Abtak Media Google News
  • ગુજરાત સરકાર સામે કરાયેલી કેટલીક ટિપ્પણીઓ દૂર કરવાની કરાઈ વિનંતિ

સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરીએ બિલકિશ બાનુની અરજી પર હત્યા અને રેપ મામલે ઉમરકેદની સજા પામેલા 11 દોષીતોની મુક્તિના 17 મહિના બાદ ફરી જેલમાં મોકલવાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં ગુજરાત સરકારના સમય પહેલા દોષીતોને મુક્ત કરવાના આદેશને રદ્દ કરી દીધો હતો. હવે ગુજરાત સરકારે સુપ્રીમમાં પુનર્વિચાર યાચિકા દાખલ કરી છે.

બિલકિશ બાનુ કેસના દોષિતોને ફરી જેલ મોકલવા મામલે ગુજરાત સરકાર હવે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. ગુજરાત સરકારે બિલકિશના દોષિતોને આજીવન કેદની સજા પુરી થયા પહેલા તેમને મુક્ત કરવાના આદેશને રદ કરવાના નિર્ણય પર પુનર્વિચાર યાચિકા દાખલ કરી છે. સરકારે કોર્ટને તેના નિર્ણયમાં ગુજરાત સરકાર વિરુદ્ધ કરાયેલી કઠોર ટિપ્પણીઓને દૂર કરવાની યાચિકા દાખલ કરી છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરીએ બિલકિશ બાનુની અરજી પર હત્યા અને રેપ મામલે ઉમરકેદની સજા પામેલા 11 દોષીતોની મુક્તિના 17 મહિના પછી ફરી જેલમાં મોકલવાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં ગુજરાત સરકારના સમય પહેલા દોષિતોને મુક્ત કરવાના આદેશને રદ્દ કર્યો હતો.

સાથે જ સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં ગુજરાત સરકાર વિરુદ્ધ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. રાજ્ય સરકારે તે કઠોર શબ્દોમાં કરાયેલી ટિપ્પણીને હટાવવાની માગ કરતી રિવ્યુ પિટીશન દાખલ કરી છે. જેમા કહ્યુ છે કે કોર્ટે તેમના નિર્ણયમાં બિલકિશ બાનુ મામલે રાજ્યએ દોષિતો સાથે મળીને કામ કર્યુ,જેવી સરકાર વિરોધી ટિપ્પણીઓને દૂર કરી દેવી જોઈએ.

ગુજરાત સરકારે તેમની યાચિકામાં જણાવ્યુ છે કે એવી ટિપ્પણીઓ પૂર્વગ્રહ ઉભો કરવાનુ કામ કરે છે. ગુજરાત સરકારે જણાવ્યુ કે તેમને હાઈકોર્ટના 2022ના આદેશ અનુસાર જ કામ કર્યુ છે. સરકારનો નિર્ણય એ સત્તાનો દુરુપયોગ ન હતો.

આપને જણાવી દઈએ કે બિલ્કીસ બાનુ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ્દ કરતા ગુનેગારોની સજાની માફી રદ કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે જ્યાં અપરાધી પર કેસ ચલાવવામાં આવ્યો છે અને સજા સંભળાવવામાં આવી છે ત્યાં માત્ર રાજ્ય જ દોષિતોને માફ કરવાનો નિર્ણય લઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાત સરકાર ગુનેગારોની સજા માફ કરવાનો નિર્ણય લઈ શકતી નથી, તેના પર મહારાષ્ટ્ર સરકાર નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે બિલકિસ બાનુ કેસની સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ હતી.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કરી હતી કઠોર ટિપ્પણી

અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, કેન્દ્ર અને ગુજરાત સરકારે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે દોષિતોને સુધારવાની તક આપવી જોઈએ. આના પર કોર્ટે સવાલ કર્યો હતો કે મુક્તિમાં છૂટછાટનો લાભ માત્ર બિલકિસ બાનુના દોષિતોને જ કેમ આપવામાં આવ્યો? શા માટે અન્ય કેદીઓને આવી છૂટછાટ આપવામાં આવી ન હતી? સુપ્રીમ કોર્ટે એ પણ પૂછ્યું કે શું ગુનેગારોને માફી માંગવાનો મૂળભૂત અધિકાર છે? તેના પર ગુનેગારોના વકીલે સ્વીકાર્યું કે ગુનેગારોને માફી માંગવાનો મૂળભૂત અધિકાર નથી. ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ બિલ્કીસ બાનુના ઘરમાં ઘૂસીને સાત લોકોની હત્યા કરી હતી. આ દરમિયાન બિલ્કીસ બાનુ પર સામૂહિક બળાત્કાર થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.