકડાયા

સિંહબાળને ફસાયેલું જોઈ સિંહણ ભુરાઈ થઈ, એક શિકારી ઉપર હુમલો કરી દીધો: શિકારી ગેંગમાં ફફડાટ

આધુનિક ટેકનોલોજી અને કરોડો રૂપિયાનો સિંહ સંવર્ધન અને સંરક્ષણ માટે ખર્ચ કરતા વન વિભાગ ની કામગીરી ઉપર અનેક સવાલો ખડા થયા છે, ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી નજીક આવેલ ખાંભા ગામની સીમમાં ગઈકાલે એક સિંહબાળ ફાંસલામાં ફસાયેલ હાલતમાં મળી આવ્યું હતું અને ત્યારે વન તંત્ર હરકતમાં આવ્યું છે અને ખાંભાની સીમમાં ચાર માસથી રોકાણ કરી ઔષધિના નામે સિંહની રેકી કરી, સિંહનો શિકાર કરવા અથવા કોઈ કારસ્તાન પાર પાડવા આવેલા શંકાસ્પદ ચાર શખ્સોને જુનાગઢ પોલીસની મદદથી ઝડપી લેવામાં આવ્યા છે અને હાલમાં આ શખ્સોની પ્રાથમિક તપાસ વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.

જો કે ભેદભરમથી ભરેલા આ ઘટના અંગે વન તંત્ર તો અનેક બાબતોએ મૌન રહેવા પામ્યું છે અને અનેક શંકાસ્પદ બાબતો ચર્ચાને ચકડોળે ચઢી છે, તો આ ઘટના સામે આવતા જ વનતંત્ર દોડતું થયું છે અને ખાંભા ગામની સીમમાં ઘટેલી આ ઘટના અંગે વિવિધ દિશામાં વન વિભાગે તપાસ આરંભી છે તથા પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ગીર સોમનાથ, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં સિંહના શિકારનો પ્રયાસ કરવામાં ૫૬ પકડાઈ ચૂક્યા છે.

વન વિભાગ દ્વારા ગઈકાલે મોડી સાંજે એક અખબારી યાદી રિલીઝ કરી હતી, જેમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાંચી નજીકના ખાંભા ગામે કોઇ અજાણ્યા વ્યક્તિને સિંહ દ્વારા ઇજા પહોંચાડવામાં આવી હોવાના વન વિભાગને મેસેજ મળતા સ્થાનિક વન વિભાગનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો.  જ્યાં તપાસ કરતા ફાસલામાં ફસાયેલ બાળ સિંહ મળી આવતા આ સિંહબાળને તાત્કાલીક વેટરનરી ડોકટર બોલાવી ફાંસલામાંથી મૂકત કરવામાં આવેલ હતું. જો કે, ઇજા ગ્રસ્ત વ્યક્તિ મળી આવેલ ન હતો. જ્યારેે આ ઘટનાના ચાર શંકાસ્પદ  શખ્સોને વન વિભાગે વંથલી નજીકના વાડલા ગામેથી ઝડપી લીધા છે, અને તેમાંના એક ઇજાગ્રસ્ત વ્યક્તિને જૂનાગઢની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

દરમ્યાન પ્રાપ્ત વિગતો અનુસાર વન વિભાગને મળેલ બાતમીના આધારે ફાંસલામાં ફસાયેલ સિંહ બાળ મળી આવ્યા બાદ સિંહના શિકાર માટે આ ઘટના બની હોવાની શંકા જતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને ઘવાયેલા વ્યક્તિને પકડી પાડવા વન વિભાગ દ્વારા જૂનાગઢ પોલીસની મદદ લેવામાં આવી હતી.

આ ગંભીર ગુન્હાનો ભેદ ઉકેલવા વન વિભાગ દ્વારા  કવાયત હાથ ધરાઇ હતી, અને સીસીટીવી ફૂટેજ ના આધારે આ શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા હતા તે દરમિયાન જૂનાગઢ જીલ્લા પોલીસે પણ તપાસ આરંભી હતી,  અને નાકા બાંધી જેવું ગોઠવી ઇજા ગ્રસ્ત શખ્સને ઝડપી લેવા વાહન ચેકીંગ હાથ ધરાયા હતા ત્યારે વંથલી નજીકના વાડલા ગામે વંથલી પોલીસ દ્વારા એક ઇકો કાર રોકી ચેક કરતા તેમાંથી બેસુદ્ધ હાલતમાં ઈજાગ્રસ્ત

શખ્સ અને અન્ય ૩ મળી કુલ ૪ શંકાસ્પદ શખ્સો મળી આવ્યા હતા તે દરમિયાન વન વિભાગે તમામને પકડી પાડયા છે.

