Abtak Media Google News

વિદ્યાર્થીઓને સ્વચ્છાગ્રહી બનાવવા અને તાત્કાલીક ધોરણે ગંદકી દૂર કરવા કડક સૂચના

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી સાથે ગુજરાત વિદ્યાપીઠની  અચાનક જ મુલાકાત લઈ, અહીં ભોજનાલય, સ્વચ્છતા સંકુલો અને છાત્રાવાસની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. મહાત્મા ગાંધીના આદર્શોની વરેલી ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા સંકુલો અને છાત્રાવાસની જર્જરિત અને દયનીય હાલત તેમજ અપાર ગંદકીને નિહાળી રાજ્યપાલએ અત્યંત દુ:ખ વ્યક્ત કર્યું હતું.

તેમણે વ્યથા રજૂ કરતા જણાવ્યુ હતું કે મહાત્મા ગાંધીજીના આદર્શોને વરેલી આ સંસ્થામાં જ ગંદકી અને જર્જરીત હાલત જોઈ મન દ્રવી ઉઠે છે. ગાંધીજીના સ્વચ્છતાના આગ્રહનું અહીં પાલન થાય તે માટે રાજ્યપાલએ વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું. રાજ્યપાલ અચાનક જ કુમાર છાત્રાલયમાં પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને રૂમમાં જ મળ્યાં હતા. તેમણે અહી સ્વચ્છતા તેમજ ઉપલબ્ધ સુવિધાની માહિતી મેળવી હતી, જ્યારે લેડી ગવર્નર   દર્શનાદેવી મહિલા છાત્રાલય પહોંચ્યા હતા અને અહીંની ગંદકી અને જર્જરીત-દયનીય હાલત જોઈને દુ:ખ વ્યક્ત કર્યું હતું.

એટલું જ નહીં વિદ્યાર્થીનીઓને સ્વચ્છતા માટે સમૂહશ્રમ કરવા અનુરોધ પણ કર્યો હતો. રાજ્યપાલએ આ તકે વિદ્યાપીઠના કુલનાયક   રાજેન્દ્ર ખીમાણી તેમજ કાર્યકારી રજિસ્ટ્રાર   નિખિલ ભટ્ટને તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવા અને સ્વચ્છતાનો પ્રબંધ કરવા ભારપૂર્વક અનુરોધ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. રાજ્યપાલશ્રીએ અહી છાત્રાવાસમાં વસતા વિદ્યાર્થીઓને પણ સ્વચ્છાગ્રહી બનવાનો આગ્રહ કરી ગુજરાત વિદ્યાપીઠને ગાંધીજીના સપનાનું શિક્ષણ સાધનાનું આદર્શ સ્થાન બનાવવા અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.