Abtak Media Google News

અરવિંદભાઈ મણીયાર, મનસુખભાઈ ઉંધાડ, હરી ઘવા, કે.ડી.રાઠોડ, નિર્મળાબેન પનારા, અશોક કાકડીયા, પુષ્પાબેન પંડ્યા, અમીત ભોરણીયા, કૈલાશબેન રામાણી, પ્રભાતભાઈ ડાંગર અને હારૂનભાઈ ડાકોરાના અવસાનથી બોર્ડમાં ખાલીપો સર્જાયો

શહેરના વોર્ડ નં.૧૬ના કોંગ્રેસના કોર્પોરેટર હારૂનભાઈ ડાકોરા ગઈકાલે કોરોના સામેનો જંગ હારી ગયા છે. નગરસેવકોના અકાળે નિધનથી રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ ૧૧મી વખત ખંડીત થયું હોવાની દુ:ખદ ઘટના ગઈકાલે સર્જાઈ હતી. મહાપાલિકાની વર્તમાન ટર્મની મુદત પૂર્ણથવાના આડે હવે ત્રણ મહિનાથી પણ ઓછો સમયગાળો બાક્ી રહ્યો હોય. હારૂનભાઈના નિધનથી ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી યોજાશે નહીં.

૧૯૮૩ અરવિંદભાઈ મણીયારના અકાળે અવસાન થતાં મહાપાલિકાનું જનરલ બોર્ડ પ્રથમવાર ખંડીત થયું હતું. ખાલી પડેલી આ બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં અરવિંદભાઈ મણીયારના ધર્મપત્ની હંસીકાબેન મણીયાર વિજેતા બન્યા હતા. પાંચ વર્ષના અંતરાલ બાદ ફરી એક દુ:ખદ ઘટના બની હતી. જેમાં ૧૯૮૮માં કોંગ્રેસના સીટીંગ કોર્પોરેટર મનસુખભાઈ ઉંધાડના અવસાનથી બોર્ડ ખંડીત થયું હતું અને પેટાચૂંટણીમાં ભાજપના રતિભાઈ બોરીચા વિજેતા બન્યા હતા. ૧૯૯૫માં કદાવર નેતા હરિભાઈ ઘવાભાઈના અવસાનથી ત્રીજી વખત જનરલ બોર્ડ ખંડીત થયું હતું. પેટા ચૂંટણીમાં હરી ઘવાના ધર્મપત્ની કાંતાબેન ઘવા વિજેતા બન્યા હતા. હરિભાઈના નિધનના શોકમાંથી ભાજપ બહાર આવે તે પૂર્વે જ બે વર્ષના ટૂંકા અંતરાલમાં ભાજપે વધુ એક કદાવર નેતાને ખોઈ બેસ્યા હતા. ૧૯૯૭માં કે.ડી.રાઠોડનું અકાળે નિધન થતાં બોર્ડ ખંડીત થયું હતું. પેટા ચૂંટણીમાં ભાજપે તેમના પુત્ર અનિલભાઈ રાઠોડને ટીકીટ આપી હતી. પોતાનો પિતાનો સેવાકીય વારસો જાળવી રાખતા અનિલભાઈ ૧૯૯૭ થી લઈ આજ સુધી નગરસેવક તરીકે સતત ચૂંટાઈ રહ્યાં છે.

૧૯૯૮માં ફરી એક વખત ભાજપના મહિલા નગરસેવીકા નિર્મલાબેન પનારાનું અવસાન થતાં બોર્ડ ખંડીત થયું હતું. પેટા ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી હતી અને પૂર્વ ડે.મેયર મોહનભાઈ સોજીત્રાના ધર્મપત્ની જયશ્રીબેન સોજીત્રા પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. ૨૦૦૩માં કોંગ્રેસના સીટીંગ કોર્પોરેટર અશોકભાઈ કાકડીયાનું દુ:ખદ અવસાન થતાં બોર્ડ વધુ એક વખત ખંડીત થયું હતું. ખાલી પડેલી આ બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના જ ઉમેદવાર મનોહરસિંહજી ગોહિલ વિજેતા બન્યા હતા. આ જ ટર્મમાં ૨૦૦૪માં ફરી એકવખત બોર્ડ ખંડીત થવાનો કાળો ઈતિહાસ લખાયો છે જેમાં ભાજપના મહિલા નગરસેવીકા પુષ્પાબેન પંડ્યાનું અવસાન થયું હતું. તેમના નિધનથી ખાલી પડેલી બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના સ્મીતાબેન સીધ્ધપરા વિજેતા બન્યા હતા. ૨૦૧૦માં અમીત ભોરણીયાના નિધનથી ફરી બોર્ડ ખંડીત થયું હતું અને ખાલી પડેલી બેઠકમાં યોજાયેલી પેટાચૂંટણીમાં અમિત ભોરણીયાના પિતા છગનભાઈ ભોરણીયા વિજેતા થયા હતા. ૨૦૧૫માં કૈલાસબેન રામાણીનું અવસાન થતા બોર્ડ ખંડીત થયું હતું અને પેટાચૂંટણીમાં ભાનુબેન તળાવીયા વિજેતા બન્યા હતા. વર્તમાન ટર્મમાં નગરસેવકના નિધનથી બોર્ડ ખંડીત થવાની દુ:ખદ ઘટના બે વખત બની છે જેમાં ૨૦૧૭ના વર્ષમાં વોર્ડ નં.૪ના કોંગ્રેસના નગરસેવક પ્રભાતભાઈ ડાંગરના અવસાનથી બોર્ડમાં ખાલીપો સર્જાયો હતો. આ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરેશભાઈ પીપળીયા વિજેતા બન્યા હતા અને ભાજપે આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. ગઈકાલે કોંગ્રેસના નગરસેવક હારૂનભાઈ ડાકોરાનું કોરોનાથી અવસાન થતાં બોર્ડ ફરી ખંડીત થયું છે. જો કે, હવે મહાપાલિકાની વર્તમાન ટર્મની મુદત પૂર્ણ થવાને આડે ત્રણ માસથી ઓછો સમય બાકી રહ્યો છે. આવામાં વોર્ડ નં.૧૬ની ખાલી પડેલ બેઠક માટે ચૂંટણી યોજાય તેવી કોઈ જ શકયતા નથી. ૧૯૮૩થી લઈ ૨૦૨૦ સુધીના ૩૭ વર્ષના ઈતિહાસમાં નગરસેવકના અકાળે અવસાનથી જનરલ બોર્ડ ખંડીત થવાની ઘટના ૧૧ વખત બની છે જ્યારે નગરસેવકના રાજીનામાના કારણે બોર્ડ ખડીત થયાની ઘટના અનેકવાર બની ચૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.