વન વિભાગની અખબારી યાદી મુજબ જૂનાગઢ જિલ્લાના વંથલી નજીકના વાડલા પાસેથી વન વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવેલ ૪ પૈકી એક શખ્સને પેટના ભાગે ઇજા થયેલ છે ત્યારે તેને સારવાર માટે જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

આ બનાવ અંગે ઇજાગ્રસ્ત વ્યક્તિ અને અન્ય તેમના સંબંધીઓની આ શંકાસ્પદ બનાવ અંગે  વન વિભાગ પૂછપરછ કરી રહ્યું હોવાનું મુખ્ય વન સંરક્ષક જૂનાગઢ વન વર્તુળ દ્વારા જણાવાયું છે.

ઈજાગ્રસ્ત શખ્સે હોસ્પિટલમાં દિપડાએ હુમલો કર્યાનું જણાવ્યું

જો કે, એક વાત મુજબ તાલાલા હોસ્પિટલમાં ગઈકાલે એક શખ્સને સારવારમાં લાવવામાં આવેલ હતો અને તેના ઉપર દીપડાએ હુમલો કર્યો હોવાનું તથા તેનું નામ હબીબ શમશેર હોવાનું પ્રાથમિક સારવાર દરમિયાન જણાવાયું હતું અને બાદમાં તે હોસ્પિટલ માંથી નાશી છૂટયો હતો, જે તમામ ઘટના તાલાલા હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે. પરંતુ વન વિભાગ દ્વારા આ બાબતે ચૂપ રહ્યું છે, તથા ઇજા ગ્રસ્ત સિંહ બાળને સારવારમાં ક્યાં ખસેડ્યું છે તે અંગે વન વિભાગ મૌન રહ્યું છે.

ઔષધિના ઓઠા હેઠળ શખ્સો ચારેક માસથી જંગલ વિસ્તારમાં રહેતા હતા

એક લોક ચર્ચા મુજબ ગીર સોમનાથ જિલ્લાના ખાંભા વિસ્તારમાં ઔષધિ અને દેશી દવા જંગલ માંથી શોધી વેચવાના ઓઠા નીચે આ વિસ્તારમાં છેલ્લા ચારેક માસથી અમુક લોકો ઝૂંપડા બાંધી આ વિસ્તારમાં રહેતા હોવાની વાત છે, છતાં ફોર વ્હીલ, ટુ વ્હીલર પર પેટ્રોલિંગ અને ફરેણા કરતા વન વિભાગને આ શંકાસ્પદ લોકોની અણસાર સુદ્ધાં આવી નથી, જો કે, આ ઘટના સામે આવતા વન તંત્ર ઝૂંપડાઓ સુધી પહોચ્યું હોવાની અને ત્યાંથી એક છરી, અને ઘરવખરીનો સામાન હાથ લાગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મામલો શિકાર સુધી પહોંચ્યો, વનતંત્ર અંધારામાં!!

વન તંત્ર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે, સરકાર સિંહના સંવર્ધન અને સુરક્ષા માટે કરોડો રૂપિયાના ખર્ચ કરે છે, છતાં કોઈ શિકારી લોકો વન વિસ્તારમાં પહોંચી પોતાના કારસ્તાન ને અંજામ આપી રહ્યા છે, એ બાબતે ફરી એક વખત વન વિભાગની કામગીરી ઉપર સવાલ ખડા થયા છે.

છેલ્લે વર્ષ ૨૦૦૭માં ૬ સિંહોના થયા હતા શિકાર

ભૂતકાળમાં પણ સને ૨૦૦૭માં ૬-૬ સિંહોના શિકાર થયા હતા અને જે તે વખતે વન તંત્ર સફાળું જાગ્યું હતું, જો કે, લોક ચર્ચા મુજબ અને છાશવારે વાયરલ થતાં વિડિયો વન વિભાગ સામે આંગળી ચીંધે છે કે, ક્યાંક ને ક્યાંક વન વિભાગની આળશ અને હોતી હૈ ચાલતી હૈ ની નીતિના કારણે સિંહ સહિતના વન્ય પ્રાણીઓની પજવણી અને ગેર કાયદે સિંહ દર્શન થઈ રહ્યા છે, અને આવી ઘટના જગ જાહેર થાય ત્યારે વન વિભાગ હરકતમાં આવે છે, અને કામગીરી કરી અમે કાઇક કર્યું તેવા સંતોષનો ઓડકાર ખાય રહ્યા છે.

પોલીસની સતર્કતાથી ગેંગ ત્વરીત પકડાઈ ગઈ

આ ઘટનામાં જુનાગઢ જિલ્લા પોલીસની તાત્કાલિક અને સઘન કામગીરી નોંધનીય રહી છે, વન વિભાગ દ્વારા પોલીસ વિભાગને જાણ કરાતા આ બનાવના શંકાસ્પદ શખ્સોને પકડવામાં જૂનાગઢ પોલીસની કામગીરી પ્રશંસા પાત્ર રહી છે, જો પોલીસ સાથે વન તંત્ર એ સંકલન કર્યું ના હોત તો કદાચ આ ગેંગના લોકો નાશી છૂટવામાં સફળ રહ્યા હોત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.