Abtak Media Google News

પ્રથમ દિવસે માત્ર વીરપુરવાસીઓને જ દર્શનનો લાભ અપાયો, આજથી તમામ ભાવિકોને દર્શન માટે છૂટ : ભોજનાલય હજુ બંધ રખાશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ મંદિર- વીરપુર આજથી તમામ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ગઈકાલે માત્ર વિરપુરવાસીઓને જ દર્શનનો લાભ આપવામાં આવ્યો હતો. બાદમાં આજથી તમામ શહેરોના ભાવિકોને દર્શનનો લાભ આપવામાં આવનાર છે.

લોકડાઉનના પોણા ત્રણ મહિના જેવા લાંબા સમય બાદ સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતેના જલારામ મંદિરના મંગલ દ્વાર સોશ્યલ ડિસ્ટન્સના સરકારી નિયમોને આધીન તમામ શ્રદ્ધાળુઓ માટે  આજથીખુલ્લા મુકાયા છે. જો કે ગઈકાલથી જ મંદિરના દ્વાર ખુલ્યા હતા. જેમાં પ્રથમ દિવસે ગાદી પતિ દ્વારા ફ્ક્ત વીરપુરવાસીઓને દર્શન કરવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે આજથી બધા જ દર્શનાર્થીઓ માટે મંદીર ખુલ્લુ મુકાયુ છે.પૂજ્યબાપાના દર્શન સવારે ૭ થી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરે ૩ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી જ થઈ શકશે. અને ૧૦ વર્ષથી નીચેની વયના બાળકો તેમજ ૬૦ વર્ષથી ઉપરની વયના વૃદ્ધો તેમજ સગર્ભા મહિલાઓને મદિરમાં પ્રવેશ નહિ મળી શકે. ઉપરાંત કોઈ પણ જાતનો પ્રસાદ મંદિરમાં સાથે લઈ જવાની મનાઈ કરવામાં આવી છે.

હાલ સરકારની ગાઈડલાઈન પ્રમાણે ભોજનાલય બંધ રાખવામાં આવ્યું છે. જે આગામી ગાઈડલાઈન જાહેર થયા બાદ છૂટ મળશે તો શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિનાથી ભાવિકો જલારામબાપાના દર્શન કરી શક્યા ન હતા. આજથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના વિવિધ શહેરમાંથી ભાવિકોનો પ્રવાહ જલારામબાપાના દર્શન કરવા માટે વીરપુર આવી રહ્યો છે. વધૂમાં હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને ભાવિકોનું આરોગ્ય જોખમાય નહિ તે માટે મંદિરમાં વિશેષ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.