Abtak Media Google News

રાજ્યના બિન અનામત વર્ગને લઈને રાજ્ય સરકાર દ્વારા વર્ષની શરુઆતમાં જ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના બિન અનામત વર્ગ માટે આયોગની રચના કરવામાં આવી છે, જે હેઠળ સરકાર શિક્ષણ, રોજગારી અને વિદેશમાં અભ્યાસ માટે સરકાર સહાય આપશે.

બિન અનામત આયોગ માટે રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ લાભાર્થીઓની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. જે હેઠળ પરિવારની આવક મર્યાદા 3થી વધારી 4.50 લાખ કરાઈ છે. આ ઉપરાંત વિદેશમાં અભ્યાસ માટેની લોનની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં પરિવારની આવક મર્યાદા 4.50થી વધારીને 6 લાખ કરાઈ છે.

બિન અનામત વર્ગને લઈને લાભોની જાહેરાત કરતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, મુખ્યપ્રધાન સાથેની બેઠકમાં કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી. અને આયોગ તરફથી આવક મર્યાદા વધારાવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આવક મર્યાદા વધારીને 4.5 લાખ રૂપિયા કરાઇ છે. અગાઉ આવક મર્યાદા રૂ.3 લાખ હતી.

વિદ્યાર્થીઓ લક્ષી જાહેરાત કરતા જણાવ્યું કે, ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીના પરિવારની આવક મર્યાદમાં વધારો કરાયો છે. વિદેશ અભ્યાસર્થે જતાં વિદ્યાર્થીઓના પરિવારની આવક મર્યાદા રૂ.6 લાખ કરાઇ છે. વિદેશ અભ્યાસે જતા વિદ્યાર્થી રૂ.15 લાખની લોન મેળવી શકશે. મેડિકલના અભ્યાસ માટે રાજ્ય બહાર જનાર વિદ્યાર્થીઓને સહાય અપાશે.

બિન અનામત વર્ગમાં આવતી જ્ઞાતિઓને આ લાભ મળશે. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે પણ સરકાર સહાય કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.